Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રાહત મેળવનાર દિલ્હીની ખાનગી હોસ્પીટલો ગરીબોની વિનામૂલ્યે સારવાર કરેઃ સુપ્રીમ કોર્ટ

જો ગરીબોની વિનામૂલ્યે સારવાર નહીં કરાય તો લાયસન્સ રદ્દ થશે

નવી દિલ્હી, તા. ૧૦ :. સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી રાહત મેળવનારી દિલ્હીની તમામ ખાનગી હોસ્પીટલોને કહ્યુ છે કે તેઓ ગરીબોને વિનામૂલ્યે સારવાર આપવાનું વચન પુરૂ કરે અથવા તો લાયસન્સ કેન્સલ કરવાની તૈયારી રાખે. આ પહેલા એનજીઓ સોશ્યલ જ્યુરીસ્ટની જનહીત અરજી પર દિલ્હી હાઈકોર્ટે પણ હોસ્પીટલો વિરૂદ્ધ ફેંસલો આપ્યો હતો. લીઝ એગ્રીમેન્ટ મુજબ આવી હોસ્પીટલોએ ગરીબ વર્ગના દર્દીઓને વિનામૂલ્યે ઈલાજ કરવાનો હતો. ઓપીડી પેશન્ટના મામલામાં ૨૫ ટકા અને એડમીટ પેશન્ટ માટે તેની સીમા ૧૦ ટકા નક્કી કરવામાં આવી હતી. જો કે મુલચંદ, સેન્ટ સ્ટીફન અને સીતારામ જેવી હોસ્પીટલોએ હાઈકોર્ટના ફેંસલા વિરૂદ્ધ સુપ્રીમમાં અપીલ કરી હતી.

દેશની સર્વોચ્ચ અદાલતે ગઈકાલે હાઈકોર્ટના ફેંસલાના યથાવત રાખ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે, જે હોસ્પીટલ પોતાનું વચન પુરૂ નહી કરે તેમણે લાયસન્સથી હાથ ધોવા પડશે. આવી હોસ્પીટલોને એ શરતે સસ્તી જમીન આપવામાં આવી હતી કે તેઓ ગરીબોનો વિનામૂલ્યે ઈલાજ કરશે. મોટાભાગની હોસ્પીટલોનું કહેવુ છે કે સારવાર મોંઘી થઈ છે એટલે વિનામૂલ્યે આપી નહીં શકાય.

(9:45 am IST)