Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાં રાખવી કે નહિ? : સુપ્રિમમાં સુનાવણી

કોર્ટમાં કલમ ૩૭૭ની કાયદેસરતાને પડકારવામાં આવી છે

નવી દિલ્હી તા. ૧૦ : સમલૈંગિકતા અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવા માટે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ આજે સુનાવણી કરવા જઈ રહી છે. સમલૈંગિકતા ગુનાની શ્રેણીમાં રાખવી કે નહિ, તે બેન્ચ નક્કી કરશે. સુપ્રીમ કોર્ટ આ મામલે રિવ્યુ પિટિશન પહેલેથી જ ફગાવી ચૂકી છે. ત્યાર બાદ કયૂરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે પહેલેથી જ ઉપરની બેન્ચને મોકલવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ કેસ બંધારણીય પીઠને રેફર કર્યો હતો. અરજીમાં સેકશન-૩૭૭ની કાયદાકીય જોગવાઈને પડકારવામાં આવી હતી. સેકશન-૩૭૭ અંતર્ગત કાયદાકીય જોગવાઈ છે કે, બે સગીર પરસ્પર સંમતિથી અપ્રાકૃતિક સંબંધ બાંધે તો તે અપરાધ માનવામાં આવશે અને આવા મામલે ૧૦ વર્ષ સુધીની કેદ કે પછી આજીવન કેદની જોગવાઈ છે. સુપ્રીમ કોર્ટમાં સેકશન-૩૭૭ની કાયદાકીય જોગવાઈને પડકારવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સેકશન-૩૭૭ અંતર્ગત જોગવાઈ છે, તે બંધારણની વિરુદ્ઘ છે.

સુપ્રીમ કોર્ટે ૧૧ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ હોમો સેકસ્યુઆલિટી મામલે આપેલા પોતાના ઐતિહાસિક ચુકાદામાં સમલૈંગિકતા મામલે આજીવન કેદની સજાની જોગવાઈના કાયદાને મંજૂર રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટના એ નિર્ણયને રદ કર્યો હતો, જેમાં બે સગીર દ્વારા પરસ્પર સંમતિથી સમલૈંગિક સંબંધને અપરાધની કેટેગરીમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને તેણે ફગાવી દીધી હતી. ત્યાર બાદ કયુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેની પર સુપ્રીમે ઓપન કોર્ટમાં સુનાવણીનો નિર્ણય લીધો હતો.

વર્તમાન કાયદાનો ઇતિહાસ

૧૨૯૦માં ઇંગ્લેન્ડના ફલેટામાં અપ્રાકૃતિક સંબંધ બાંધવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ત્યાર બાદ પહેલી વાર કાયદો બનાવીને તેને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યો હતો. ૧૮૬૧જ્રાક્નત્ન જ લાઙ્ખર્ડ મેકાલેએ ઇન્ડિયન પીનલ કોડ (આઈપીસી) ડ્રાફટ કર્યો હતો અને તે અંતર્ગત કલમ-૩૭૭ની જોગવાઈ કરી હતી.

શું છે આઈપીસીની કલમ ૩૭૭?

આઈપીસીની કલમ ૩૭૭ અંતર્ગત બે લોકો પરસ્પર સંમતિ કે અસંમતિથી અપ્રાકૃતિક સેકસ કરે તો તે દોષી મનાય છે, તેમને ૧૦ વર્ષથી લઈને આજીવન કેદ થઈ શકે છે.

નાજ ફાઉન્ડેશને આ  કલમને પડકારી

સેકસ વર્કર્સ માટે કામ કરતી એનજીઓ નાજ ફાઉન્ડેશન તરફથી હાઈ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને કલમ-૩૭૭ની બંધારણીય યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, જો બે વયસ્કો પરસ્પર સંમતિથી એકાંતમાં અપ્રાકૃતિક સંબંધ બાંધે તો તેને કલમ-૩૭૭ની જોગવાઈમાંથી બહાર રાખવા જોઈએ.

દિલ્હી હાઈ કોર્ટનો નિર્ણય

૨૦૦૯માં બીજી જુલાઈએ દિલ્હી હાઈ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતાં કહ્યું હતું કે, જો બે વયસ્ક પરસ્પર સંમતિથી સજાતીય સંબંધ બાંધે તો તે આઈપીસીની કલમ-૩૭૭ અંતર્ગત અપરાધની શ્રેણીમાં ન આવે.

સુપ્રીમે પલટ્યો હતો હાઈકોર્ટનો નિર્ણય

૨૦૧૩માં ૧૧મી ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે હોમો સેકસ્યુઆલિટી મામલે આપેલા પોતાના ઐતિહાસિક ચુકાદામાં સમલૈંગિકતાના મામલે આજીવન કેદની જોગવાઈના કાયદાને માન્ય રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટના એ નિર્ણયને રદ કર્યો હતો, જેમાં બે સગીર દ્વારા પરસ્પર સંમતિથી સજાતીય સંબંધ બાંધાવને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સરકાર ઇચ્છે તો કાયદામાં સુધારો કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પણ ફગાવી હતી

સુપ્રીમ કોર્ટે ૨૮ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ હોમો સેકસ્યુઆલિટી મામલે આપેલા નિર્ણયને રિવ્યુ કરવાની અરજી પણ ફગાવી હતી. બાદમાં ૩ એપ્રિલ, ૨૦૧૪ના રોજ હોમો સેકસ્યુઆલિટીને ક્રિમિનલ એકટ જાહેર કરવાના નિર્ણય સામે દાખલ કરાયેલી કયુરેટિવ પિટિશન પર ઓપન કોર્ટમાં સુનાવણીને મંજૂરી અપાઈ હતી. સામાન્ય રીતે કયુરેટિવ પિટિશન પર બંધ રૂમમાં નિર્ણય લેવાય છે. હવે બંધારણીય પીઠ સુનાવણી કરશે. નવી અરજી દાખલ કરી કહેવામાં આવ્યું છે કે, ધારા-૩૭૭ ગેરબંધારણીય છે અને તેને રદ કરવી જોઈએ.

કયારે શું થયું?

૨૦૦૧: સમલૈંગિક લોકો માટે અવાજ ઉઠાવતી સંસ્થા નાજ ફાઉન્ડેશન તરફથી હાઈ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી.

૨ સપ્ટેમ્બર, ૨૦૦૪ : હાઈ કોર્ટે અરજી રદ કરી.

સપ્ટેમ્બર, ૨૦૦૪: અરજદારોએ રિવ્યુ પિટિશન કરી.

૩ નવેમ્બર, ૨૦૦૪: હાઈ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી.

ડિસેમ્બર, ૨૦૦૪: અરજદારે હાઈ કોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો.

૩ એપ્રિલ, ૨૦૦૬: સુપ્રીમે હાઈ કોર્ટને આ કેસ ફરી શરૂ કરવા કહ્યું.

૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૮: કેન્દ્ર સરકારે હાઈ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા સમય માગ્યો.

૭ નવેમ્બર, ૨૦૦૮: હાઈ કોર્ટે નિર્ણય રિઝર્વ રાખ્યો.

૨ જુલાઈ, ૨૦૦૯: હાઈ કોર્ટનો નિર્ણય.

હાઈ કોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર

૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૨: આ મામલે રોજ સુનાવણી.

માર્ચ, ૨૦૧૨: સુપ્રીમ કોર્ટમાં નિર્ણય રિઝર્વ.

૧૧ ડિસેમ્બર, ૨૦૧૩: સુપ્રીમ કોર્ટે અપરાધની શ્રેણીમાં મૂકયો.

૨૦૧૪: સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન ફગાવી દીધી.

(9:50 am IST)