Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાફેલમાં રિવ્યૂની માંગ કરતી અરજીઓ પર ચુકાદો રિઝર્વ

ફેરવિચારણા અરજીઓ પર સુનાવણી પરિપૂર્ણ થઈ : લોકસભા ચુંટણીમાં પ્રચારમાં રાફેલનો પ્રશ્ન છવાયો છે ક્રિમિનલ તપાસ માટેની અરજીને અગાઉ ફગાવાઈ દેવાઈ

નવી દિલ્હી, તા. ૧૦ : પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિંહા, અરૂણ શૌરી અને સામાજિક કાર્યક્રમ પ્રશાંત ભૂષણ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ તમામ ત્રણેય દ્વારા રાફેલ ફાઈટર જેટ સોદાબાજી કેસમાં ક્રિમિનલ તપાસ કરવા માટેની માંગ કરતી તેમની અરજીને ફગાવી દેવાના તેના અગાઉના ચુકાદાને અસ્વીકાર કરવા રજુઆત કરી હતી. રાફેલ ડીલને લઈને સુપ્રિમ કોર્ટના ચુકાદાની સામે ફેરવિચારણા અરજીઓ પર સુનાવણી આજે પૂર્ણ કરી લેવામાં આવી હતી. રાફેલ ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓ પર સુપ્રિમ કોર્ટે આજે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેચે ગયા વર્ષના ૧૪મી ડિસેમ્બરના ચુકાદાની સમીક્ષા કરવાની માંગ કરતી શ્રેણીબદ્ધ અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો. ૧૪મી ડિસેમ્બરના ચુકાદાને સુપ્રિમ કોર્ટે ૩૬ રાફેલ ફાયટર જેટ વિમાનો હાંસલ કરવા ફ્રાંસ સાથે કરવામાં આવેલી ભારતની સમજૂૂતિને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી. વકીલ પ્રશાંત ભુષણે બે કલાક સુધી ચાલેલી સુનાવણીી દરમિયાન તર્કદાર દલીલો કરી હતી. ભૂષણે કોર્ટ પાસેથી ચીજોની વાસ્તવિકતાની અવગણના કરવા સહિત જુદા જુદા પાસાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે એક એફઆઈઆર પણ દાખલ થવી જોઈએ. આ કેસમાં ક્રિમિનલ તપાસ થઈ શકે છે. પીએમઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સમાંતર મંત્રણા સાથે સંબંધિત દસ્તાવેજોને પણ પ્રશાંત ભૂષણ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એફઆઈઆરમાં જુદી જુદી બાબતોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેઓએ પીએમઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સમગ્ર મામલામાં દસ્તાવેજોનો પણ ઉલ્લેખ કર્યો હતો. શુક્રવારના દિવસે એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે રાફેલ ડીલની પ્રાઈઝીંક ઈન્ટર ગવર્મેન્ટ એગ્રિમેન્ટની કલમ ૧૦ હેઠળ કવર છે અને આની ચર્ચા પબ્લિક ડોમેનમાં કરી શકાય નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ પ્રશ્ન છે અને દુનિયાની કોઈપણ કોર્ટ આ પ્રકારના તર્ક પર ડિફેન્સ ડીલની તપાસ કરશે નહીં. રાફેલ મામલામાં થોડાક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કરીને કહ્યું હતું કે રાફેલ ડીલને લઈને જે પ્રક્રિયા ચાલી રહી છે તેને પીએઓ દ્વારા મોનિટર કરવાની બાબત સમાંતર વાતચીત અથવા તો દરમિયાનગીરી ગણી શકાય નહીં. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે અધુરા વચગાળાના અહેવાલ અને મીડિયા રિપોર્ટના આધાર પર રાફેલ ડીલના મામલાને ફરી ખોલી શકાય નહીં. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે ૧૪મી ડિસેમ્બરના દિવસે જે ચુકાદો આપ્યો હતો તે યોગ્ય છે. રાફેલ ખરીદી પ્રક્રિયા અને ઈન્ડિયન ઓફસેટ પાર્ટનરની ચુંટણીના સરકાર દ્વારા ભારતીય કંપનીની ફેવર કરવાને લઈને આક્ષેપોની તપાસની માંગ કરવામાં આવી છે.

જોકે આ તમામ અરજીઓને સુપ્રિમ કોર્ટે ૧૪મી ડિસેમ્બરના દિવસે ફગાવી દીધી હતી. બીજી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે રાફેલ ડીલ મામલામાં સુપ્રિમ કોર્ટના ચુકાદાની સામે રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી. અરજીમાં મીડિયાને ડિફેન્સ મંત્રાલય સાથે જોડાયેલી રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાફેલ પર વિવાદ શું....

વિમાનોની કિંમતો મુખ્ય વિવાદ

નવીદિલ્હી, તા. ૧૦ : રાફેલ ડિલ ઉપર વિવાદ શું છે તેને લઇને હંમેશા ચર્ચા રહી છે પરંતુ રાફેલ ડિલમાં વિમાનોની કિંમત ખુબ વધારે દર્શાવવામાં આવતા આનો વિવાદ થયો હતો. ખુબ વધારી દેવામાં આવેલી કિંમતો, સરકારી કંપની એચએએલને દૂર રાખવાની બાબત, અનિલ અંબાણીની કંપનીને દસો દ્વારા ઓફસેટ પાર્ટનર બનાવવા અને કથિતરીતે સુરક્ષા મામલાઓની મંત્રીમંડળની સમિતિની મંજુરી લીધા વગર વડાપ્રધાન મોદી દ્વારા સોદાબાજીના એલાનની જાહેરાતને લઇને વિવાદ થયો હતો. રાફેલ ડિલને લઇને કોંગ્રેસે ભારે વિવાદ મચાવ્યો હતો. મોદી સરકાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો મુક્યા હતા. કોંગ્રેસ પાર્ટી તરફથી રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ચોર જેવા શબ્દનો ઉપયોગ કર્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ ભારે અનિયમિતતાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અગાઉની સરકારે ૫૨૬ કરોડની કિંમત નક્કી કરી હતી જેની સામે વર્તમાન સરકાર ૧૬૭૦ કરોડ રૂપિયામાં આની ખરીદી કરી રહી છે. એચએએલને આમા કેમ સામેલ કરવામાં આવી ન હતી તે પણ મોટો પ્રશ્ન રહ્યો હતો.

(7:43 pm IST)