Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

બિહાર : ૩.૫ લાખ કોન્ટ્રાકટ શિક્ષકોને સુપ્રીમના નિર્ણયથી લાગ્યો ઝટકો

૨૦૧૭માં પટણા હાઇકોર્ટે બિહાર માધ્યમિક શિક્ષક સંઘની તરફેણમાં ચુકાદો આપ્યો હતો

નવી દિલ્હી તા. ૧૦ : બિહારના સાડા ત્રણ લાખ કોન્ટ્રાકટ શિક્ષકોને સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે કોન્ટ્રાકટ શિક્ષકોને સમાન કામના બદલે સમાન વેતન આપવાનો ઇન્કાર કરતા બિહાર સરકારને મોટી રાહત આપી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે પટણા હાઇકોર્ટના નિર્ણયને પલટી દીધો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બિહારના ૩.૫ લાખ કોન્ટ્રાકટ શિક્ષકોને મોટો ઝટકો લાગ્યો છે.

હકીકતમાં આ નિર્ણય પર અનેક શિક્ષકોની નજર હતી. બિહારના કોન્ટ્રાકટ શિક્ષકો માટે દિલ્હીમાં અનેક નેતાઓ કામે લાગ્યા હતા. શિક્ષકો સાથે જોડાયેલા આ કેસની અંતિમ સુનાવણી જસ્ટિસ અભય મનોહર સપ્રે અને જસ્ટિસ ઉદય રમેશ લલિતની ખંડપીઠે ગત વર્ષે ત્રીજી ઓકટોબરના રોજ કરી હતી, જે બાદમાં નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો.

સાત મહિના પછી આવેલા આ ચુકાદાની અસર બિહારના સાડા ત્રણ લાખ શિક્ષકો અને તેના પરિવારો પર પડશે. બિહારમાં કોન્ટ્રાકટ શિક્ષકોનો પગાર હાલ ૨૨દ્મક ૨૫ હજાર છે. જો કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં આવતો તે તેમનો પગાર રૂ. ૩૫થી ૪૦ હજાર થઇ જાત. દેશના દિગ્ગજ વકીલોએ સુપ્રીમ કોર્ટમાં શિક્ષકોની પક્ષ રાખ્યો હતો. આ લડાઈ ૧૦ વર્ષ જૂની છે. વર્ષ ૨૦૦૯માં બિહાર માધ્યમિક શિક્ષક સંઘે પટના હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે કોન્ટ્રાકટ શિક્ષકો માટે 'સમાન કામ - સમાન વેતન' લાગૂ કરવામાં આવે.

આઠ વર્ષ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ પટના હાઇકોર્ટે વર્ષ ૨૦૧૭માં પોતાનો નિર્ણય બિહાર માધ્યમિક શિક્ષક સંઘની તરફેણમાં આપ્યો હતો. કોર્ટે પોતાના હુકમમાં કહ્યું હતું કે બિહારમાં કોન્ટ્રાકટ પર કામ કરતા શિક્ષકોને સમાન કામ માટે સમાન વેતન મળવું જોઈએ. પટના હાઇકોર્ટના આ ચુકાદાની વિરુદ્ઘમાં બિહાર સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.

(2:48 pm IST)