Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

પુસ્તક વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ઓનલાઈનઃ www.aipub.in વેબસાઈટ લોન્ચ

માર્કેટીંગ અને વિતરણ માટે 'અકિલા' આગવો ચીલો શરૂ કરી રહયું છે. 'અકિલા ઇન્ડીયા પબ્લીકેશન્સ'ના પ્રકાશીત પુસ્તકો માત્ર ઓન લાઇન જ ખરીદી  શકાશે. પુસ્તકોની દુનિયામાં પુર્ણપણે ઓનલાઇન નેટવર્ક ધરાવતું આ પ્રથમ પ્રકાશન ગૃપ બનશે. આ માટે અકિલા www.aipub.in વેબસાઇટ શરૂ કરી છે. જેનું પણ વિધિવત લોન્ચીંગ સમારોહમાં થઇ ચુકયું છે.

અકિલા ઇન્ડીયા પબ્લીકેશનન્સ વિશેષતાઓથી ભરપુર છે. માત્ર ગુજરાતી ભાષાના જ પુસ્તકો પ્રકાશીત કરવાનો ધ્યેય નથી. કોઇ પણ ભાષાનું શ્રેષ્ઠ સર્જન શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશીત થશે. એવી વ્યાપક માન્યતા છવાયેલી છે કે મોબાઇલ ટીવી જેવા વિજાણુ માધ્યમોના આગમનથી પુસ્તકના વાચકો ઘટયા છે. અકિલા માને છે કે વાચકને ઉપયોગી જરૂરીયાત પ્રમાણેનું શ્રેષ્ઠ સાહિત્ય પોસાય, તેવી કિંમતે સરળતાથી ઉપલબ્ધ કરાવાય તો વાચકોની અછત ન રહે. આ માટે  'અકિલા ઇન્ડીયા પબ્લીકેશન્સ', સનિષ્ઠ પ્રયાસ કરશે.

પુસ્તક પ્રકાશનની દુનિયાના આ આગવા પ્રયોગની વિગતો www.aipub.in  પર ઉપલબ્ધ છે. અખાત્રીજના દિવસથી પુસ્તક પ્રકાશન ક્ષેત્રની નવી દુનિયાનો ઉઘાડ થઇ ચુકયો છે. સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ ફેસબુક  પેઇજ facebook.com/akilanews  પર પણ થયું હતું. જેને અસંખ્ય ભાવકોએ માણ્યો છે.

ગુજરાતી સંગ્રહમાં ૫૧ ગુજરાતી ગઝલ અને ૫૧ ગુજરાતી શેર

કવિ મિલિન્દ ગઢવીએ જે બે કાવ્ય સંગ્રહ રચ્યા છે તેમાં 'રાઇજાઇ' ગુજરાતી ગઝલ સંગ્રહ છે. જેમાં ૫૧ ગુજરાતી ગઝલ અને ૫૧ ગુજરાતી શેર છે. રાઇજાઇનો અર્થ અંગત વ્યકિત સાથે કરવામાં આવેલી અંગત વાતચીત એવો થાય છે. આ શબ્દ લોકપરંપરામાં અને મુખ્યત્વે સોરઠી ચારણોમાં વિશેષ બોલાતો શબ્દ છે. 'ગઝલ' એટલે પણ પ્રિયપાત્ર સાથેની ગુફતગૂ એવો અર્થ થાય છે. આમ આ બંને શબ્દો પર્યાય જેવા છે. ગઝલોમાં માનવ સંવેદનો મુખ્ય છે. એમ લાગે કે કવિ પોતાની અને વાચકની અંગત વાત કરી રહ્યા છે. એટલે કે આ સર્જક અને ભાવક વચ્ચેની રાઇજાઇ છે.

'નન્હે આંસૂ'માં ૭૫ હિન્દી ત્રિપદી (ત્રણ પંકિતના કાવ્યો)નો સમાવેશ

. નન્હે આંસૂ એ હિન્દી કાવ્ય સંગ્રહ છે. જેની પ્રસ્તાવના ભારતના સુપ્રસિધ્ધ શાયર પ્રો. વસીમ બરેલવીએ લખી છે. આ સંગ્રહમાં ત્રણ પંકિતની ૭૫ કવિતાઓ છે. અનેક વિષયો છે, પરંતુ મુખ્યત્વે સંબંધોના આયામોને પ્રગટ કરતી કવિતાઓ છે. માત્ર ત્રણ પંકિતઓમાં જીવનની અને માનવ સંબંધોની ખાટી-મીઠી-કડવી વાતો છે. ઓછા શબ્દોમાં આલેખાયેલી ગહન અને ગંભીર અભિવ્યકિત છે.

પિતાશ્રીના નિધન બાદ સર્જાયેલો ખાલીપો સર્જનનું કારણ બન્યો

. કવિ મિલિન્દ ગઢવીના પ્રથમ બે પુસ્તકો રાઇજાઇ અને નન્હે આંસૂનું અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ દ્વારા પ્રકાશન થયું છે. મિલિન્દ ગઢવી જુનાગઢના છે અને સમઢીયાળા ગીર ખાતે ગ્રામીણ બેંકમાં મેનેજર છે. એમબીએ થયેલા મિલિન્દભાઈ કોમર્સને બદલે સાહિત્યક શબ્દોથી ધબકતુ વ્યકિતત્વ ધરાવે છે. તેઓ કહે છે વ્યકત થવાની ઈચ્છાથી કલાનો જન્મ થાય છે. નાની વયે મારા જીવનમાં ખાલીપો સર્જાયો હતો. પિતાશ્રીની વિદાય બાદ ખાલીપાનો અનુભવ થયેલો. આ સંજોગોમાં વ્યાપકરૂપે વ્યકત થવા શબ્દો આલેખનનો સહારો લીધો અને લેખન કલાના માર્ગે સર્જનની સાધના શરૂ થઈ ગઈ.

(1:16 pm IST)