Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજકોટમાં આજે ૫૫ મોતઃ નવા ૧૪૬ કેસ

ગઇકાલે ૪૧ પૈકી ૨ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીએ રિપોર્ટમાં જણાવ્યુ હતુઃ હાલમાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૪૭૪ બેડ ઉપલબ્ધઃકુલ કેસનો આંક ૩૭,૭૧૭ આજ દિન સુધીમાં ૩૪,૧૪૫ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૮૮ ટકા થયો

રાજકોટ તા. ૧૦: શહેર - જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૫૫નાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૪૬ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૯નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૦નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના  ૫૫ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૪૧ પૈકી ૨ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૪૭૪ બેડ ખાલી છે.

નોંધનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણ અટકવાનું  નામ લેતુ નથી ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  ૫૫ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૪૬ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૪૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૭,૭૧૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૬૦૯૭  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૫૧  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૭૫  ટકા થયો  હતો. જયારે ૬૮૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૦,૬૦,૬૪૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૭,૭૧૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૪ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૩૨૫૩  દર્દીઓ સારવાર હેઠળ છે.

(2:59 pm IST)