Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

પુલવામા હુમલો અને લોકસભા ચુંટણીના કારણે વૈષ્ણોદેવી યાત્રાની રોનક ઘટીઃ રોજના ૪૦ હજારને બદલે ૧૬ હજાર યાત્રાળુઓ

જમ્મુઃ પુલવામાં હુમલામાં થયેલા ધડાકાઓની ગુંજ વૈષ્ણોદેવી યાત્રા સુધી સંભળાઇ રહી છે. યાત્રાની થોડી ઘણી રોનક બાકી હતી તે લોકસભા ચૂંટણીના કારણે ઘટી ગઇ છે. જેના પરિણામે ઉનાળામાં રોજના ૪૦ થી ૪પ હજાર યાત્રાળુઓની સંખ્યા અત્યારે ૧૬ હજારે પહોંચી ગઇ છે.

વૈષ્ણોદેવી યાત્રામાં શ્રધ્ધાળુઓમાં ઘટાડો થવાનુ ચાલુ છે. બેઝ કેમ્પ કટરા, વૈષ્ણોદેવી ભવન અને યાત્રાનો માર્ગ સૂનો સૂનો જોવામાં આવી રહ્યો છે. શ્રધ્ધાળુ ઘટવાથી વેપારી વર્ગ પણ પરેશાન છે. જોકે, દર વર્ષે એપ્રિલથી ઓગસ્ટના અંત સુધી યાત્રાળુઓમાં વધારો થતો હોય છે. રોજ ૩પ થી ૪૦ હજાર શ્રધ્ધાળુઓ કટરા પહોંચતા હોય છે પણ આ વર્ષે પરિસ્થિતી વિપરીત દેખાઇ રહી છે.

ભારત પાકિસ્તાન વચ્ચેની તંગદિલી  પણ શ્રધ્ધાળુઓ ઘટવાનું એક કારણ છે. સરહદ પર તોપમારો વધ્યા પછી શ્રધ્ધાળુઓ ઘટવાનું એક કારણ છે. સરહદ પર તોપમારો વધ્યા પછી લોકો અહીં આવવામાં વિચાર કરે છે. પુલવામાં અને બનિહાલમાં થયેલ આત્મઘાતી હુમલાઓથી પણ લોકોમાં અસુરક્ષીતતાની લાગણી ઉત્પન્ન થઇ હતી. જેના કારણે શ્રધ્ધાળુઓમાં ઘટાડો નોંધાયો છે.

શ્રધ્ધાળુઓની સંખ્યામાં થયેલ ઘટાડાથી શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની આવકમાં ભારે ઘટાડો થયો છે. શહેરનો વેપારીવર્ગ પણ બહુ પરેશાન છે. તેમને આશા છે કે લોકસભા ચુંટણી પત્યા પછી તેમાં વધારો થશે. યાત્રા પર આવી રહેલા શ્રધ્ધાળુઓમાં મોટા ભાગના સ્થાનિકો છે. મોટા ભાગના લોકો બે જ કેમ્પ પહોંચીને સીધા યાત્રા શરૂ કરી દે છે અને માતા સમક્ષ માથુ નમાવ્યા પછી હોટલમાં રોકાયા વિના કે ખરીદી કર્યા વગર પાછા ફરી જાય છે. શ્રાઇન બોર્ડ અનુસાર જૂનમાં ચુંટણી પ્રક્રિયા પુરી થયા પછી અને વેકેશન પડયા પછી યાત્રાળુઓમાં વધારો થશે. અત્યારે તો શ્રાઇનબોર્ડ યાત્રાળુઓની સુવિધા વધારવા માટેનું કામ કરી રહ્યું છે.

(3:49 pm IST)