Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કઠુઆ કાંડ : આઠ વર્ષની માસૂમની સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, આજે ચુકાદો

ત્રીજી જૂનના રોજ કેસની સુનાવણી પૂરી થઈ હતી, કોર્ટે ચુકાદો આપવા માટે આજની તારીક નક્કી કરી છે

શ્રીનગર, તા.૧૦: ખીણના કઠુઆમાં આઠ વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત બાદ તેની હત્યા કરી નાખવાના મામલે પઠાનકોટની ખાસ અદાલત આજે પોતાનો નિર્ણય સંભળાવશે. આ કેસની સુનાવણી ત્રીજી જૂનના રોજ પૂરી થઈ ગઈ હતી. સુનાવણી પૂર્ણ થતા જ કોર્ટે આ મામલે ચુકાદો ૧૦મી તારીખે આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

આ કેસમાં પઠાનકોટ વિશેષ કોર્ટમાં જૂન ૨૦૧૮થી સુનાવણી શરૂ થઈ હતી. ઘાટીમાં મામલાએ વધારે ગરમી પકડી લેતા સુપ્રીમ કોર્ટે આ કેસને જમ્મુ-કાશ્મીર બહાર ચલાવવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં આ કેસ પઠાનકોટ કોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો.

પઠાનકોટ કોર્ટમાં આઠ આરોપીઓમાંથી સાત સામે હત્યા અને દુષ્કર્મનો આરોપ છે. જયારે આ કેસમાં સગીર આરોપી સામે કેસ શરૂ નથી થયો. હાલ તેની ઉંમરની અરજી પર જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટ નિર્ણય સંભળાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાતેય આરોપીઓને દોષિત જાહેર થશે તો તેમને ઓછામાં ઓછી ઉંમર કેદ અને વધુમાં વધુ ફાંસીની સજા આપવામાં આવી શકે છે.

કઠુઆમાં ધુમંતૂ લઘુમતિ સમાજની આઠ વર્ષની માસૂમ ઘોડા ચરાવવા માટે જંગલમાં ગઈ હતી. અહીંથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. બાળકીને એક મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. આ બાળકી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આ મામલે મંદિરના પૂજારી તેમજ બે પોલીસકર્મી સહિત આઠ લોકોની ગુનામાં સંડોવણીના આરોપમાં ધરપકડ કરી હતી. આ મામલાના ઘેરા પ્રત્યાદ્યાતો આખા દેશમાં પડ્યા હતા. અનેક શહેરોમાં લોકો બાળકીને ન્યાય અપાવવા માટે રસ્તા પર ઉતર્યાં હતા.

(11:46 am IST)