Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

લાપત્તા વિમાન અંગે માહિતી આપનારને પાંચ લાખ મળશે

છ દિવસથી શોધખોળ છતાં કોઇ માહિતી નહીં : વિમાનમાં રહેલા લોકો જીવિત હોવાને લઇને આશા ધૂંધળી

ગુવાહાટી, તા. ૯ : અરુણાચલ પ્રદેશમાં ગ્રામીણ વિસ્તારમાં છ દિવસ અગાઉ લાપત્તા થયેલા એએન-૩૨ પરિવહન વિમાનની હજુ સુધી કોઇ ભાળ મળી નથી. હવે આની ભાળ મેળવવા માટે ઇન્ડિયન એરફોર્સ દ્વારા કોઇપણ પ્રકારની માહિતી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. છ દિવસથી અભૂતપૂર્વ સર્ચ કામગીરી ચાલી રહી છે પરંતુ કોઇ માહિતી મળી શકી નથી. આખરે પાંચ લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. વિમાન અંગે માહિતી આપવા માટે ફોન નંબરો જે જારી કરવામાં આવ્યા છે તેમાં ૯૪૩૬૪૯૯૪૭૭, ૯૪૦૨૦૭૭૨૬૭, ૯૪૦૨૧૩૨૪૭૭નો સમાવેશ થાય છે. આ નંબર પર ફોન કરીને માહિતી આપી શકાય છે.  ભારતીય હવાઈ દળના લાપતા થયેલા એએન-૩૨ વિમાનની શોધખોળ જારી રહી હોવા છતાં હજુ સુધી કોઇ માહિતી ન મળતા પરિવારના સભ્યોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. લાપત્તા થયેલા વિમાનમાં રહેલા લોકો બચ્યા છે કે કેમ તેને લઇને હવે આશા ઓછી દેખાઈ રહી છે. કાટમાળ અંગે પણ ભાળ મળી નથી. હવાઈ દળે પણ સર્ચ ઓપરેશનમાં અન્ય વિમાનોને તૈનાત કર્યા છે. જેમાં સુખોઈ-૩૦, સી-૧૩૦ જે વિમાન અને એમઆઈ-૧૭ અને એએલએચ હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે. લાપતા વિમાને આસામના જોરહાટથી સોમવારના દિવસે બપોરે ઉઠાણ ભરી હતી. આ વિમાન અરૂણાચલ પ્રદેશના મેચુકા તરફ જઈ રહ્યું હતું પરંતુ ૩૫ મિનિટના ગાળા બાદ જ આ વિમાનનો સંપર્ક તુટી ગયો હતો. સેના, ભારત-તિબેટ સરહદ પોલીસ અને અન્ય સરકારી તથા નાગરિક સંસ્થાઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે પરંતુ વિમાનના સંદર્ભમાં કોઈ માહિતી મળી શકી નથી. આ વિમાનમાં ૧૩ લોકો મુસાફરી કરી રહ્યા હતા.

(12:00 am IST)