Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

હવે બંગાળમાં ચૂંટણી માટે મિશન ૨૫૦ પર કામ શરૂ

બે રણનીતિ ઉપર ભાજપની આક્રમક તૈયારી શરૂ : વર્ષ ૨૦૨૧ વિધાનસભા ચૂંટણી તૈયારી ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી : તમામ વરિષ્ઠ નેતાઓ કામ પર લાગ્યા

નવી દિલ્હી, તા. ૯ : લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં શાનદાર દેખાવ કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ભારતીય જનતા પાર્ટીની નજર હવે બંગાળમાં પણ સત્તા હાંસલ કરી લેવાની છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઇને પોતાનીરણનીતિ હેઠળ ભાજપે બે મોરચા પર તૈયારી શરૂ કરી છે. સૌથી પહેલા ટીએમસીના જનાધાર ધરાવતા નેતાઓને પોતાની તરફેણમાં કરવા પ્રયાસો હાથ ધર્યા છે. જમીની સ્તર પર પોતાના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો પણ શરૂ કરવામાં આવી ચુક્યા છે. ૨૯૪ વિધાનસભા સીટવાળા બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ મિશન ૨૫૦ નક્કી કરી દીધું છે. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ ૪૨માંથી ૧૮ સીટ પર જીત મેળવી હતી જ્યારે તૃણમુલ કોંગ્રેસને ૨૨ સીટ પર જીત મળી હતી. ટીએમસીએ ભલે ભાજપ કરતા ચાર સીટો વધારે જીતી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં ખળભળાટ મચાવી દીધો છે અને મજબૂતી સાથે એન્ટ્રી કરી દીધી છે. હવે મમતા બેનર્જીની હાલત પણ કફોડી દેખાઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું છે કે, લોકસભા ચૂંટણી માટે અમે ૨૩ સીટો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા હતા જે પૈકી ૧૮ સીટો ઉપર જીત મળી છે. હવે પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ૨૫૦ સીટો જીતવાની યોજના છે. પોતાની ચૂંટણી રણનીતિ તૈયાર કરવા તૈયારી કરી લેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ તરત જ બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. આગામી દિવસોમાં મમતા બેનર્જી માટે વધારે મુશ્કેલી ઉભી થઇ શકે છે. કારણ કે, ટીએમસીના જનાધારમાં ઘટાડો થઇ રહ્યો છે. બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ ભાજપની તૈયારીઓને લઇને મહત્વ આપી રહી નથી પરંતુ તેની હાલત કફોડી બનેલી છે. પશ્ચિમ બંગાળમાં શાસન કરવાની અને મમતા બેનર્જીને સત્તાથી દૂર કરવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બંગાળમાં ૪૦.૬ ટકા મત મળ્યા હતા અને પ્રદેશની છ વિધાનસભા સીટ પર કબજો જમાવ્યો હતો. ટીએમસીની પરેશાન દિન પ્રતિદિન વધી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાને બંગાળી સમાજના હિત સાથે જોડવાના પ્રયાસો કર્યા છે. ઉપરાંત નોકરી પુરતા પ્રમાણમાં આપવા, નાગરિક સુધારા બિલને લાવવા તેમજ નેશનલ રિજસ્ટ્રાર ઓફ સિટિઝન તૈયાર કરવાનું વચન આપ્યું છે. આ મુદ્દાઓને લીધે પણ ભાજપને ફાયદો થઇ શકે છે. આ તમામ મુદ્દાઓ રાષ્ટ્રવાદ, ઓળખ અને જરૂરીયાત સાથે જોડાયેલા છે.  બંગાળમાં ટીએમસી સામે ભાજપે પડકાર ઉભો કર્યો છે.

મિશન ૨૫૦ની તૈયારી

*   લોકસભાની ચૂંટણી બાદ ભાજપ દ્વારા બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરાઈ

*   લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભવ્ય દેખાવ કર્યા બાદ મમતા બેનર્જીના ગઢમાં સત્તા કબજે કરવાની તૈયારી

*   ભાજપ દ્વારા બે મોરચા પર કામ શરૂ કરાયું

*   ટીએમસીના લોકપ્રિય નેતાઓને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસો હાથ ધરાયા

*   બંગાળમાં જમીની સ્તર પર પોતાના સંગઠનને ખુબ જ મજબૂત કરવાના પ્રયાસ શરૂ કરાયા

*   લોકસભા ચૂંટણીમાં ભાજપે કુલ ૪૨ સીટ પૈકી ૧૮ સીટ પર જીત મેળવી હતી

*   બંગાળમાં ભાજપની મત હિસ્સેદારી ૪૦.૫ ટકા રહી હતી

(12:00 am IST)