Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ઉત્તરાખંડમાં કુલ મૃતાંકમાંથી અડધા મોત કુંભમેળા બાદ થયા

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર : ફેબ્રુ-માર્ચથી અત્યાર સુધી કોરોનાના ૨.૩ લાખ કેસ જેમાં ૧.૩ લાખ કેસ ૧ એપ્રિલથી સાત મે દરમિયાન નોંધાયા

દહેરાદૂન,તા.૯ : સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ઉત્તરાખંડથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં કોરોનાના કુલ મૃત્યુઆંકના અડધા મોત કુંભ મેળા પછી થયા હોવાનું સામે આવ્યું છે. આંકડા પર નજર કરીએ તો ઉત્તરાખંડમાં ગયા વર્ષે ફેબ્રુઆરી-માર્ચથી અત્યાર સુધી કોરોનાના કુલ ૨.૩ લાખ કેસ નોંધાયા છે. જેમાં ૧.૩ લાખ કેસ તો માત્ર ૧ એપ્રિલથી ૭ મે દરમિયાન નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન હરિદ્વારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઉત્તરાખંડમાં ૧૭૧૩ લોકોના કોરોનાથી મોત થયા છે, જે રાજ્યના કુલ મૃત્યુઆંક (૩૪૩૦)ના લગભગ અડધા છે. નહીં, કુંભ સમાપ્ત થયા બાદ એક અઠવાડિયા (૧થી ૭ મે)ના સમયગાળા દરમિયાન રાજ્યમાં કોરોનાથી ૮૦૬ મોત થયા છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, કુંભ દરમિયાન અને પછીના સમયગાળામાં નવા કેસો અને મૃત્યુઆંકમાં વધારો થયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) દહેરાદૂનના પ્રમુખ ડો. અમિતસિંહે જણાવ્યું હતું કે, ચેપ ફેલાવવાનું મુખ્ય કારણ બેદરકારી છે. તેમણે ઉમેર્યું કે, આપણે સાવચેતી ન રાખતાં અનેક સામૂહિક મેળાવડા, ધાર્મિક મેળા, લગ્ન અને અન્ય કાર્યો શરૂ કર્યા હતા. આવું ન થવું જોઈતું હતું, જ્યારે આપણે જાણતા હતા કે, વાયરસનું ઈન્ડિયન મ્યૂટેન્ટ શરૂ થઈ ચૂક્યું છે અને તે ઉત્તરાખંડમાં પણ હતું. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ગરિમા દસૌનીએ જણાવ્યું કે, કોરોનાના વધતા કેસની સાથે સરકાર કુંભ મેળાના આયોજન માટે પણ જવાબદાર છે. તેમના જણાવ્યા અનુસાર, કોરોનાના કેસ અને મૃત્યુઆંક વધવા પાછળના બે મુખ્ય કારણ અકાળે કુંભ અને બેદરકારી છે.

          એવું ત્યારે નહોતું થયું જ્યારે સીએમ આરોગ્ય મંત્રીનું પદ સંભાળી રહ્યા હતા. દસૌનીએ વધુમાં જણાવ્યું કે, નવા મુખ્યમંત્રીએ અગાઉ કોઈ વહીવટી પદ સંભાળ્યું નથી અને કોવિડની પરિસ્થિતિ વિશે ગેરસમજણ ત્યારે શરુ થઈ જ્યારે તેમણે ભક્તો પર કોઈ પ્રતિબંધો ન મૂકતા ભવ્ય કુંભની જાહેરાત કરી હતી. આંકડા પર નજર કરીએ તો ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૬૪૨ કેસ નોંધાયા છે, આ સાથે કુલ કેસનો આંકડો ૨.૨૯ લાખ પર પહોંચી ગયો છે. ઉત્તરાખંડના મૃત્યુના આંકડા એવા રાજ્યો કરતા વધારે છે જેમ કે, ગોવામાં ગુરુવારે પોઝિટિવિટી રેટ ૫૦%થી વધુ હતો અને ૫૮ મોત નોંધાયા હતા. તેનાથી વિપરિત ઉત્તરાખંડમાં ૨૪% પોઝિટિવિટી રેટ સાથે ગુરુવારે ૧૫૧ અને શુક્રવારે ૧૩૭ મૃત્યુ નોંધાયા છે જ્યારે પોઝિટિવિટી રેટ ૨૬%ની સપાટીએ પહોંચી ગયો છે.

(12:00 am IST)