Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

દિલ્હીની સરોજ હોસ્પિટલમાં ૮૦ ડોક્ટર્સ પોઝિટિવ, ૧નું મોત

દિલ્હીમાં કોરોનાની બીજી લહેરથી ભારે તબાહી : હોસ્પિટલમાં હવે અનેક ઓપીડી સેવાઓ બંધ, હાલ ૧૨ ડૉક્ટર્સ દાખલ જ્યારે બાકીના ડોક્ટર હોમ ક્વોરેન્ટાઈન

નવી દિલ્હી, તા. ૧૦ : દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બીજી લહેરના કારણે ભારે તબાહી વ્યાપી છે. આ બધા વચ્ચે દિલ્હીની સરોજ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટની જાણકારી સામે આવી છે. કોરોના કાળમાં અત્યાર સુધીમાં આ હોસ્પિટલના કુલ ૮૦ ડૉક્ટર્સ કોરોના પોઝિટિવ નોંધાયા છે અને કોરોનાના કારણે ૧ ડૉક્ટરનું મૃત્યુ થયું છે.

દિલ્હીની સરોજ હોસ્પિટલમાં હવે અનેક ઓપીડી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હાલ ૧૨ ડૉક્ટર્સ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે બાકીનાઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સીનિયર સર્જન ડૉ. એેકે રાવત કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. કોરોના સંકટ દરમિયાન એક જ હોસ્પિટલના આટલા બધા ડૉક્ટર્સ કોવિડ પોઝિટિવ આવે તે ચિંતાનો વિષયછે.  છેલ્લા અનેક દિવસોથી દિલ્હી કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. રાજધાનીમાં સતત નવા કેસ, મૃતકઆંક વધી રહ્યો છે. આ કારણે જ છેલ્લા આશરે ૩ સપ્તાહથી દિલ્હીમાં લોકડાઉન લાગુ છે અને તેને વધુ એક સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યું છે.

(9:40 pm IST)