Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

GSTમાં સુધારા : કર્મચારીઓને અપાતા ફૂડ, ટ્રાન્સપોર્ટ, વીમા પર કંપનીઓ ક્રેડિટ મેળવી શકશે

નવી દિલ્હી તા. ૧૦ : સરકારે જીએસટી એકટમાં ૪૬ સુધારાની દરખાસ્ત કરી છે, જેને સંસદ અને રાજય વિધાનસભાની મંજૂરી મળી જશે તો કંપનીઓ તેમના કર્મચારીઓને અપાતી ફૂડ, ટ્રાન્સપોર્ટ અને ઈન્સ્યોરન્સ જેવી ફેસિલિટી પર ઈનપુટ ટેકસ ક્રેડિટ (ITC) મેળવી શકશે.

સરકારે ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેકસ(GST) કાયદામાં ૪૬ સુધારા રજૂ કર્યા છે. તેમાં રિવર્સ ચાર્જ મિકેનિઝમ, અલગ-અલગ બિઝનેસ ધરાવતી કંપનીઓ માટે અલગ રજિસ્ટ્રેશન, રજિસ્ટ્રેશન રદ કરવું, નવા રિટર્ન ફાઈલ કરવાના નિયમ અને મલ્ટિપલ ઈન્વોઈસને આવરી લેતી કોન્સોલિડેટેડ ડેબિટ/ક્રેડિટ નોટ્સમાં ફેરફારનો સમાવેશ છે. સરકારે આ મામલે સંબંધિત લોકોના સૂચનો ૧૫ જુલાઈ સુધીમાં મંગાવ્યા છે. મહેસૂલ વિભાગ એક વાર આ સુધારાને મંજૂરી આપી દેશે પછી તેને જીએસટી કાઉન્સિલ સમક્ષ મંજૂરી માટે મોકલાશે. ત્યારબાદ સંસદ અને રાજય વિધાનસભાઓમાં તેને મંજૂર કરાશે.

સરકારે સૂચવેલા સુધારા મુજબ કંપનીઓ તેમના કર્મચારીઓને ફૂડ સપ્લાય, બેવરેજીઝ(ઠંડા પીણા), આરોગ્ય સેવા, જીવન વીમા, ટ્રાવેલ બેનિફિટ, કર્મચારી માટે વાહન ભાડે આપવા કે ભાડે કરવા, વગેરે સેવાઓના બદલામાં ઈનપુટ ટેકસ ક્રેડિટ(ITC) કલેઈમ કરી શકશે.

જોકે સરકારે આ સાથે જ સ્પષ્ટતા કરી છે કે ફૂડ અને બેવરેજીઝ સપ્લાય, આઉટડોર કેટરિંગ, બ્યૂટી ટ્રીટમેન્ટ, કેટલીક આરોગ્ય સેવા, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, વાહનો ભાડે આપવા કે લેવા, જહાજ કે વિમાન ભાડે આપવા-લેવા, જીવન વીમા, આરોગ્ય સેવામાં કેટલાક અપવાદરૂપ કિસ્સામાં આઈટીસી કલેઈમ નહીં કરી શકાય. આ ઉપરાંત કલબની મેમ્બરશિપ, આરોગ્ય અને ફિટનેસ સેન્ટરની મેમ્બરશિપ, વેકેશનમાં ટ્રાવેલ બેનિફિટ કે હોમ ટ્રાવેલ કન્સેશન માટે પણ આઈટીસીનો લાભ નહીં લઈ શકાય. અન્ય એક સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે વાહનોના મામલે ૧૩ પેસેન્જરથી વધુની ક્ષમતાવાળા વાહનો પર જ આઈટીસીનો કલેઈમ કરી શકાશે. મતલબ કે નાની કાર કે નાના વાહનો માટે લાભ નહીં મળે.

જે ઈ-કોમર્સ કંપનીનું ટર્નઓવર ૨૦ લાખ રૂપિયાથી ઓછું હોય તેમણે જીએસટી હેઠળ નોંધણી કરાવવાનું ફરજિયાત નહીં રહે. આ ઉપરાંત તેમને માટે ટીસીએસ(ટેકસ કલેકટેડ એટ સોર્સ) પણ જરૂરી નહીં બને. આ સુધારા અંગે સરકારે કહ્યું છે કે કરદાતા માટે સાનુકૂળ આ પગલું છે. નાની ઈ-કોમર્સ કંપનીઓને તેનો લાભ મળશે.(૨૧.૮)

(9:52 am IST)