Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ત્રણ દિવસમાં માણસનું વજન ઘટાડીને ફેફસામાં હુમલો કરે છે કોરોના

ડબલ મ્યુટેશનનું રહસ્ય ખોલતા વૈજ્ઞાનીકો

નવી દિલ્હી તા. ૧૦ : કોરોના વાયરસના બે અલગ સ્ટ્રેન આપસમાં મળીને ત્રણ દિવસમાં દર્દીના ફેફસામાં જામવાના શરૂ થઇ જાય છે એટલું જ નહીં આના લીધે તેનું વજન પણ ઘટવા લાગે છે. ભારતીય વૈજ્ઞાનિકોએ પહેલીવાર ડબલ મ્યુટેશનના રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો છે. અભ્યાસ દ્વારા વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે દેશમાં કોરોના દર્દીઓની હાલત એટલે ગંભીર થઇ રહી છે કેમકે ટેસ્ટીંગનો રિપોર્ટ આવે તે પહેલા જ તેના એક ચતુર્થાંસ ફેફસા વાયરસની ઝપટમાં આવી ચૂકયા હોય છે.

વૈજ્ઞાનિકો ત્યારે આશ્ચર્યમાં પડી ગયા જ્યારે તેમને ડબલ મ્યુટેશનવાળા સ્ટ્રેન બી.૧.૬૧૭માં ડી૧૧૧ડી, જી૧૪૨ડી, એલ૪૫૨આર, ઇ૪૮૪કયુ, ડી૬૧૪જી અને પી૬૮૧આર નામના મ્યુટેશન પણ મળ્યા.

પૂણેની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી)ના વૈજ્ઞાનિકોએ ઉંદરો પર અભ્યાસ કરીને ભાળ મેળવી કે સંક્રમણ થયા પછી દર્દી ત્રણ દિવસમાં જ ગંભીર રીતે બિમાર થવા લાગે છે. ઉંદરોને તેમણે ડબલ મ્યુટેશન આપીને ભાળ મેળવી કે ત્રીજા દિવસે જ તેઓ તરફડવા લાગે છે. તેમનામાં વાયરસનો ઉચ્ચ સંક્રમણભર મળવા લાગ્યો હતો. જે સીધે સીધો જીવલેણ સ્થિતિ તરફ ઇશારો કરે છે.

સીનીયર વૈજ્ઞાનિક ડો. પ્રજ્ઞા યાદવે જણાવ્યું કે બી.૧.૬૧૭ નામના સ્ટ્રેનમાં વાયરસના બે-બે વેરીયંટ ઓળખ થઇ છે. આ સ્ટ્રેનમાં વાયરસના સ્પાઇક ક્ષેત્રમાં આઠ એમીનો એસીડ પરિવર્તન જોવા મળ્યા છે. એકથી વધારે ઉપવંશ મળવાથી ગંભીરતાથી ખબર પડે છે. આ વેરીયંટ કયાંથી આવ્યો એ હજુ પણ રહસ્ય છે.

(3:17 pm IST)