Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

મુંબઈમાં ચોમાસાનું આગમનઃ વરસાદઃ ગુરૂવારથી ગુજરાતમાં દે ધનાધન

ગઈકાલે મોડી રાત્રે નૈઋત્ય ચોમાસુ મુંબઈ પહોંચ્યું: શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળીઃ કાલથી વરસાદ જોર પકડશે : વાવાઝોડુ 'વાયુ' ગુરૂવારે ગુજરાતમાં ભારે વરસાદ લાવશેઃ કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેરઃ ભારે પવન ફુંકાશેઃ માછીમારોને દરીયામાં ન જવા તાકીદ

મુંબઈ, તા. ૧૦ :. મુંબઈમાં ચોમાસાનું દબદબાભેર આગમન થયુ છે. શનિવારે કેરળ પહોંચ્યા બાદ ચોમાસુ ગઈકાલે રાત્રે મુંબઈ પહોંચ્યુ હતુ અને રાત્રે જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા ભીષણ ગરમીથી લોકોને રાહત મળી હતી. દરમિયાન કેરળમાં એકધારો વરસાદ પડી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સીસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ ગઈ છે અને વાવાઝોડુ 'વાયુ' ગુરૂવારે ગુજરાતને ધમરોળે તેવી શકયતા છે. ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને તંત્ર સાબદુ કરવામાં આવ્યુ છે.

મુંબઈમાં ગઈકાલે રાત્રે વરસાદ પડયો હતો. શહેરના પરેલ, દાદર, વડાલા, ગોવંડી, ચેમ્બુર, કુર્લા, સાઈન, અંધેરી અને નવી મુંબઈમાં વરસાદ પડયો હતો. કેરળમાં ભારે વરસાદ પડયા બાદ કોંકણમાં પણ ભારે વરસાદ પડયો છે. આ સિવાય પશ્ચિમી તટ પાસે વાવાઝોડુ આકાર લેતા રત્નાગીરી, સિંધુ દુર્ગ અને રાયગઢમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાના કહેવા મુજબ મુંબઈમાં આવતીકાલથી દે ધનાધન વરસાદ પડવાનો છે. છેલ્લા ૨૪ કલાકમાં શાંતાક્રુઝમાં ૩ મી.મી. અને કોલાબામાં ૧ મી.મી. વરસાદ વરસ્યો છે.

અરબી સમુદ્રમાં આકાર પામેલા 'વાયુ' વાવાઝોડાની અસર સ્વરૂપ આવતા કેટલાક દિવસમાં મુંબઈ અને પરાવિસ્તારમાં વરસાદ પડશે. ૧૫મીથી વરસાદનંુ જોર વધશે.

હાલ વાવાઝોડુ કર્ણાટકના કાંઠાના મેંગ્લુરૂથી ૪૦૦ કિ.મી. દૂર કેન્દ્રીત છે જે ડિપ્રેશનમાં ફેરવાય ગયુ છે અને આજે સાંજથી આવતીકાલ સવાર સુધીમાં વધુ ઉગ્ર બનશે અને તે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાતના કાંઠે ભારે વરસાદ લાવશે. ગુજરાતમાં ગુરૂવાર બપોર સુધીમાં ભારે વરસાદ પડવાની શકયતા છે. ૪૫થી ૫૫ કિ.મી.ની ઝડપ પવન ફુંકાય તેવી શકયતા છે. માછીમારોને દરીયામા ન જવાની વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતમાં પોરબંદર, જામનગર, વેરાવળ, દ્વારકા, સુરત, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શકયતા છે.

(3:28 pm IST)