Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ઓક્સિજન સમયસર પહોંચાડવા એમેઝોન-ઝોમેટોની મદદ લેવાશે

ગુરૂગ્રામ તંત્રનો ઓકસિજન સંદર્ભે મહત્વપૂર્ણ નિર્ણય : પ્રશાસને આ અંગે આદેશ બહાર પાડ્યા, જિલ્લાધિકારીએ સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા ટીમની રચના કરી

નવી દિલ્હી, તા. ૧૦ : દેશમાં દરરોજ વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે ઓક્સિજનની ભારે તંગી વ્યાપી છે. ઓક્સિજનની તંગીના કારણે કોરોનાના અનેક દર્દીઓ દમ તોડી રહ્યા છે. હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો પણ ઓક્સિજનની તંગીના કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે ગુરૂગ્રામ પ્રશાસને હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.

ગુરૂગ્રામમાં હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતોને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા પ્રશાસને એમેઝોન અને ઝોમેટો જેવી કંપનીઓની મદદ લેવાનો નિર્ણય લીધો છે. ગુરૂગ્રામ જિલ્લા પ્રશાસન હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતોને ઘરે સમયસર ઓક્સિજન પહોંચે તે માટે એમેઝોન, ઝોમેટો, ડેલ્હિવરી જેવી પ્રોફેશનલ ડિલિવરી એજન્સીઓ ઉપરાંત એનજીઓનો સહયોગ લઈ રહ્યું છે. ગુરૂગ્રામ જિલ્લા પ્રશાસને અંગે આદેશ બહાર પાડી દીધા હતા. જિલ્લાધિકારીએ સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે એક ટીમની રચના પણ કરી છે. આઈએએસ અધિકારીને ટીમની કમાન સોંપવામાં આવી છે. ટીમ હોમ આઈસોલેશનમાં રહેતા કોરોના સંક્રમિતોને સમયસર ઓક્સિજનની ડિલિવરી સુનિશ્ચિત કરશે.

(7:42 pm IST)