Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બંગાળ હિંસા સંદર્ભે અમિત શાહે આખરે રિપોર્ટ માંગ્યો

ભાજપ અને ટીએમસી વચ્ચે સતત હિંસા જારી : વધુ ચાર લોકોના મોત બાદ અમિત શાહ પણ એક્શનમાં મમતા બેનર્જી સરકાર સાથે ખેંચતાણ વધુ વધવાના સંકેતો

કોલકાતા, તા. ૯ : પશ્ચિમ બંગાળમાં સતત હિંસાના અહેવાલ આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના અધિકારીઓ પાસેથી ઉત્તરીય ૨૪ પરગનામાં હિંસાના ગાળા દરમિયાન શનિવારના દિવસે વધુ ચાર લોકોના મોત મામલે ગ્રાઉન્ડ રિપોર્ટની માંગ કરી છે. બંગાળમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે રક્તપાતનો દોર જારી રહ્યો છે જેમાં ચારના મોત થઇ ચુક્યા છે. બિન સત્તાવારરીતે ૯ લોકોના મોતના અહેવાલ મળી ચુક્યા છે. બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્ય સરકારના મામલામાં રિપોર્ટની માંગ કરી છે. તેમને વિશ્વાસ છે કે, કેન્દ્ર સરકાર આ ઘટનાને ગંભીરતાથી લેશે. ઘટના બાદ લોકોમાં વ્યાપક આક્રોશ છે. પાર્ટીના ધ્વજને કાઢીને ફેંકવાને લઇને બે પાર્ટીઓના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો. ટીએમસીનો આરોપ છે કે, ફાયરિંગની પાછળ ભાજપનો હાથ રહેલો છે. બીજી બાજુ ભાજપનો આક્ષેપ છે કે, ટીએમસીના કાર્યકરો તેમને યોજના પૂર્વક ટાર્ગેટ બનાવી રહ્યા છે. ટીએમસીના નેતા અને રાજ્યના આરોગ્યમંત્રીનું કહેવું છે કે, પાર્ટીના કાર્યકરો ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારથી રક્તપાતનો દોર જારી રહ્યો છે. બંગાળમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી અને તમામ તબક્કામાં વ્યાપક હિંસા થઇ હતી. હિંસાની નોંધ ચૂંટણી પંચ દ્વારા પણ લેવામાં આવી હતી. બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમોને રોકવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. જો કે, ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો હતો અને ટીએમસીને મોટો ફટકો પડ્યો હતો. લોકસભાની કુલ બેઠકો પૈકીને ટીએમસીને ખુબ ઓછી બેઠકો હાથ લાગી હતી. ટીએમસીની હાલત કફોડી બન્યા બાદ હવે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ સ્થિતિને મજબૂત કરવા પ્રયાસો હાથ ધર્યા છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૪૨ પૈકીની ૧૮ પર જીત મેળવીને બંગાળના ગઢમાં ગાબડા પાડી દીધા હતા. હિંસાના દોર વચ્ચે અમિત શાહે પશ્ચિમ બંગાળ પાસેથી રિપોર્ટની માંગ કર્યા બાદ બંગાળ સરકારની સામે ખેંચતાણ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ચૂંટમી પ્રચાર દરમિયાન પણ ટીએમસી અને ભાજપ વચ્ચે ખેંચતાણ ચરમસીમા પર પહોંચી ગઈ હતી. બંગાળમાં ચૂંટણી હિંસામાં સેંકડો લોકોના મોત થયા હતા. છેલ્લા ઘણા સમયથી ભાજપ અને ટીએમસી વચ્ચે હિંસાનો દોર ચાલી રહ્યો હતો. ભાજપના લોકોનો આક્ષેપ છે કે, તેના ૬૦થી વધુ કાર્યકરોની હત્યા કરવામાં આવી ચુકી છે.

(12:00 am IST)