Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વધુ ૭પ જિલ્લા હોસ્પીટલો બનશે મેડિકલ કોલેજ

દેશમાં ડોકટરોની અછત દૂર કરવા તથા લોકોને સારૂ સ્વાસ્થ્ય આપવા સરકાર પ્રયત્નશીલઃ પ૮ હોસ્પીટલોના પ્રથમ ચરણને સરકારે મંજૂરી આપી

નવી દિલ્હી તા. ૧૦ :.. આરોગ્ય ક્ષેત્રમાં માનવ સંસાધનની ઉપલબ્ધતા વધારવા અંગેની એક યોજનાના ત્રીજા તબકકામાં આરોગ્ય મંત્રાલયે ૭પ જીલ્લા હોસ્પીટલોને મેડીકલ કોલેજોમં ફેરવવાનો પ્રસ્તાવ મુકયો છે. આ પ્રસ્તાવ કેન્દ્ર દ્વારા પ્રાયોજીત એક યોજનાનો ભાગ છે. જેના હેઠળ જીલ્લા હોસ્પીટલો અથવા રેફરલ હોસ્પીટલોને અપડેટ કરીને નવી મેડીકલ કોલેજોની સ્થાપના કરવાની છે. આ યોજનામાં દેશના કેટલાક પછાત જીલ્લાને પ્રાથમિકતા આપવામાં આવશે.

પહેલા તબક્કામાં કેન્દ્ર સરકારે પ૮ જીલ્લા હોસ્પીટલોને મેડીકલ કોલેજમાં ફેરવવાની મંજૂરી આપી હતી. બીજા તબક્કામાં આવી જ મંજૂરી ર૪ હોસ્પીટલોને અપાઇ હતી. આમાંથી ૩૯ હોસ્પીટલોમાં કામ શરૂ થઇ ચૂકયું છે. બાકીની હોસ્પીટલોમાં નિર્માણ કાર્ય ચાલુ છે.

આ અંગે એક ઉચ્ચ પદસ્થ સુત્રએ જણાવ્યું કે, યોજનાના ત્રીજા તબક્કામાં દેશના વિભીન્ન રાજયોમાં આવેલ વધુ ૭પ જીલ્લા હોસ્પીટલોને મેડીકલ કોલેજોમાં ફેરવવાના પ્રસ્તાવને મંજૂરી માટે ઇએફસી પાસે મોકલાયો છે. ઇએફસીની મંજૂરી મળ્યા પછી તેને કેબીનેટ પાસે મોકલવામાં આવશે. આ માટે કેબીનેટની એક નોટ પહેલાથી જ તૈયાર કરી દેવાઇ છે. સરકારમાંથી મંજૂરી મળ્યા પછી આ દિશામાં કામ શરૂ કરી દેવામાં આવશે.

૭પ જીલ્લા હોસ્પીટલોને અપગ્રેડ કરીને મેડીકલ કોલેજોમાં ફેરવવા પાછળ લગભગ ૩રપ કરોડનો ખર્ચ થશે. આયોજનાની અમલવારીથી દેશમાં ૧૦,૦૦૦ થી વધારે એમબીબીએસની તથા આઠ હજાર પોસ્ટ ગ્રેજયુએટની બેઠકો વધી જશે.

જીલ્લા હોસ્પીટલોના અપગ્રેડેશનથી દેશમાં ખાલી ડોકટરોની અછત જ દુર નહીં થાય પણપ દુર સુદુરના સામાન્ય માણસને મેડીકલ સેવા પણ પહોંચાડી શકાશે. જો આ પ્રસ્તાવને અમલમાં મુકાશે તો તેનાથી ભાજપાનું વધુ એક ચૂંટણી વચન પુરૂ થશે જે તેણે હાલની  લોકસભા ચૂંટણીમાં આપ્યું હતું.

(11:48 am IST)