Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

તમારા એકેએક રૂપિયાના ખર્ચા પર નજર રાખવાની તૈયારી કરી રહી છે સરકાર

ગેરકાયદે ટ્રાન્જેકશન ટ્રેક કરવા 'ડેટાબેસ' : બ્લેકમની સામેની લડાઇમાં વધુ એક ડગલું: મળી રહેશે તમામ ટ્રાન્જેકશનનો રેકોર્ડઃ શેલ કંપનીઓની ઓળખ કરી કાર્યવાહી કરાશેઃ હાલ ૧૦ લાખથી વધુના કેશ ટ્રાન્જેકશન પર નજર

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ કાળાં નાણાંને ટ્રેક કરવા માટે દેશમાં તમામ પ્રકારના ટ્રાન્જેકશન્સ સંબંધિત ડેટાબેસ બનાવવા અંગે ચર્ચાવિચારણા શરૂ કરી છે. આનાથી મની લોન્ડરિંગ અને બનાવટી કંપનીઓનાં કૌભાંડો રોકવામાં મદદ મળશે.

ટ્રાન્જેકશનના ડેટાબેસ અંગે આરબીઆઈની સાથે સરકારની શરૂઆતની વાતચીત મની લોન્ડરિંગ અને બનાવટી કંપનીઓ પર લગામ કસવાનાં તમામ પગલાં બાદ થઈ છે. નાણાં મંત્રાલય, ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ અને કેટલીક તપાસ એજન્સીઝે મની લોન્ડરિંગ અને શેલ કંપનીઓ સામે તાજેતરમાં જ કાર્યવાહી કરી હતી.

સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર, એક એવા પ્લેટફોર્મને બનાવવાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે, જેમાં દેશભરમાં કરાયેલા તમામ ગેરકાયદે ટ્રાન્જેકશનનો રેકોર્ડ મળી રહે અને તેને જરૂરિયાત મુજબ જોઈ શકાય.

ટ્રાન્જેકશનનો એક જગ્યાએ રેકોર્ડ રાખવાથી શેલ કંપનીઓની ઓળખ કરવા માટેનો અને તેની પર કાર્યવાહીનો રસ્તો સરળ થઈ શકે છે. બનાવટી કંપનીઓનો મની લોન્ડરિંગ માટે જ ઉપયોગ થાય છે, આ પ્રકારની કંપનીઓ સામાન્ય રીતે ઓછી ઇકિવટી બેસ ધરાવતી હોય છે અને તેની આવક પણ ઓછી હોય છે, પણ તે કંપનીઓમાં પૈસાની હેરફેર કરે છે.

હાલ તો ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ શંકાસ્પદ ટ્રાન્જેકશન્સ અને ૧૦ લાખ રૂપિયાથી વધુના કેશ ટ્રાન્જેકશન પર નજર રાખે છે, પણ આ વ્યવસ્થા પોતાના ઉદ્દેશને પૂરો કરવા માટે ખાસ કારગર દેખાતી નથી.

(9:52 am IST)