Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

હેમંત વિસ્વા સરમાએ આસામના મુખ્યમંત્રી તરીકે કર્યા શપથ ગ્રહણ

રાજ્યપાલ જગદીશ મુખીએ શપથ અપાવ્યા

નવી દિલ્હી તા. ૧૦ : આસામ વિધાનસભામાં ભાજપે જીત મેળવ્યા બાદ આજે ભાજપ નતા હેમંત વિસ્વા સરમાએ આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજયપાલ જગદીશ મુખીએ તેમને આસામના નવા મુખ્યમંત્રી તરીકેની શપથ આપાવી છે. શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પહેલા ગઇકાલે એટલે કે રવિવારે હેમંત વિસ્વા સરમાને સર્વસમ્મતિથી ભાજપના વિધેયક દળ અને આસામના એનડીએ વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ થયા હતા. આ ઉપરાંત ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબ, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહ, નાગાલેન્ડના મુખ્યમંત્રી નીફિઉ રિયો, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલ પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. હેમંત વિસ્વા સરમાએ શપથગ્રહણ સમારોહ પહેલા ડોલ ગોવિંદા મંદિર અને કામખ્યા મંદિરની મુલાકાત લીધી હતી. શપથગ્રહણ પહેલા તેમણે કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી સોનવાલ માર્ગદર્શક બની રહેશે અને મને મુખ્યમંત્રી બનાવવાના સમર્થન માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો.

હેમંત વિસ્વા સરમા આસામની જાલુકબારી વિધાનસભા સીટ પરથી સતત પાંચમી વખત વિજેતા બન્યા છે. આ પહેલા તેઓ સોનવાલ સરકારમાં મંત્રી રહી ચુકયા છે. તેઓ એક વકીલ છે અને વકીલ થી મુખ્યમંત્રી સુધીની સફર કરી છે. આ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા પરંતુ ૨૦૧૫માં ભાજપમાં ભળ્યા છે. ઉલ્લેખનીય છે કે આસામમાં એનડીએ ગઠબંધનને સતત બીજી વખત બહુમત મળ્યો છે. ભાજપે આસામની ૧૨૬ વિધાનસભા સીટમાંથી ૬૦ સીટ પર જીત હાંસલ કરી છે. જયારે ભાજપની સહયોગી પાર્ટી આસામ ગણ પરિષદે ૯ અને યૂનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલે ૬ સીટો પર જીત મેળવી છે.

(4:18 pm IST)