Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અયોધ્યાથી કોલંબોઃ રામાયણ ટૂર કરાવશે IRCTCની આ સ્પેશિયલ ટ્રેન

રામાયણ એકસપ્રેસ ૧૬ દિવસનો પ્રવાસ

નવી દિલ્હી, તા.૧૦: ભારતીય રેલવે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે રામાયણ સાથે જોડાયેલા મહત્વના સ્થળોથી પસાર થનારી સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન શરુ કરવા જઈ રહ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ટ્રેનનું નામ શ્રી રામાયણ એકસપ્રેસ હશે જે ૧૪ નવેમ્બરના રોજ દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી ઉપડશે.

૧૬ દિવસનો પ્રવાસ

૧૬ દિવસની યાત્રા દરમિયાન આ ટ્રેન સૌથી પહેલા ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા રોકાશે. ત્યારપછી હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર જશે. અહીંથી સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રિંગવેરપુર, ચિત્રકૂટ, નાસિક, હંપી અને રામેશ્વરમ અથવા તેના નજીકના સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનનો લાભ ૮૦૦ પેસેન્જર્સ લઈ શકશે. રામેશ્વરમ સુધીની યાત્રા માટે પ્રતિ વ્યકિત ૧૫૧૨૦ રુપિયા ચુકવવાના રહેશે.

વાંચો, જીવનમાં એક વાર તો ભારતના આ પાડોશી દેશની મુલાકાત લેવી જ જોઈએ

જે યાત્રી શ્રીલંકામાં પણ રામાયણને લગતા સ્થળોના દર્શન કરવા ઈચ્છે છે, તેમણે ચેન્નાઈથી ફ્લાઈટ લેવી પડશે અને તેના માટે અલગ ચાર્જ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ અને ૬ રાત વાળા શ્રીલંકા પેકેજમાં કૈંડી, નુવારા એલિયા, કોલંબો, નેગોંબો વગેરે સ્થળોની યાત્રા કરાવવામાં આવશે.

શ્રીંલકાના પેકેજ માટે પ્રતિ વ્યકિત ૪૭૬૦૦ રુપિયા ચુકવવાના રહેશે. આ યાત્રાની શરુઆત ૧૪ નવેમ્બરના રોજ થશે, જે ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો જન્મદિવસ પણ છે.

(3:39 pm IST)