Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પ્રશાંત કિશોર જે યુનિવર્સિટીમાં ભણ્યા છે તેના કુલપતિ છે ભાજપ અધ્યક્ષ શાહઃ વિજયવર્ગીય

ભોપાલ, તા.૧૦: પશ્યિમ બંગાળમાં વર્ષ ૨૦૨૧માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે  મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ચૂંટણી વ્યૂહ રચનારા પ્રશાંત કિશોરની સેવાઓ લીધી છે. ભાજપના મહામંત્રી અને પશ્યિમ બંગાળના પ્રભારી તે મુદ્દે કટાક્ષ કરતાં કહ્યું છે કે,'મમતા બેનરજીનું જહાજ ડુબવાનું છે અને તેને કોઇ બચાવી શકે તેમ નથી. પોતાના ડૂબતા જહાજને બચાવવા માટે તેમણે ભલે ચૂંટણી વ્યૂહ રચનારા પ્રશાંત કિશોર સાથે વાત કરી હોય, પરંતુ પ્રશાંત પણ આ ડૂબતા જહાજને બચાવી શકશે નહીં.' વિજયવર્ગીયએ વધુમાં જણાવ્યું હતું કે, 'પ્રશાંત કિશોર જે યૂનિવર્સિટીમાં ભણ્યા છે તેના કુલપતિ છે ભાજપ અધ્યક્ષ અમિત શાહ.'

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર અલ્પાયુ રહેશે તેમ કહેતાં ભાજપના મહામંત્રીએ કહ્યું હતું કે, 'મધ્ય પ્રદેશમાં બધા નાણા અને સત્ત્।ા મેળવવા પાછળ લાગી ગયા છે. મધ્ય પ્રદેશમાં બધા જ જાણે છે કે આ સરકાર લાંબી ટકવાની નથી. હાલમાં તો હું મીશન બંગાળ પાછળ લાગેલો છું, પરંતુ તેનો અર્થ એ નહીં કે મારૃં ધ્યાન મધ્યપ્રદેશ તરફ નથી. મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતાઓએ પોતાના ધબકારા વધારવાની જરૂર નથી.'

બંગાળના મુખ્યપ્રધાને તાજેતરમાં જ ચૂંટણી વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. ત્યારથી અટકળો તેજ બની છે કે  વર્ષ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોર મમતા બેનરજી માટે કામ કરી શકે છે. આ સંદર્ભમાં જ વિજયવર્ગીયએ કટાક્ષ કર્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી રાજયની મમતા સરકાર અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે તલવારો તણાઇ રહી છે. ટીએમસી અને ભાજપના કાર્યકરો બાખડી રહ્યાં છે. આ પહેલા પણ ટીએમસી કાર્યકરની હત્યાના મુદ્દે બહુ મોટો વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે પશ્યિમ બંગાળ માટે વધારેમાં વધારે બેઠકો જીતવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

(11:49 am IST)