Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બજારમાં તેજી : સેંસેક્સમાં ૨૩૦ પોઇન્ટ સુધી સુધારો

નિફ્ટી ૫૯ પોઇન્ટ સુધરીને રહેતા નવી આશા : શરૂઆતી કારોબારમાં તેજી રહ્યા બાદ દિવસ દરમિયાન પણ તેજી રહેવાના સંકેત : જુદા જુદા પરિબળોની અસર

મુંબઇ,તા. ૧૦ : શેરબજારમાં આજે તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૩૦ પોઇન્ટ સુધરીને ૩૬૧૬૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૯ પોઇન્ટ સુધરીને ૧૦૯૧૨ની સપાટી પર રહ્યો હતો. આજે દિવસ દરમિયાન તેજી રહી શકે છે.  ભૌગોલિક તંગદિલીની અસર પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી સપ્તાહમાં બ્રિટનના વડાપ્રધાન ટેરેસા મેને મળનાર છે જેમાં ટ્રેડવોરના મુદ્દા ઉપર ચર્ચા થશે. ક્રૂડ ઓઇલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલની અસર પણ રોકાણકારો ઉપર થશે.  જૂન મહિના માટે યુએસ કોર ફુગાવાનો આંકડો ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે. ટ્રેડવોરની ચિંતા સૌથી વધુ દેખાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની શરૂઆત થઇ ચુકી છે. ધારણા પ્રમાણે જ અમેરિકાએ શુક્રવારે ૩૪ અબજ ડોલરના ચીની આયાત ઉપર ૨૫ ટકાના નવા ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આની સાથે જ અમેરિકાએ ચીનને મોટો ફટકો આપ્યો હતો. આના જવાબમાં ચીને પણ આજે જ અમેરિકી ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી હતી. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ અને આઈઆઈપીના ડેટા ૧૨મી જુલાઈના દિવસે જારી કરવામાં આવનાર છે.ઇન્ફોસીસ દ્વારા શુક્રવારના દિવસે તેના ત્રિમાસિક ગાળાના પરિણામ જારી કરવામાં આવનાર છે. આઈટી સેક્ટર પર પણ તેની અસર થઇ શકે છે. વિપ્રો, ટેક મહિન્દ્રા દ્વારા પણ તેમના પગલા લેવામાં આવનાર છે. સરકાર દ્વારા ગુરુવારના દિવસે મે મહિનાના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જારી કરવામાં આવનાર છે. મોનસુનની પ્રગતિને લઇને પણ દલાલસ્ટ્રીટમાં અસર જોવા મળી રહી છે.  સેંસેક્સ ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે ૨૭૭ પોઇન્ટ ઉછળીને ૩૫૯૩૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૦ પોઇન્ટ ઉછળીને ૧૦૮૫૩ની સપાટીએ રહ્યો હતો.હાલમાં પ્રવાહી સ્થિતી રહેલી છે. 

(12:14 pm IST)