Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

'શું ખબર કાલે આપણે હોય કે ન હોયઃ શ્રીદેવીના અચાનક મૃત્યુથી ડો. હંસરાજ હાથીના જીવનમાં ભારે પલ્ટો આવેલો

મેં બર્થ ડે બડી ગુમાવ્યોઃ સોઢીજીએ 'અકિલા' પાસે હૈયુ ઠાલવ્યું: કેવો યોગાનુયોગ સોઢી-ડો. હંસરાજ હાથી અને નટુકાકાનો જન્મ દિવસ એક જ દિવસે છેઃ એકસકલુઝીવ સ્ટોરી

ઘનશ્યામ નાયક (નટુકાકા): ડો. હંસરાજ હાથી અને સોઢીના જન્મદિવસે જ નટુકાકાનો જન્મ દિવસ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં ડો. હંસરાજ હાથીના પત્નિનો રોલ ભજવતા કોમલનો જન્મ દિવસ ગત શનિવારે જ ઉજવાયેલો

યારો કે યારઃ બર્થ ડે બડીના મૃત્યુ બાદ રોશનસિંઘ સોઢીએ શોક સંદેશા સાથે વોટ્સ એપ ડીપીમાં મુકેલી તસ્વીરની ઝલક

રાજકોટ, તા. ૧૦ :. આવતા માસે જે સિરીયલના યશસ્વી ૧૦ વર્ષ પૂર્ણ થતા હોય અને તેની ઉજવણી માટે પ્રોડયુસર આશિતકુમાર મોદીએ સેટ પર કલાકારો અને પોતાની ટેકનિશ્યન ટીમનું ગેટ ટુ ગેધર રાખેલ તેવા આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે અચાનક સેટ પર ફોન આવ્યો કે 'હાથીભાઈ હવે આપણી વચ્ચે રહ્યા નથી...'  આ સમાચાર સાંભળતા સેટ પર રહેલા તમામ કલાકારો, ટેકનીશ્યનોનું હાસ્ય ગાયબ થઈ ગયું અને માતમ છવાયો હોય તેવુ વાતાવરણ થઈ ગયું. કોણ કોને છાનુ રાખે તેવા હૃદયદ્રાવક દ્રશ્યો કોમેડી સિરીયલના સેટ પર પ્રથમવાર સર્જાયા.

બિહારના નાનકડા ગામના કવિ કુમાર આઝાદ કે જેઓ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં ડો. હંસરાજભાઈ હાથીનું પાત્ર ભજવતા હતા. તેઓ દર્શકો માફક સાથી કલાકારોને પણ ખૂબ હસાવતા હતા. નિર્માતા આશિતભાઈ મોદીએ જણાવ્યુ કે, તેઓ એક દિલદાર નિખાલસ હૃદયના કલાકાર હતા. તેઓ આશિતભાઈને જોઈને 'આશિતભાઈ કી જય હો...' 'આશિતભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ...' જેવા વાકયો બોલી તમામને હાસ્યરસમાં ડુબાડતા. ડો. હંસરાજભાઈ હાથી માફક તેમના જેવા જ દિલદાર અને યારો કે યાર ખૂબ જ નિખાલસ અને જેમને હાથીભાઈ માફક અભિમાન સ્પર્શયુ નથી તેવા સિરીયલમાં રોશનસિંઘ સોઢીનું પાત્ર ભજવતા સોઢીજીએ અકિલા સમક્ષ પોતાનું હૈયુ ઠાલવતા જણાવ્યુ કે, 'હાથભાઈ મારા બર્થ ડે બડી હતા' તેઓ મારા સહકલાકાર અને ખૂબ જ સારા મિત્ર હતા. તેઓના જવાથી ખૂબ જ સારા મિત્ર ગુમાવ્યા. અત્રે યાદ રહે કે રોશનસિંઘ સોઢી, ડો. હંસરાજભાઈ હાથી અને નટુકાકા ત્રણેયનો જન્મ દિવસ એક જ દિવસે છે. નવાઈની વાત એ છે કે, સિરીયલમાં ડો. હંસરાજ હાથીના પત્નિનું પાત્ર ભજવતા કોમલનો જન્મ દિવસ ગયા શનિવારે જ સેટ પર ઉજવાયો હતો.

બિહારના નાનકડા ગામના કવિ કુમાર આઝાદના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. તેઓને નાનપણથી જ એકટીંગનો ખૂબ શોખ હતો. યુવાવસ્થાએ પહોંચતા આ શોક પરાકાષ્ટાએ પહોંચતા ઘર છોડી દીધેલ. શરૂઆતમાં દિલ્હી ગયા બાદ મુંબઈમાં એકટીંગ માટે પહોંચેલ ત્યારે કોઈ આશરો ન હોવાને કારણે ગમે ત્યાં રાત ગુજારતા. આ દરમિયાન ૨૦૦૦ની સાલમાં આમિરખાનની ફિલ્મ મેલામાં નાનકડી ભૂમિકા મળી. ત્યાર બાદ પરેશ રાવલ સાથે ફંટુશમાં નાની ભૂમિકા ભજવેલ. આમ નાના પાત્રોમાં બોલીવુડમાં ભૂમિકા ભજવતા.

દરમિયાન સિરીયલમાં શરૂઆતમાં હંસરાજ હાથીનું પાત્ર નિર્મળ સોની ભજવતા. તેઓએ સિરીયલ છોડયા બાદ આશિતભાઈ ખાસ પ્રકારના પાત્રની શોધખોળ ચલાવતા હતા. દરમિયાન સિરીયલમાં ચાલુ પાન્ડે (ઈન્સ્પેકટર)નું પાત્ર ભજવતા દયાશંકર પાન્ડેને એક સેટ પર હાથીભાઈ પર નજર પડી. તેઓએ આશિતભાઈને વાત કરી. તેમને પ્રોડકશન ઓફિસથી ફોન કરી બોલાવવામાં આવ્યા અને તેમને જોતાવેત આશિતભાઈએ પસંદ કરી લીધા.

કવિ કુમાર આઝાદ (ડો. હંસરાજ હાથી)ના પરિવાર વિશે બેમત પ્રવર્તે છે. ઘણા એવુ માને છે કે, તેઓ મીરા રોડ પર માતા-પિતા સાથે રહેતા તો ઘણા એવુ માને છે કે, તેમને પત્નિ તથા બે બાળકો હતા. બોરીવલીમાં તેમને એક રેસ્ટોરન્ટ પણ હતું. તેઓ ભોજપુરી ફિલ્મ પણ બનાવવા માગતા હતા. જે બાબતે આશિતભાઈ સાથે ચર્ચા થતા તેઓએ ખુશી ખુશી રજા આપી અને સિરીયલના ૧૦ વર્ષ પૂર્ણ થયા બાદ તેઓ ફિલ્મ ભલે બનાવે તેવી શુભેચ્છા આપવા સાથે મદદની પણ ખાત્રી આપી હતી.

મીરા રોડની વોકહાર્ટ હોસ્પીટલમાં સત્તાવાર બુલેટીન મુજબ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલ હંસરાજ હાથીએ ૨૦૧૦માં ભારે વજનને કારણે બેરીયાટીક સર્જરી (ચરબી ઓછી કરવાની) ઓપરેશન કરાવેલ. તેમણે આ વાત મને (જગદીશભાઈ ગણાત્રા) સ્ટર્લીંગના સુપ્રસિદ્ધ બેરીયાટીક સર્જન (અમદાવાદ) ડો. અપૂર્વભાઈ વ્યાસ અને જીતુભાઈને અમદાવાદમાં સ્ટર્લીંગમાં ડો. હંસરાજ હાથીના કાર્યક્રમ વખતે જણાવેલ. તેમની સાથે મને સવારથી સાંજ સુધી રોકાવાનો મોકો મળ્યો ત્યારે મને પ્રથમવાર ફીલ થયુ કે, માણસ પ્રસિદ્ધિની ટોચે પહોંચ્યા પછી નમ્ર રહે તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ ડો. હંસરાજ હાથી જ હોઈ શકે. જાડાપણા સામે જાગૃતિ અર્થે સ્ટર્લીંગ અમદાવાદ દ્વારા મેરેથોન રખાયેલ ત્યારે તેઓનો ખ્યાલ રાખવા અમો ગયેલ પરંતુ તેઓ અમારી કાળજી લેતા હતા.

૫૫ વર્ષની વયમાં જેને કોઈ રોગ ન હતો તેવી બોલીવુડની એક સમયની સુપ્રસિદ્ધ સ્ટાર શ્રીદેવીનું અચાનક અવસાન થવાથી ડો. હંસરાજ હાથી હચમચી ગયેલ. તેઓનો જીવન પ્રત્યેનો આખો અભિગમ બદલી ગયેલો. તેઓએ ટ્વીટ કરી મિત્રો અને શુભેચ્છકોને જણાવેલ કે, 'ફોન ઉપાડો અને તમારા વ્હાલા મિત્રો સાથે આનંદની વાત કરો, તેમને મળો, તેમને ચાહો.. શું ખબર કાલે આપણે હોય કે ન હોય...'

અને છેલ્લે એક રસપ્રદ અને જાણવા જેવી વાત ડો. હંસરાજ હાથી, રોશનસિંઘ સોઢી અને નટુકાકા આ ત્રણેયનો જન્મ દિવસ એક દિવસે અર્થાત ૧૨ મે રોજ થયો હતો. એટલે જ રોશનસિંઘ સોઢીએ તેમના શોક સંદેશામાં તેમનો અને હંસરાજ હાથીનો જન્મ દિવસ એક જ દિવસે હોવાનું જણાવી ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરેલ.(૨-૫)

(11:15 am IST)