Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

હરિયાણામાં ગામના નામ છે ચોરપુર, સાધુપુર, કુત્તાબાદ, દુર્જનપુર : બોલતા પણ શરમ આવે

હસવું આવે, શરમ આવે, આશ્ચર્ય થાય એવા છે નામ

ચંડીગઢ તા. ૧૦ : અમેરિકાના પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન જયોર્જ કાર્લિને કહ્યું હતું કે નામમાં થોડી ભાવના જોડાયેલી હોવી જોઈએ. આ વાત હરિયાણા કેટલાક ગામના લોકો સારી રીતે અનુભવે છે. કેમ કે તેમના ગામનું નામ તેની ભાવના સાથે મેળ ખાતું નથી. હરિયાણામાં કેટલાક ગામના નામ એવા છે કે જાણીને આશ્ચર્ય પણ થાય, હસવું પણ આવે અને સાથે જ શરમજનક સ્થિતિનો પણ અનુભવ થાય.

હરિયાણાના કેટલાક ગામના નામ આવા છે, જેમ કે, કુત્તાબાદ, કુતિયાવાલી, કુતિયાખેડી, લુલા, અહિર, દુર્જનપુર, ચોરાપુર અને કિન્નાર. આ ગામના લોકોનું કહેવું છે કે તેઓ આ નામ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ અનુભવતા નથી. ગામના લોકો આ નામને શરમજનક માને છે અને દુર્જનપુર(જયાં ખરાબ લોકો રહે છે)નું નામ બદલીને સજ્જનપુર (જયાં સારા લોકો રહે છે) કરવા માગે છે. ચોરપુર(એવી જગ્યાં જયાં ચોર રહે છે)નું નામ સાધુપુર(જયાં સારા લોકો રહે છે) કરવા માગે છે.

નામ બદલવાની પ્રક્રિયા પણ કોઈ સરળ કામ નથી. આ એક લાંબી પ્રક્રિયા છે. જેમાં રાજય મંત્રીમંડળની મંજૂરીથી માંડીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી લેવાની રહે છે. હરિયાણાના સિરસા જિલ્લાના કુત્તાબાદ ગામના રહીશો છેલ્લા એક દાયકાથી મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાનો પ્રતિનિધિ મોકલી રહ્યા છે.

આ ગામના અમન સિંહ બરારે જણાવ્યું કે, 'અગાઉ આ એક નાનકડું ગામ હતું અને તેને ઢાણી કહેવાતું હતું. અહીં કુતરા વધુ હતા અને લોકોને કરડતા હતા, આથી બધાએ તેનું નામ કુત્તાબાદ રાખી દીધું. કુતરા શબ્દનો ઉપયોગ મોટાભાગે ગાળ આપવા માટે થતો હોય છે. અમને સારું નામ જોઈએ છે.' ગામના લોકો તેનું નામ 'પ્રેમ નગર' રાખવા માગે છે.

એ જ રીતે હિસારના 'કુતિયાંવાલી'નું નામ પણ લોકો બદલવા માગે છે. આઝાદી પહેલા આ ગામ પંજાબનો એક ભાગ હતું અને તેનું નામ શહજાદપુર હતું. પૂર્વ સરપંચ બીર સિંહે જણાવ્યું કે, 'એક અંગ્રેજ અધિકારી આ ગામમાં આવ્યો હતો અને તેને એક કુતરીએ બચકું ભરી લીધું. તે ગુસ્સો થયો અને તેણે આ ગામનું નામ કુતરી પર રાખવાનો આદેશ આપી દીધો હતો.'

(2:49 pm IST)