Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

આસામમાં લવ જિહાદ-લેન્ડ જિહાદ વિરૂધ્ધ કાયદો લવાશે

આસામના મુખ્યમંત્રી પદે હિમંત સરમાએ શપથ લીધા : આસામમાં બીજી વખત સત્તામાં આવેલી ભાજપે પોતાના મુખ્યમંત્રી બદલ્યા, સોનોવાલને બદલે હિમંત સરમાને તક

નવી દિલ્હી, તા. ૧૦ : હિમંત બિસ્વ સરમાએ સોમવારે આસામના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આસામમાં સતત બીજી વખત સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી બદલ્યા છે અને સર્વાનંદ સોનોવાલને બદલે હિમંત બિસ્વ સરમાને તક આપી છે. મંગળવારે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક યોજાવાની છે.

જો કે, હિમંત બિસ્વ સરમાએ સોમવારે શપથ ગ્રહણ બાદ એક મોટી જાહેરાત કરી હતી. હિમંત સરમાએ કહ્યું હતું કે, તેમની સરકાર ચૂંટણીમાં આપવામાં આવેલા તમામ વચનો પૂરા કરશે જેમાં લવ જિહાદ-લેન્ડ જિહાદ વિરૂદ્ધ કાયદો લાવવાની વાત પણ સામેલ છે. શપથ ગ્રહણ બાદ હિમંત બિસ્વાએ એનઆરસી મુદ્દે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, તેમની સરકાર બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં ૨૦ ટકા અને અન્ય જિલ્લાઓમાં ૧૦ ટકા રી-વેરિફિકેશનની પક્ષધર છે અને તેની માંગણી કરશે.

આસામમાં કોરોના સંકટ મામલે તેમણે કહ્યું કે, સ્થિતિ ખૂબ બગડી રહી છે અને દૈનિક નવા કેસનો આંકડો ,૦૦૦ સુધી પહોંચી ગયો છે. પહેલી કેબિનેટમાં કોવિડ સંકટ મુદ્દે ચર્ચા થશે.

આસામની ચૂંટણીમાં સીએએ, એનઆરસી મોટો મુદ્દો બન્યો હતો, એક તરફ ભાજપે ઘૂસણખોરોને બહાર કાઢવાની વાત કરી હતી તો કોંગ્રેસે તેમની સરકાર બનશે તો સીએએ લાગુ નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી. જો કે, ફરી એક વખત આસામમાં ભાજપની સરકાર બની છે. આસામમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યાર બાદ એક સપ્તાહ સુધી ભાજપમાં મુખ્યમંત્રી પદને લઈને મંથન ચાલ્યુ હતું. પરંતુ રવિવારે હિમંત બિસ્વ સરમાના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સોમવારે તેમણે પોતાના મંત્રીમંડળ સાથે શપથ પણ ગ્રહણ કરી લીધા હતા. શપથ ગ્રહણ સમારંભમાં સહભાગી બનવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પોતે ઉપસ્થિત રહ્યા હતા.

(7:43 pm IST)