Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

તેલંગાણામાં રસીકરણને મળશે વેગ :હવે ડ્રોન દ્વારા કોરોના રસી પહોંચાડશે: કેન્દ્ર સરકારે આપી મંજૂરી

રસી એક સ્થળેથી બીજી જગ્યાએ ખસેડવાનો સમય પણ ઘટશે

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ રસીકરણને વેગ આપવા માટે તેલંગાણા રાજયમાં ડ્રોનથી રસી પહોંચાડવામાં આવશે. જેમાં શનિવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેલંગાણામાં ડ્રોનથી રસી પહોંચાડવાની મંજૂરી આપી છે. તેલંગાણા સરકારે ડ્રોનથી દ્વારા રસી પહોંચાડવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી માંગી હતી. મંત્રાલયે કહ્યું હતું કે તેણે માનવરહિત વિમાન પ્રણાલી (યુએએસ) ના નિયમો -2121 હેઠળ તેલંગાણા સરકારને શરતી છૂટ આપી છે. સરકારને આ મંજૂરી એક વર્ષ માટે અથવા બીજા હુકમ સુધી માન્ય રહેશે.

તેલંગાણામાં ડ્રોન દ્વારા કોરોના રસી પહોંચાડવાની મંજૂરી આપ્યા બાદ હવે રસીઓ સરળતાથી રાજ્યના દૂરના ગામોમાં પહોંચાડી શકાશે. ડ્રોનના ઉપયોગની મંજૂરી પછી રસી એક સ્થળેથી બીજી જગ્યાએ ખસેડવાનો સમય પણ ઘટશે અને રસીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે.

દેશમાં કોરોના  વાયરસ રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત 1 મેથી થઈ છે. આ તબક્કામાં 18 કે તેથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. જોકે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે ડ્રોન રસીથી વિતરણ કાર્યક્રમ ક્યારે શરૂ થશે, પરંતુ, એક અંદાજ મુજબ રાજ્યમાં મે મહિનાના અંત સુધીમાં આ સિસ્ટમ શરૂ થઈ જશે.

તેલંગાણામાં શુક્રવારે 5892 નવા કેસ નોંધાયા હતા અને કુલ કેસ 4.81 લાખને વટાવી ગયો છે જ્યારે 46 વધુ લોકોના મોત પછી મૃત્યુઆંક 2625 પર પહોંચી ગયો છે. શનિવારના આંકડા હજી જાહેર થયા નથી. શુક્રવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9,122 દર્દીઓ રિકવર થતાં સાજા થયેલા કુલ લોકોની સંખ્યા ચાર લાખથી વધી ગઈ હતી.

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે ગુરુવારે કહ્યું કે રાજ્યમાં લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી કારણ કે તેનાથી લોકોના જીવન તેમજ અર્થતંત્રને અસર થશે. રાવે કહ્યું કે અગાઉનો અનુભવ બતાવે છે કે કોવિડ -19 ને રોકવામાં લોકડાઉન અસરકારક પગલું નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે તેલંગાણામાં 25 થી 30 લાખ પરપ્રાંતિય મજૂરો છે અને 2020 માં લોકડાઉન દરમિયાન તેમના જીવનને ભારે અસર પહોંચી હતી.

(12:00 am IST)