Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જુલાઇથી દેશમાં રશીયન વેકસીન સ્પુતનીક-૫નું થશે ઉત્પાદન

રસીની અછતનો આવશે અંત : કંપનીઓ સાથે બેઠક યોજાઇ

નવી દિલ્હી તા. ૧૦ : કોરોનાની ભયાનક બીજી લહેર વચ્ચે લોકો જેમ બને તેમ જલ્દી રસી મુકાવી લેવા માંગે છે પણ રસીનું ઉત્પાદન ઓછું છે. દેશમાં ઉત્પાદિત બે રસી અત્યારે મુકાઇ રહી છે પણ હવે આયાત કરાતી સ્પુતનિક-૫ રસીને પણ બહુ જલ્દી આ કાર્યક્રમમાં સામેલ કરવાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે રસીકરણ માટેનું મિશન કોવિડ સુરક્ષા શરૂ કર્યું છે, જેની જવાબદારી સંભાળે છે જૈવ પ્રાદ્યોગિકી વિભાગની સચિવ ડો. રેણુ સ્વરૂપ. તેમણે રસીની ઉપલબ્ધતા વધારવા અને નવી રસીઓ અંગેની માહિતી શેર કરી છે.

કોવેકસીનનું ઉત્પાદન વધારવા માટે ખાનગી અને જાહેર ક્ષેત્રની ક્ષમતાવાળી રસી નિર્માતાઓની ઓળખ કરવામાં આવી છે. હવે ભારત બાયોટેકની ટેકનીક આ નિર્માતાઓને હેન્ડ ઓવર કરવા અંગે વાતચીતની પ્રક્રિયા ચાલી રહી છે. બહુ જલ્દી આ ટેકનીક યોગ્ય નિર્માતાઓને આપવામાં આવશે.

સ્પૂતનિક-૫ રસીને મંજૂરી આપી દેવાઇ છે. આયાત શરૂ થઇ ગઇ છે પણ દેશમાં તેનું ઉત્પાદન કયારે શરૂ થશે ? રસી દેશમાં પહોંચવાનું શરૂ થઇ ગયું છે. એક ખેપ આપી ગઇ છે. આ મહિનાના અંત સુધીમાં સ્પૂતનિક-૫ના વધુ ૩૦ લાખ ડોઝ ભારત આવી જશે. સાથે જ આ રસીનું ઉત્પાદન દેશમાં કરવા માટે રેડ્ડી લેબોરેટરીઝ ઉપરાંત અન્ય પાંચ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. જેમાં હેટેરો બાયોફાર્મા, વિરચોવ બાયોટેક, સ્ટેલીસ બાયોફાર્મા, ગ્લેન્ડ બાયોફાર્મા અને પેનાશિયા બાયોટેક સામેલ છે. તેમણે કહ્યું કે અમારી કોશીષ એવી છે કે જુલાઇમાં દેશમાં ઉત્પાદિત સ્પુતનિક-૫ રસી મળવાનું શરૂ થઇ જશે.

(3:18 pm IST)