Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વેક્સિન, દવાઓ પર GST નાબુદ થશે તો ભાવ વધી જશે

કેન્દ્રીય નાણાં પ્રધાને જીએસટી માફી પર સ્પષ્ટતા કરી : જીએસટી હટાવાશે તો ઉત્પાદકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહીં મળે અને ઉત્પાદકો તેનો બોજો ગ્રાહકો ઉપર નાંખશે

નવી દિલ્હી, તા. ૧૦ : કોવિડ વેક્સિન, દવાઓ અને ઓક્સિજન ઉપકરણો પર જીએસટી માફ કરવાની માગણી અંગે નાણાપ્રધાન નિર્મતા સીતારામને કહ્યું છે કે કે જો સાધનો પર જીએસટી માફ કરવામાં આવશે તો તે મોંઘા બનશે, કારણ કે જો તેના પરથી જીએસટી હટાવવામાં આવશે તો ઉત્પાદકોને આઈટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) નહીં મળે અને પરિણામે ઉત્પાદકો આઈટીસીની રકમ ગ્રાહકો પાસેથી વસૂલશે. હાલ વેક્સિનના સ્વદેશી પુરવઠા અને આયાત પર પાંચ ટકા જીએસટી અને કોવિડ દવાઓ અને ઓક્સિજન પર ૧૨ ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કોંગ્રેસન કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ ગત દિવસોમાં કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી છે કે કોવિડ વેક્સિન તેમજ સારવાર માટેના દવા સહિતના સાધનો પર લેવાતી જીએશટી અને અન્ય ડયુટી માફ કરવામાં આવે. જેનાં જવાબરૂપે આજે નિર્મલા સીતારામને કહ્યું હતું કે કરમાફીનાકારણે સાધનો વધુ મોંઘા બનશે.

નાણામંત્રી સીતારામને વધુ ઉમેરતાં કહ્યું હતું કે જો જીએસટીમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવે તો વેક્સિન ઉત્પાદકોએ કાચા માલ માટે ચૂકવેલા ટેક્સની રકમ આઈટીસી તરીકે પરત મેળવી શકશે નહીં અને પરિણામે રકમ ભાવવધારા તરીકે ગ્રાહકો પાસેથી વસૂલશે. હાલ વેક્સિન પર પાંચ ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે. જેથી ટેક્સ સુનિશ્ચિત કરે છે કે ઉત્પાદકો ઇનપુટ ટેક્સ ક્રેડિટ અને રિફંડ મેળવી રહ્યા છે. આમ જો ટેક્સ માફઈ કરવામાં આવશે તો તેની આડઅસરરૂપે ગ્રાહકો પર ભાવવધરો ઝીંકાશે

(7:40 pm IST)