Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગોદરેજ ગ્રુપ પોતાની જમીન આપવા માટે તૈયાર નહીં થાય તો બુલેટ ટ્રેનનો ટ્રેક બદલવો પડશે અથવા તો મહારાષ્‍ટ્ર જમીન સંપાદન એક્ટ-૨૦૧૩ મુજબ સરકાર દ્વારા બળજબરીથી જમીન લઇ લેવાશે

મુંબઇઃ જો ગોદરેજ ગ્રુપ મુંબઇમાં આવેલી પોતાની જમીન આપવા માટે તૈયાર નહીં થાય તો બુલેટ ટ્રેનનો ટ્રેક બદલવો પડશે અથવા તો મહારાષ્ટ્ર જમીન સંપાદન એક્ટ 2013 મુજબ સરકાર દ્વારા બળજબરીથી જમીન લઈ લેવાશે. મુંબઈ-અમદાવાદ વચ્ચેના કુલ 508 કિમીના ટ્રેકમાંથી 21 કિલોમીટરનો ટ્રેક મુંબઈમાં છે. જે ટ્રેક પરથી બુલેટ ટ્રેન ટનલમાં પ્રવેશ કરશે તે જમીન ગોદરેજ ગ્રુપની છે. આ જમીનનો ઉપયોગ વેન્ટિલેશન ડક્ટ માટે થશે.

રિપોર્ટ પ્રમાણે, ગોદરેજ ગ્રુપ ઈચ્છે છે કે, પ્રોજેક્ટ અલાઈનમેન્ટ બદલવામાં આવે. જેથી ગોદરેજ કંસ્ટ્રક્શનની 3.5 હેક્ટર જમીન પ્રોજેક્ટ રૂટ મેપમાંથી બહાર રહે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઓગસ્ટ 2022 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ખેડૂતો અને આદિવાસીઓએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે ગોદરેજ આ પ્રોજેક્ટ સામે આવેલો નવો પડકાર છે. ભારતીય રેલવે 10,000 કરોડના ખર્ચે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આશરે 1400 હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેશે.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ ગુજરાતના નવસારી જિલ્લામાં પ્રોજેક્ટનો પ્રથમ બ્રીજ બનાવવા માટે ટેંડર બહાર પાડ્યા છે. ત્યારે હવે જમીન સંપાદન મામલે બંને રાજ્યોમાં સર્જાયેલી મડાગાંઠ ક્રમશઃ ઉકેલાય તેવી આશા છે. ઈંડિયાની પહેલી હાઈ-સ્પીડ ટ્રેનના પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય જાન્યુઆરી 2019માં શરૂ થશે અને જમીન સંપાદનનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે. 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ત્યાં સુધીમાં પૂરો થાય તેવું લક્ષ્ય છે.

થોડા દિવસ પહેલા જ મેટ્રો મેનઈ શ્રીધરને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સખત ટીકા કરી હતી. રિટાયર્ડ ઈંડિયન એન્જિનિયરિંગ સર્વિસ (IES) ઓફિસર, શ્રીધરને 1995થી 2012 સુધી દિલ્હી મેટ્રોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી છે. શ્રીધરને કહ્યું હતું કે, “બુલેટ ટ્રેન માત્ર શ્રીમંત વર્ગ માટેનું જ સાધન બનીને રહેશે. મોંઘી હોવાને કારણે સામાન્ય લોકો તેનો ઉપયોગ નહીં કરે. ભારતને મોર્ડન, સ્વસ્છ, સુરક્ષિત અને ફાસ્ટ રેલવે સિસ્ટમની જરૂર છે.

(9:01 am IST)