Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પીએમ કિસાન : ૩૧ જુલાઈ સુધી યાદી આપવાનો આદેશ

તમામ રાજ્યોને કેન્દ્ર સરકારે સ્પષ્ટ સૂચના આપી : યોજનાથી ૧૪.૫ કરોડ ખેડૂતોને સીધો લાભ થશે : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૯ : ખેડૂતો માટે ચોક્કસ આવક યોજના પીએમ કિસાન સન્માન નિધિના વિસ્તરણ માટે કેન્દ્ર સરકારે તમામ ૨૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે લાભાર્થીઓની પ્રમાણિક યાદી ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપી દીધી છે. આ યોજના હેઠળ ૧૪.૫ કરોડ ખેડૂતોને સીધીરીતે ફાયદો થશે. આ સ્કીમને આ વર્ષે ૨૪મી ફેબ્રુઆરીના દિવસે લોંચ કરવામાં આવી હતી. પહેલા આ યોજના માત્ર નાના અને મધ્યમ ખેડૂતો માટે હતી જેમાં છ રાજ્યો હરિયાણા, પંજાબ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ૫૦ ટકાથી વધારે ખેડૂતો લાભ મેળવી ચુક્યા છે. હવે અન્ય રાજ્યોમાં પણ એવા ખેડૂતો છે જેમની પાસે બે હેક્ટર અથવા તો આશરે પાંચ એકર જમીન છે તેમને પણ ડિસેમ્બર ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ની અવધિ માટે ૨૦૦૦-૨૦૦૦ રૂપિયાની પ્રથમ હપ્તાની રકમ મળી ચુકી છે. કૃષિ મંત્રાલય પર ૭મી જૂનના દિવસે અપટેડ કરવામાં આવેલા ડેટાથી જાણવા મળે છે કે, બંગાળ, સિક્કિમ, દિલ્હી, લક્ષ્યદ્વીપમાં એક પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળ્યો નથી. આ રાજ્યોએ પોતાના ત્યાં પીએમ કિસાન યોજનાને અમલી બનાવી નથી. કેન્દ્રીય કૃષિ સચિવ સંજય અગ્રવાલે શુક્રવારના દિવસે જ તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને લખવામાં આવેલા પત્રમાં કહ્યું હતું કે, યોગ્ય લાભાર્થી ખેડૂતોની ઓળખ અને તેમના આંકડાને પીએમ કિસાન પોર્ટલ પર અપલોટ કરવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, સુધારવામાં આવેલી યોજના મુજબ ૧૦૦ ટકા યોગ્ય લાભાર્થીની યાદી તૈયાર કરવામાં આવે અને આ અંગે માહિતી કેન્દ્ર સરકારને સોંપવામાં આવે. આવી સ્થિતિમાં યોજનાનો લાભ તમામ લોકો ઉઠાવી શકશે.

(12:00 am IST)