Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

લોકોએ 'ચોર હૈ-ચોર હૈ' કહીને વિજય માલ્યાનો હૂરિયો બોલાવ્યો

ભારત વિ. ઓસ્ટ્રેલિયા મેચઃ વિજય માલ્યા લંડન ખાતે વર્લ્ડ કપમાં રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મુકાબલો જોવા ઓવલ સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો

લંડન, તા.૧૦: ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા રવિવારે લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલો વર્લ્ડ કપનો મુકાબલો જોવા પહોંચ્યા હતા. જોકે, ત્યાં તેમને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. વિજય માલ્યા મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે લોકોએ 'ચોર-ચોર' કહીને તેમનો હૂરિયો બોલાવ્યો હતો.

બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના બોસ વિજય માલ્યા ભારતની બેન્કોનું ૯,૦૦૦ કરોડનું ફુલેકુ ફેરવીને લંડન ભાગી ગયા છે. લંડન કોર્ટમાં પણ તેમની સામે કેસ ચાલી રહ્યો છે. લોકોએ ચોર હૈ-ચોર હૈની બૂમો પાડી તે અંગે એક પત્રકારે પૂછેલા પ્રશ્નના જવાબમાં માલ્યાએ કહ્યું હતું કે મને ખાતરી છે કે મારી માતા આ ઘટનાથી દુઃખી નહીં થઈ હોય.સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં માલ્યા સ્ટેડિયમમાંથી બહાર નીકળે છે ત્યારે તેમની આસપાસ એક નાનકડુ ટોળુ જોવા મળે છે. ટોળુ માલ્યાનો ચોર-ચોર કહીને હૂરિયો બોલાવે છે. ટોળામાંથી એક જણાએ બૂમ પાડીને કહ્યું હતું કે ખરા વ્યકિત બનો અને તમારા દેશની માફી માંગો. માલ્યાએ જણાવ્યું હતું કે તેઓ અહીં મેચ જોવા માટે આવ્યા છે.

(3:58 pm IST)