Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

હવે 'અંતરિક્ષ'માં પણ થઇ ચીન - પાકિસ્તાનની મિત્રતા

ચીને પોતાના સદાબહાર મિત્ર પાકિસ્તાન માટે બે રિમોટ સેન્સિંગ સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કર્યા

ઇસ્લામાબાદ તા. ૧૦ : ચીને પોતાના સદાબહાર મિત્ર પાકિસ્તાન માટે બે રિમોટ સેન્સિંગ સેટેલાઇટને સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ સેટેલાઇટ ચીન-પાકિસ્તાન ઇકોનોમી કોરિડોર (સીપીઇસી)ને મોનિટર કરશે. આ ઉપગ્રહના લોન્ચિંગે બંને દેશ વચ્ચે મજબૂત સંબંધોને ફરી એક વાર જાહેર કર્યા છે.

લગભગ ૧૯ વર્ષ દરમિયાન 'લોંગ માર્ચ-ર સી' રોકેટનું આ પહેલું આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક પ્રક્ષેપણ છે. ઉપગ્રહ પીઆરએસએસ-૧ અને પાકટીઇએસ-૧એને પશ્ચિમ-ઉત્તર ચીનમાં ઝીઉકાન ઉપગ્રહ લોન્ચિંગ સેન્ટરથી સવારે ૧૧-પ૬ મિનિટે લોન્ચ કરાયા.

પીઆરએસએસ-૧એ પાકિસ્તાનને વેચવામાં આવેલો ચીનનો પહેલો ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ છે અને કોઇ વિદેશી ખરીદદાર માટે ચાઇના એકેડેમી ઓફ સ્પેસ ટેકનોલોજી (સીએએસટી) દ્વારા વિકસિત ૧૭મો ઉપગ્રહ છે. પાકિસ્તાન દ્વારા વિકસિત વૈજ્ઞાનિક પ્રયોગ ઉપગ્રહ પાકટીઇએસ-૧એને એ જ રોકેટથી તેની કક્ષામાં મોકલવામાં આવ્યો. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ ઓગસ્ટ-ર૦૧૧માં સંચાર ઉપગ્રહ પાક સેટ-૧આરના લોન્ચિંગ બાદથી ચીન અને પાકિસ્તાન વચ્ચે એક વધુ અંતરિક્ષ સહયોગ થયો છે.

પીઆરએસએસ-૧નો ઉપયોગ જમીન અને સંસાધનના સર્વેક્ષણ, પ્રાકૃતિક આફતોની દેખરેખ, કૃષિ રિસર્ચ, શહેરી નિર્માણ, સીમા અને સડક ક્ષેત્ર માટે રિમોટ સેન્સિંગ સૂચના ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવે છે.

આજનું આ લોન્ચિંગ લોંગ માર્ચ રોકેટ શૃંખલાનું ર૭૯મું અભિયાન અને લગભગ બે દાયકા બાદ થયેલું પહેલું આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક લોન્ચિંગ છે. ૧૯૯૯માં તેણે મોટોરોલાના ઇરિડિયમ ઉપગ્રહનું લોન્ચિંગ કર્યું હતું. આ ઉપગ્રહ પાકિસ્તાનના આર્થિક અને ત્યાંના સામાન્ય લોકોના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

(3:51 pm IST)