Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વડાપ્રધાન મોદીના વિમાનને હવાઈક્ષેત્રમાંથી પસાર થવા દેવા પાકને ભારતની વિનંતી

નવી દિલ્હી, તા.૧૦: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ તથા ૧૪ જૂને કિર્ગીઝસ્તાનમાં યોજાનારી શાંદ્યાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની શિખર પરિષદમાં હાજરી આપવા જાય ત્યારે બિશ્કેક સુધી પહોંચવા વચ્ચે માર્ગમાં આવતા એના હવાઈક્ષેત્રમાંથી મોદીના વિમાનને પસાર થવા દેવાની છૂટ આપવાની ભારતે પાકિસ્તાનને વિનંતી કરી છે.

તાજેતરમાં ભારતીય હવાઈદળે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશે મોહંમદના આતંકવાદી મથકો પર એર સ્ટ્રાઇક કરી એને પગલે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાને પોતાના હવાઈક્ષેત્રને બંધ કરી દીધું હતું. ત્યાર પછી પાકિસ્તાને અગિયારમાંથી માત્ર બે રૂટ પાછા ખોલ્યા છે અને એ બન્ને હવાઈમાર્ગો દક્ષિણ પાકિસ્તાનમાં છે.

૨૧મી મેએ પાકિસ્તાને ભારતના એ સમયનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના વિમાનને એના હવાઈક્ષેત્રમાંથી પસાર થવા દેવાની છૂટ આપવા એ માર્ગ ખાસ પરમિશનથી ખોલી આપ્યો હતો. સ્વરાજ ત્યારે કિર્ગીઝસ્તાનમાં બિશ્કેક ખાતેની એસસીઓની બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં.

પાકિસ્તાને પોતાના હવાઈક્ષેત્રો બંધ કરી દેતાં ભારતની એરલાઇનો ખાસ કરીને એર ઇન્ડિયા અને ઇન્ડિગોને વિપરીત અસર થઈ છે.

(10:05 am IST)