Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બિહારમાં જેડીયુ એનડીએની સાથે રહી ૨૦૨૦ માટેની ચૂંટણી લડશે

ઝારખંડ સહિત ચાર રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી લડવા નિર્ણય : જેડીયુની કારોબારીની મિટિંગમાં નીતિશકુમારનો નિર્ણય : જેડીયુ એનડીએથી નાખુશ નથી : દિલ્હી, કાશ્મીર, હરિયાણામાં એકલા હાથે લડશે : નીતિશકુમાર

પટણા, તા. ૯ : જનતા દળ યુનાઇટેડના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશકુમારે આજે રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સ્પષ્ટતા કરી હતી કે, આગામી ૨૦૨૦માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને ચૂંટણી લડશે. બિહારમાં જેડીયુ એનડીએની સાથે રહેશે પરંતુ અન્ય રાજ્યોમાં જુદી જુદી રીતે ચૂંટણી લડવામાં આવશે. નીતિશકુમારે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, મનમાં કોઇપણ પ્રકારના ભ્રમ રાખવાની જરૂર નથી. બિહારમાં ૨૦૨૦માં પણ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે. એનડીએની સાથે જ જેડીયુ રહેશે. નીતિશકુમારે એમ પણ કહ્યું હતું કે, જેડીયુ બિહારમાં ભાજપની સાથે રહેશે પરંતુ રાજ્યની બહાર તે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. જેડીયુની કારોબારીની બેઠકમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બિહારની બહાર જેડીયુ એનડીએની સાથે રહેશે નહીં. જેડીયુ જમ્મુ કાશ્મીર, ઝારખંડ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. વડાપ્રધાન મોદીના શપથ કાર્યક્રમ દરમિયાનથી જ મંત્રીપદને લઇને કહેવામાં આવી રહ્યું છે કે, જનતા દળ યુનાઇટેડ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. જો કે, આ તમામ બાબતોને જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આજે રદિયો આપ્યો હતો. થોડાક દિવસ પહેલા રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહે કહ્યું હતું કે, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર કોઇપણ સમયે ગુલાંટ મારી શકે છે. જો નીતિશકુમાર ગુલાંટ મારશે તો કોઇને પણ આશ્ચર્ય થવું જોઇએ નહીં. આવું પહેલા પણ થઇ ચુક્યું છે. રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહે પણ ભાજપને આ અંગેની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગે છે કે, નીતિશકુમાર જનતાના જનાદેશનું અપમાન કરવા માટે ઓળખવામાં આવે છે. જનતા અને ગઠબંધન સાથીઓની સાથે વિશ્વાસઘાત કરવાની તેમની જુની ટેવ રહેલી છે જેથી ભાજપને પણ હવે વિશ્વાસઘાત-૨ માટે તૈયાર રહેવાની જરૂર છે. નીતિશકુમારે આજે આ સંદર્ભમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આણી દીધો હતો. આવનાર દિવસોમાં ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડવાની નીતિશકુમારે જાહેરાત કરી હતી. આજે યોજાયેલી કારોબારીમાં એવો નિર્ણય લેવાયો હતો કે, ઝારખંડ ઉપરાંત, હરિયાણા, દિલ્હી અને જમ્મુ કાશ્મીરમાં પાર્ટી અલગરીતે ચૂંટણી લડશે. સર્વસંમતિથી આજે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. હાલમાં યોજાયેલી ચૂંટણીમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેડીયુની કારોબારી બેઠકમાં પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બિહાર સિવાય અન્ય રાજ્યોમાં અલગ રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જેડીયુ અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો જેમાં આ ગઠબંધને જોરદાર સપાટો બોલાવીને મોટાભાગની સીટો જીતી લીધી હતી. આરજેડી અને તેમના સાથી પક્ષોનો સફાયો થયો હતો. કોંગ્રેસ પાર્ટીની પણ કફોડી હાલત થઇ હતી.

(12:00 am IST)