Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સારવાર, લગ્ન, ઘર માટે PFમાંથી કેવી રીતે અને કેટલા પૈસા ઉપાડી શકો?

પીએફની રકમ ઉપાડવાના નિયમોમાં ફેરફાર

નવી દિલ્હી તા. ૧૦ : ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પેન્શનની સુવિધા આપતી એમ્પલોઇ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ જમા રકમના ઉપાડના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે, જે કર્મચારીઓના હિતમાં હોવાનું મનાય છે. બદલાયેલા નિયમો મુજબ, કોઈ વ્યકિત નોકરી જવાના કે તે છોડવાના એક મહિના કે તેનાથી વધુ સમય બાદ પોતાના કુલ જમા પીએફનો ૭૫ ટકા ભાગ ઉપાડી શકે છે અને બાકીનો ૨૫ ટકા ભાગ બેરોજગાર થવાના બે મહિના બાદ ઉપાડી શકાય છે.

ઈપીએફઓ આંશિક રીતે ઈપીએફ ઉપાડની સુવિધા લઈને આવી છે. ઈપીએફઓ આ સુવિધા પોતાના કે સંતાનનાં લગ્ન વખતે, ઘર ખરીદતી વખતે અને સંતાનોના અભ્યાસ વગેરે જેવા ખર્ચ માટે આપી રહી છે. આ સિવાય પણ ઘણાં કારણોથી આંશિક ઇપીએફ ઉપાડી શખાય છે.

કોઈ પણ કર્મચારી પોતાની કે પરિવારમાં કોઈની સારવાર માટે છ મહિનાની બેસિક સેલેરી (મૂળ પગાર) અને ડીએ ઉપાડી શકે છે અથવા તો જેટલું પણ તેનું યોગદાન હોય, તેને ઉપાડી શકે છે. આ માટે તેણે માત્ર કંપની અને ડોકટરની સહી ધરાવતું એક સર્ટિફિકેટ જમા કરાવવાનું રહે છે.

તમે તમારા કે પરિવારમાં પુત્ર, પુત્રી, બહેન કે કોઈના લગ્ન માટે ઈપીએફમાંથી વ્યાજની સાથે પોતાના ફંડનો ૫૦ ટકા હિસ્સો ઉપાડી શકો છો, પરંતુ શરત માત્ર એટલી છે કે, તમે ઓછામાં ઓછાં સાત વર્ષથી ઈપીએફઓના સભ્ય હોવા જોઈએ. આ ઉદ્દેશથી પૈસા ઉપાડવા માટે તમારે ફોર્મ ૩૧ ભરવું પડશે.

સંતાનોના અભ્યાસ માટે ઈપીએફમાંથી વ્યાજની સાથે પોતાના ફંડનો ૫૦ ટકા હિસ્સો ઉપાડી શકો છો. તે માટે ઈપીએફઓની ઓછામાં ઓછી સાત વર્ષો મેમ્બરશિપ જરૂરી છે. આ સ્થિતિમાં તમારે સંસ્થાના પ્રમુખ દ્વારા જાહેર કરાયેલું અભ્યાસના ખર્ચ સંબંધિત પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે.

તે માટે ઈપીએફઓનું સભ્યપદ ઓછામાં ઓછું પાંચ વર્ષનું હોવું જોઈએ. જમીન ખરીદવા માટે તમે ડીએ અને ૨૪ મહિનાની બેસિક સેલેરી ઉપાડી શકો છો. ઘર કે ફલેટ ખરીદવા કે બનાવવા માટે ડીએ અને ૩૬ મહિનાની બેસિક સેલેરી કે વ્યાજની સાથે કંપની અને તેના દ્વારા જમા કરવામાં આવેલી રકમ ઉપાડી શકો છો. ધ્યાન રાખવું કે આ સુવિધાનો લાભ કર્મચારી નોકરીના પોતાના સમગ્ર કાર્યકાળમાં માત્ર એક વાર લઈ શકે છે.(૨૧.૫)

(9:47 am IST)