Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

નવા સાંસદોને જલસાઃ દિલ્હીમાં રહેવા મળશે સાત રૂમનું ઘર

દરેક ઘરમાં વાહન પાર્ક કરવાની પણ સુવિધા છે

મુંબઇ તા. ૧૦ : નવા ચૂંટાયેલા સાંસદોને હવે દિલ્હીમાં ઘર માટે લાંબો સમય રાહ નહી જોવી પડે. પહેલી વખત ચૂંટાયેલા સાંસદો માટે દિલ્હીના પોશ વિસ્તાર ગણાતા લુટિયન્સ ઝોનમાં નવાં ઘરો બનાવવામાં આવ્યા છે. આવાસ મંત્રાલયે પહેલા તબકકામાં નોર્થ અવેન્યુમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનાં ૩૬ ડુપ્લેકસ સરકારને સોંપી દીધાં છે. આ ડુપ્લેકસમાં સાત રૂમ હશે અને સંસદસભ્યને કાર્યાલયના સંચાલન માટે પણ જગ્યા ફાળવાશે. આ ઘરોમાં ઉર્જાની જરૂરીયાત સોલર એનર્જીથી પૂરી થશે.

દરેક ઘરમાં વાહન પાર્ક કરવાની પણ સુવિધા છે. આમ તો શહેરી આવાસ મંત્રાલય સાંસદો માટે ર૦૦ ડુપ્લેકસ બનાવવાના છે. પહેલા તબકકામાં જેના ભાગરૂપે ૩૬ ડુપ્લેકસ બનાવાયા છે. આ વખતે નવા સાંસદોને ૩૬ ડુપ્લેકસની ફાળવણી કરાશે.

નવા ચૂંટાયેલા સાંસદો માટે હાલમાં નોર્થ અને સાઉથ અવેન્યુમાં પાંચ રૂમવાળા ફલેટ છે. જયાં જગ્યાની અછત અને પાર્કિંગની સમસ્યાના કારણે ર૦૧૪ માં મોદી સરકારે સાંસદો માટે નવા રહેઠાણ બનાવવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી હતી.

(11:50 am IST)