Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

તીવ્ર લેવાલી વચ્ચે સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ સુધરીને આખરે બંધ થયો

ટીસીએસ, ઇન્ફોસીસ, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી રહી : નિફ્ટી બાવન પોઇન્ટ ઉછળીને ૧૧૯૨૩ની સપાટીએ : ટેરિફ વોરને ટાળવા અમેરિકા અને મેક્સિકો વચ્ચે સમજૂતિ થતાં ઘટનાક્રમની બજાર ઉપર અસર

મુંબઈ, તા. ૧૦ : વૈશ્વિક ઘટનાક્રમના દોર વચ્ચે આજે શેરબજારમાં તેજી જામી હતી. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં તેજી માટે અનેક કારણો જવાબદાર રહ્યા છે. ટેરિફ વોરને ટાળવા માટે અમેરિકા અને મેક્સિકો વચ્ચે થયેલી સમજુતીની હકારાત્મક અસર વૈશ્વિક બજારોમાં જોવા મળી હતી. જેની અસર ભારતીય બજારમાં પણ દેખાઇ હતી. અમેરિકામાં નબળા જોબ ડેટા પણ જારી કરવામાં આવ્યા છે જેની અસર દેખાઇ રહી છે. આશાસ્પદ માહોલમાં આજે સેંસેક્સ ૧૬૯ પોઇન્ટ ઉછળીને ૩૯૭૮૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ટીસીએસ, ઇન્ફોસીસ, ભારતી એરટેલ, એક્સીસ બેંક અને આઇટીસીના શેરમાં તેજી રહી હતી. બીએસઇંમાં ૩૦ શેર પૈકી ૨૦ શેર તેજીમાં રાખ્યા હતા. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ બાવન પોઇન્ટ ઉછળીને ૧૧૯૨૩ની ઉંચી સપાટી પર રહ્યો હતો. જો કે માર્કેટ બ્રિડથ નકારાત્મક રહી હતી. કારોબાર દરમિયાન ૧૦૮૩ શેરમાં મંદી રહી હતી. ૭૦૧ શેરમાં તેજી રહી હતી. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં મિશ્ર સ્થિતી રહી હતી. નિફ્ટી આઇટી અને નિફ્ટી એમએમસીજીમાં તેજી રહી હતી. બંનેમાં એક એક ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી મિડિયા અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ફરી ઘટાડો થયો છે. બંનેમાં ૧.૫ ટકા સુધીનો ઘટાડો થયો છે. બ્રોડર માર્કેટમાં બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૧૭ પોઇન્ટનો ઉછાળો રહેતા ૧૪૯૨૩ની સપાટી પર રહ્યો હતો. જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૭૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૫૮૫ રહી હતી. એપ્રિલ મહિના માટેના ઇન્ડસ્ટ્રીય પ્રોડક્શન ડેટા બુધવારના દિવસે જારી કરાશે. આ ઉપરાંત ભારતના રિટેલ અને હોલસેલ ફુગાવાના આંકડા પણ બુધવાર અને શુક્રવારના દિવસે ક્રમશઃરીતે જારી કરવામાં આવનાર છે. જેની અસર પણ બજાર પર સીધીરીતે જોવા મળશે. રિટેલ ફુગાવાના આંકડા મે મહિના માટેના બુધવારના દિવસે જારી કરાશે જ્યારે હોલસેલ ફુગાવા માટેના આંકડા શુક્રવારના દિવસે જારી કરાશે. આરબીઆઈએ તેની છેલ્લી પોલિસી બેઠકમાં રિટેલ ફુગાવાની આગાહી વધારીને ૩-૩.૧ ટકા કરી દીધી હતી. નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ફુગાવાનો આંકડો વધારી દેવામાં આવ્યો હતો.  આરબીઆઈના અંદાજને ધ્યાનમાં લેવામાં આવે તો જો આગામી ફુગાવાના ડેટા સારા રહેશે અને વધુ એક વખત વ્યાજદરમાં ઘટાડો થવા માટે ચિત્ર રજૂ થઇ શકે છે. આવી જ રીતે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા બુધવારના દિવસે જારી કરાશે. માર્ચ મહિના માટેના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૦.૧ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલમાંમંદીના લીધે અસર થઇ હતી. આજે કારોબાર દરમિયાન જમ્મુ કાશ્મીર બેંકના શેરમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. જેટ એરવેઝના શેરમાં આઠ ટકાનો ઘટાડો થયો હતો. અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપના શેરમાં ભારે દબાણની સ્થિતી રહી હતી.  કંપનીનો નુકસાનનો આંકડો ૩૫૫૯ કરોડ સુધી પહોંચી ગયો છે.

(7:46 pm IST)