Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

૨૦૧૪માં મણીશંકર ઐયરે નિવેદનો કરી ભાજપ-મોદીને ફાયદો કરાવ્યોઃ ૨૦૧૯માં સામ પિત્રોડાએ કોંગ્રેસને મુશ્કેલીમાં મુકી દીધી

૨૦૧૪માં મણીશંકર ઐયરે મોદીને ચાયવાલા કહ્યા જેને ભાજપે ચૂંટણીનો મુદ્દો બનાવી જંગ જીતો લીધો : ૨૦૧૯માં પિત્રોડાએ પહેલા એર સ્ટ્રાઈક મામલે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ, હવે ૧૯૮૪ના શીખ રમખાણો વિશે બફાટ કર્યોઃ ભાજપે મુદ્દો બનાવ્યો

નવી દિલ્હી, તા. ૧૦ :. ૨૦૧૪માં કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરે બેફામ નિવેદનો કરી ભાજપ અને મોદીને ફાયદો કરાવ્યો હતો. તે જ રીતે આ વખતે ટેકનોક્રેટ અને કોંગ્રેસના સિનીયર નેતા સામ પિત્રોડાએ ભાજપ અને મોદીને ફાયદો થાય તેવા નિવેદનો કર્યા છે. લોકસભાની ચૂંટણીની ગરમાગરમી ચાલી રહી છે ત્યારે સામ પિત્રોડા વિવાદાસ્પદ નિવેદનો કરી કોંગ્રેસને બચાવ પક્ષમાં મુકી રહ્યા છે.

તાજેતરમાં જ કોંગી નેતા સામ પિત્રોડાએ ૮૪ના રમખાણો ઉપર એક નિવેદન આપ આગમાં ઘી નાખવાનું કામ કર્યુ છે. ભાજપ તેમના નિવેદનને એવી રીતે ઉછાળે છે જેવી રીતે ૨૦૧૪માં મણીશંકર ઐયરના નિવેદનને ઉછાળવામાં આવ્યુ હતું. દિલ્હીમાં અને પંજાબમાં હવે મતદાન છે. આ જ કારણોસર ભાજપ આ મુદ્દે ફ્રન્ટફુટ પર રમે છે તો તેનો પ્રયાસ કોંગ્રેસને બેકફુટ પર લાવવાનો છે.

૨૦૧૪માં મણીશંકરે મોદીને ચાયવાલા ગણાવ્યા હતા અને ભાજપે તેનો મુદ્દો બનાવી દીધો હતો. આ વખતે ચોકીદાર ચોર હૈનો નારો ઉછળ્યો તો ખુદ મોદી ચોકીદાર બની ગયા, પરંતુ ચૂંટણીના અંતમાં પિત્રોડાએ ૧૯૮૪ના રમખાણો પર ટિપ્પણી કરતા કહ્યુ કે ૮૪માં જે થયુ તે થયું આ વખતે ભાજપ વિફરી છે અને કોંગ્રેસ વિરૂદ્ધ હલ્લાબોલ કર્યુ છે. જો કે પિત્રોડાએ કહ્યુ હતુ કે ભાજપ સતત ખોટુ બોલે છે પહેલા અમને ખોટા કહ્યા હવે કાલે તમારા પર ખોટુ કરશે. ૧૯૮૪નો મુદ્દો શું છે ? તમે વાત તો કરો ? તમે પાંચ વર્ષમાં શું કર્યુ ?

તેમના આ નિવેદનને લઈને ભાજપ પંજાબ અને દિલ્હીમાં દેખાવ કરે છે. દિલ્હીમાં આજે પ્રચારનો આખરી દિવસ છે પરંતુ ભાજપે આ મુદ્દાને આક્રમકતાથી લીધો છે. જેને કારણે કોંગ્રેસ બેકફુટ પર આવી ગયેલ છે.

પિત્રોડાના નિવેદન બાદ અમિત શાહે ટ્વીટ કરી તેમની પાસે જવાબ માંગ્યો હતો. નકવીએ પણ તેમને ઘેર્યા હતા. અત્રે નોંધનીય છે કે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ જ્યારે તેમણે કહ્યુ હતુ કે, એક હુમલાને કારણે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ઠેરવી ન શકાય ત્યારે પણ ભાજપે તેમને ઘેર્યા હતા. પિત્રોડાએ એમ પણ કહ્યુ હતુ કે એર સ્ટ્રાઈકનો ફેંસલો યોગ્ય નહોતો. જો કે બાદમાં કોંગ્રેસે તેમના નિવેદન સાથે અસંમતિ દર્શાવી હતી.

(3:30 pm IST)