Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજ્યસભામાં પણ ટૂંકમાં એનડીએની બહુમતિ હશે

૨૦૨૦માં એનડીએ પાસે બહુમતિ

નવી દિલ્હી, તા.૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન આગામી વર્ષે રાજ્યસભામાં પણ બહુમતિ મેળવી શકે છે. કેટલાક નાના ક્ષેત્રિય પક્ષોની સાથે હાથ મિલાવવામાં આવે તેવી શક્યતા છે. એક રિસર્ચમાં આ અંગેની બાબત સપાટી ઉપર આવી છે. ચૂંટણીના ગાળા દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવનાર બિનમુસ્લિમ પ્રવાસીઓને નાગરિકતા આપવા જેવા વચનો આપ્યા હતા. આવા વિવાદાસ્પદ મામલાઓ સાથે જોડાયેલા બિલને સંસદમાં પસાર કરવા માટે બંને ગૃહોમાં પ્રભાવશાલી ઉપસ્થિતિ જરૂરી બની ગઈ છે. રાજ્યસભાના સૌથી વધારે સભ્યો રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે જ્યારે ૧૨ સભ્યોને કેન્દ્ર સરકાર પસંદ કરે છે. આમાથી તમામની અવધિ છ વર્ષની રહે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસને ૨૦૨૦ સુધી રાજ્યસભામાં ૧૨ સીટોનું નુકસાન થઇ શકે છે જેના કારણે તેના સભ્યોની સંખ્યા ઘટીને ૩૮ થશે. લોકસભામાં કોંગ્રેસની માત્ર ૫૨ સીટો છે જ્યારે ભાજપની ૩૦૩ સીટો રહેલી છે.

 

(12:00 am IST)