Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

૩ લાખ થઈ શકે છે આયકર છૂટ

નાણામંત્રી નિર્મલા સીતારામન આમ આદમીને આપશે રાહતઃ હાલની અઢી લાખની લીમીટ વધશેઃ વચગાળાના બજેટમાં રિબેટનો દાયરો વધારી ૫ લાખ થયો હતો જે ૩.૫૦ લાખ હતોઃ ૫ ટકા ટેક્ષ દાયરાને પણ ૫ લાખથી ૭.૫૦ કરાશે જેથી ટેક્ષનો બોજો ૨૦ ટકાથી ઘટી ૫ ટકા થઈ જશેઃ હાઉસીંગ લોન વ્યાજમાં છૂટની સીમા ૨ લાખથી વધારી ૩ લાખ કરાશેઃ બેન્કીંગ ક્ષેત્રે સુધારા ને રોડમેપ થશે

નવી દિલ્હી, તા. ૧૦ :. પોતાનુ પ્રથમ બજેટ રજુ કરવા જઈ રહેલા નાણામંત્રી નિર્મલા સીતારામન આમ આદમીને મોટી રાહત આપી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે બજેટમાં આયકર છૂટની સીમા ૩ લાખ થઈ શકે છે કે જે હાલ અઢી લાખ છે.

મોદી સરકારના પ્રથમ બજેટથી આમ આદમીને ઘણી આશાએ છે. વચગાળાના બજેટમાં સરકારે રિબેટનો દાયરો વધારી ૫ લાખ કર્યો હતો જે પહેલા ૩.૫૦ લાખ હતો. આનાથી ૫ લાખ રૂપિયા સુધીની આવકવાળાોને ફાયદો થયો હતો. હવે આયકર છૂટ વર્તમાન ૨.૫૦ લાખથી વધારી ૩ લાખ કરાય તેવી શકયતા છે. ૫ ટકા ટેકસ દરના દાયરાને પણ ૫ લાખથી ૭.૫૦ લાખ કરાય તેવી વકી છે. આ પગલાથી આયકર દાતાઓના એક મોટા વર્ગને ફાયદો થશે અને તેમના પર ટેક્ષ દરનો બોજો ૨૦ ટકાથી ઘટીને ટકા થઈ જશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણામંત્રી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી લાવવા માટે મકાન ખરીદનારાને મોટી રાહત પણ આપશે. જે હેઠળ મકાન ખરીદી માટેની લોનના વ્યાજ પર મળનારી ટેક્ષ છૂટની સીમા વર્તમાન ૨ લાખથી વધારી ૩ લાખ થઈ શકે છે. આ ઉપરાંત અર્થતંત્રને વેગ આપવા માટે કંપનીઓ પર લાગતા વેટમાં કાં તો ઘટાડો અથવા તો તે સમાપ્ત કરવાનો નિર્ણય લેવાય તેવી શકયતા છે.

બજેટમાં બેન્કીંગ ક્ષેત્રે સુધારાની રૂપરેખા રજુ થઈ શકે છે. બેંકોના વિલય પર વધુ ભાર મુકાશે. અર્થવ્યવસ્થાને ૫ લાખ કરોડ ડોલર સુધી પહોંચાડવા માટે બેન્કીંગ ક્ષેત્રને સુદ્રઢ બનાવવું જરૂરી છે.

દરમ્યાન ભારતીય ઉદ્યોગ જગતે આયકર છૂટની સીમા ૨.૫૦ લાખથી વધારી ૫ લાખ કરવા સૂચન કર્યુ છે. એસોચેમે કહ્યું છે કે, મોંઘવારીને જોતા આ જરૂરી છે. સ્ટાન્ડર્ડ ડીડકશનને ફરી બહાલ કરવા માંગણી કરાય છે.(૨-૨)

(10:04 am IST)