Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગોઠણ સુધીના પાણીમાં ડૂબ્યું મુંબઈઃ ફરવા લાગી હોડીઓ

મુંબઈમાં સતત ૪ દિવસથી એકધારો અનરાધાર વરસાદઃ સમગ્ર શહેર થંભી ગયુઃ લોકલ ટ્રેનોને બ્રેકઃ ડબ્બાવાળાઓ રજા ઉપરઃ શાળા-કોલેજો-બજારો બંધઃ લોકોને ઘરની બહાર ન નિકળવા સલાહ : મૌસમનો ૧૦૦ ઈંચ વરસાદ પડે છે, અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક ૫૫ ટકા એટલે કે ૫૫ ઈંચ પડી ગયોઃ ૪ વર્ષમાં જુલાઈમાં સૌથી વધુ નોંધાયોઃ હજુ ભારે વરસાદની આગાહીઃ તંત્ર ઉંધામાથે : સૌરાષ્ટ્ર જનતા-દુરંતોને અધવચ્ચે અટકાવી દેવામાં આવીઃ મુંબઈને ગુજરાત સાથે જોડતો માર્ગ પાણી ભરાવાને કારણે બંધ કરી દેવામાં આવ્યોઃ મુંબઈમાં નેવી, ડીઝાસ્ટર મેનેજમેન્ટના જવાનો ખડેપગે

મુંબઈ, તા. ૧૦ :. મુંબઈમાં છેલ્લા ૪ દિવસથી એકધારો અનરાધાર વરસાદ વરસતા સમગ્ર શહેર ગોઠણ સુધીના પાણીમા ડૂબી ગયુ છે. શહેરમા એકધારા વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. માયાવીનગર મુંબઈ જાણે થંભી ગયુ હોય તેવુ જણાય છે. શહેરમાં રસ્તા ઉપર હોડીઓ ફરવા લાગી છે. લોકલ ટ્રેનોને બ્રેક લાગી ગઈ છે, ડબ્બાવાળાઓએ રજા રાખી છે, શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે અને બજારો પણ બંધ જેવી સ્થિતિમાં છે. લોકોને ઘરની બહાર ન નિકળવા તાકીદ કરવામાં આવી છે. મુંબઈમાં મોસમનો ૧૦૦ ઈંચ જેટલો વરસાદ વરસે છે. તેમાથી અત્યાર સુધીમાં ૫૫ ટકા એટલે કે ૫૫ ઈંચ વરસાદ પડી ગયો છે. જુલાઈમાં જ વરસાદે રેકોર્ડ તોડી નાખ્યો છે અને ૫૫ ઈંચ કુલ પડી ગયો છે. જુલાઈમાં ૪ વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૩ દિવસથી રોજ ૪ ઈંચ વરસાદ પડી રહ્યો છે. શાંતાક્રુઝમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે કોલાબામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લે ૨૦૦૯માં જુલાઈમાં સૌથી વધુ ૨૭૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને તંત્ર ઉંધામાથે આવી ગયુ છે.

હવામાન વિભાગે મુંબઈ તથા આસપાસના વિસ્તારોમાં અતિવૃષ્ટિ થવાની આગાહી કરી છે. શહેર અને ઉપનગરોમાં તેમજ પડોશના થાણે, પાલઘર અને નવી મુંબઈમાં ગઈ કાલ આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો અને આજે પણ એનું જોર યથાવત્ છે.

ભારે વરસાદને કારણે વસઈ અને વિરાર વચ્ચે ટ્રેન સેવા સંપૂર્ણપણે બંધ છે. પાલઘર જિલ્લાના નાલાસોપારા સહિત અમુક સ્ટેશનો પર પાટા પર પાણી ભરાયા હોવાથી બોરીવલીથી વિરાર વચ્ચે અપ-ડાઉન બંને ટ્રેન સેવા બંધ છે. બોરીવલીથી ચર્ચગેટ તરફનો ટ્રેનવ્યવહાર ચાલુ છે, પણ ટ્રેનો ૧૫-૨૦ મોડી દોડે છે. મધ્ય અને હાર્બર લાઈન પરની ટ્રેનસેવા પણ ૨૦ મિનિટ જેટલી મોડી છે.

દહિસર પૂર્વમાં આવેલા એન.જી. પાર્ક વિસ્તારમાં ૩ ઘર જમીનદોસ્ત થયાનો અહેવાલ છે. અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સદ્દભાગ્યે એ ઘરોમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ થઈ નથી.

ભારે વરસાદને કારણે શહેરના ડબ્બાવાળાઓ (ટીફિનવાળાઓ)એ એમની સેવા આપવાનું આજે બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

મધ્ય, પૂર્વ અને દક્ષિણ મુંબઈમાં સખત વરસાદ છે. વરલી, દાદર, પરેલ, લાલબાગ વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે.

જે વિસ્તારોમાં બે દિવસથી પાણી ભરાયા છે ત્યાં હવે પાણી દુર્ગંધ મારવા લાગ્યું છે. મહાનગરપાલિકાના કર્મચારીઓ પમ્પ વડે પાણીનો નિકાલ કરવામાં વ્યસ્ત છે.

નાલાસોપારામાં જયાં જુઓ ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ત્યાં વીજપૂરવઠો પણ ખંડિત થયો છે. વરસાદનું જોર હજી પાંચ દિવસ રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

મુંબઇમાં સોમવારે રાત્રે વરસાદનો કહેર યથાવત જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે મુંબઇના ઘણા વિસ્તારોમાં પાણી-પાણી થઇ ગયું છે. રોડ, ગલી, સોસાયટી બધી જગ્યાઓ પાણીમાં ગરકાવ થઇ ગયેલી જોવા મળી છે. ભારે વરસાદના પગલે મંગળવારે પણ સ્કૂલ બંધ રાખવાના આદેશ અપાયાં છે.

રાતભર ચાલુ રહેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. વડાલા રેલવે સ્ટેશન પર પાણી રેલવે ટ્રેક પર ફરી વળ્યાં છે. જેના કારણે લોકલ ટ્રેનની સ્પીડ પર બ્રેક લાગવાની શકયતાઓ જોવા મળી રહી છે.

તો બીજી તરફ પાલઘર, વસઇના અનેક વિસ્તારમાં ભારે વરસાદ બાદ પાણી ઘરમાં ઘુસી ગયા છે. ૧૫૦થી વધારે ઘરોમાં પાણી ઘુસી જતાં ૪૦૦ લોકો પ્રભાવિત થયા છે. જયારે બીજી તરફ મુંબઇના લોકોને પાણી પુરુ પાડતો તુલસી ડેમ ઓવરફલો થઇ ગયો છે. મુંબઇમાં છેલ્લા ૪૮ કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આમ, ભારે વરસાદના પગલે મુંબઇમાં જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે. શહેરના મુખ્ય માર્ગો, રેલવેના ટ્રેક પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વડાલા, દાદર, સાયન, અંધેરી, શાંતાક્રૂઝમાં પાણી ભરાયા છે. મુંબઇની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાતા ૯૦ ટ્રેન રદ કરવામાં આવી છે. પાલઘરમાં પણ અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. કોલાબામાં ૨૪ કલાકમાં ૭ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મુંબઇને પીવાનું પાણી પુરૂ પાડતું તુલસી જળાશય ઓવરફલો થયો. મુંબઇના કેટલાક વિસ્તારોમાં ૩ દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદના પગલે વસઇ અને વિરાર વચ્ચે રેલ સેવા સ્થગિત કરાઇ.

(3:25 pm IST)