Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

'અકિલા'એ આલેખ્યો અનોખો ઈતિહાસઃ કવિ મિલિન્દ ગઢવીના 'રાઇજાઇ' અને 'નન્હે આંસૂ' કાવ્યગ્રંથોના લોકાર્પણ સાથે 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'નો અખાત્રીજે ધમાકેદાર 'આરંભ'

સતયુગના આરંભના દિવસે શરૂ થયેલી 'અકિલા'ની 'શબદ' ભણીની સફર બ્રહ્મ ભણીની સફર બની રહેશે- પૂ. મોરારીબાપુના આશીર્વચનઃ'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'થી સમગ્ર ગુજરાતના સાહિત્ય જગતને લાભ મળશે- વિજયભાઇ રૂપાણી

હેમુ ગઢવી હોલ ખાતે પૂ. મોરારીબાપુ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, કવિ સંજુ વાળા, કટાર લેખક જય વસાવડાની ઉપસ્થિતિમાં 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન'ના લોગોનું રિમોટ કન્ટ્રોલથી લોન્ચીંગઃ 'અકિલા'ના મોભીઓ કિરીટભાઇ ગણાત્રા-અજીતભાઇ ગણાત્રા-રાજુભાઇ ગણાત્રા અને વેબ એડિશનના એડિટર નિમિષભાઇ ગણાત્રા ઉપર શુભેચ્છાઓનો ધોધ વરસ્યોઃ અક્ષય તૃતિયાના દિવસે 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'એ જે કાર્ય આરંભ્યુ છે તે ચોક્કસ દીપી ઉઠશેઃ આ કાર્ય માટે હું અકિલા પરિવારના વડિલ શ્રી કિરીટભાઇ ગણાત્રા અને તેમના સમગ્ર પરિવારને શુભેચ્છા પાઠવું છું: પૂ. શ્રી મોરારીબાપુ

રિમોટ કન્ટ્રોલથી 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન'ના લોગોનું લોન્ચીંગ થયું: હેમુ ગઢવી હોલ ખાતે મંગળવારે અખાત્રીજના શુભ દિને યોજાયેલા 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'ના આરંભમાં   ડિઝીટલ ટેકનિકનો ઉપયોગ કરી લોગોનું લોન્ચીંગ રિમોટ કન્ટ્રોલથી કરવામાં આવ્યું હતું. પૂ. શ્રી મોરારીબાપુ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે રિમોટ કન્ટ્રોલથી લોગોનું લોન્ચીંગ કરવામાં આવતાં સમગ્ર હોલમાં ઉપસ્થિત આમંત્રિતોએ તાળીઓના ગડગડાટથી હોલ ગજવી મુકયો હતો. તસ્વીરમાં લોગો તથા 'અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા અને શ્રી નિમિષભાઇ ગણાત્રા પણ જોઇ શકાય છે.

આરંભ-શુભારંભઃ કવિ, લેખકો, વિવેચકોને તક આપવાના હેતુ સાથે અખાત્રીના પવિત્ર દિવસે 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સ'નો હેમુ ગઢવી હોલ ખાતે લોગો લોન્ચ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો.  આ પ્રસંગે કવિ મિલિન્દ ગઢવીના બે પુસ્તકો રાઇજાઇ અને નન્હે આંસૂનું લોકાપર્ણ કરાયું હતું. તસ્વીરમાં ડાબેથી  અકિલા ઇન્ડિયા પબ્લીકેશન્સનો આરંભ કરવાનો જશ જેમને ફાળે જાય છે તે શ્રી નિમિષભાઇ ગણાત્રા, બાજુમાં કવિ મિલિન્દ ગઢવી તેમની પુત્રી મહેર સાથે, સાથે શ્રીમતિ દિશા ગઢવી તથા વચ્ચે અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, પૂ. શ્રી મોરારીબાપુ, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, કવિ શ્રી સંજુ વાળા તથા કટાર લેખક શ્રી જય વસાવડા પુસ્તકોનું વિમોચન કરતાં નજરે પડે છે. અન્ય તસ્વીર હેમુ ગઢવી હોલમાં હકડેઠઠ મહેમાનો-આમંત્રિતો-ભાવકો જોઇ શકાય છે.

રાજકોટ તા. ૮: 'આજે અક્ષય તૃતિયા એટલે સતયુગના આરંભનો દિવસ, અને આજના આ દિવસે શરૂ થયેલી 'અકિલા'ની 'શબદ' ભણીની સફર બ્રહ્મ ભણીની સફર બની રહે' તેવી શુભકામના...'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'ના આરંભથી સમગ્ર ગુજરાતના સાહિત્ય જગતને લાભ મળશે...આવી શુભેચ્છાઓનો ધોધ પૂ. શ્રી મોરારીબાપુ અને અતિથિ વિશેષ પદેથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અખાત્રીજના દિવસે હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'ના ધમાકેદાર આરંભ પ્રસંગે વરસાવ્યો હતો. એ પ્રસંગે જુનાગઢના યુવાકવિના  મિલિન્દ ગઢવીના બે પુસ્તકોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

અક્ષય તૃતિયા, પરશુરામ જયંતિ, ગંગા અવતરણ દિવસ અને મહાભારત લખવાના પ્રારંભના દિવસના સમન્વય રૂપ દિવસે ગઇકાલે 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'નો હેમુ ગઢવી હોલ ખાતે ધમાકેદાર દબદબાભેર પ્રારંભ થયો હતો. જુનાગઢના યુવા કવિ મિલિન્દ ગઢવીના બે કાવ્યગ્રંથો 'રાઇજાઇ' તથા 'નન્હે આંસૂ'ના સોૈ પ્રથમ પ્રકાશન સાથે અકિલા ઇન્ડિયા પબ્લીકેશને નવા ક્ષેત્રે 'આરંભ' કર્યાની આ શુભ ઘડીને વધાવતાં વિશ્વવંદનીય પ્રખર રામાયણી પૂ. મોરારીબાપુએ જણાવ્યું હતું કે- 'અકિલાની શબ્દ ભણીની આ સફર બ્રહ્મ ભણીની સફર બની રહેશે. વિવેક દાખવવો એ અખબારનો ધર્મ બની રહે છે ત્યારે આવો વિવેક દાખવીને 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ' જે પ્રકાશીત કરવા જઇ રહ્યું છે તેને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું.'

એ જ રીતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ 'અકિલા'ના આ સાહસને વધાવતાં કહ્યું હતું કે-અકિલાએ હમેંશા કર્તવ્યનિષ્ઠા અને નિષ્પક્ષકતાથી બીજા કરતાં અલગ રીતે એક અખબાર તરીકે જવાબદારી નિભાવી છે. હવે 'અકિલા' લેખકો, કવિઓ, વિવેચકોને તક આપવા જઇ રહ્યું છે તે ખુબ મોટી વાત છે. સમગ્ર ગુજરાતને આ પ્લેટફોર્મનો લાભ મળશે. સંસ્કાર અને સાહિત્ય કલામાં ગુજરાત સમૃધ્ધ થશે. અખબારમાં જેમ દરેક નાના સમાચારને સ્થાન મળે છે તેમ પ્રકાશન ક્ષેત્રે પણ 'અકિલા' સોૈને તક આપશે એ સત્ય છે.

રિમોટ કન્ટ્રોલથી 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન'ના લોગોનું લોન્ચીંગ થયું

હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા આ અવસરે  ડિઝીટલ ટેકનિકનો ઉપયોગ કરી પૂ. શ્રી મોરારીબાપુ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રિમોટ કન્ટ્રોલથી 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'ના લોગોનું લોન્ચીંગ કરવામાં આવતાં સમગ્ર હોલમાં ઉપસ્થિત આમંત્રિતોએ તાળીઓના ગડગડાટથી હોલ ગજવી મુકયો હતો.

ચિ. ધન્વી અને ચિ. માહીએ કર્યુ પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,  શ્રીમતિ અંજલીબેન રૂપાણી, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી, કવિ શ્રી સંજુ વાળા, કટાર લેખક જય વસાવડાએ ઉપસ્થિત રહી 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'ના આરંભને આવકારી અનેરી શુભેચ્છાઓ વરસાવી હતી. આ મહાનુભાવોનું અકિલા પરિવાર વતી શ્રી નિમિષભાઇ ગણાત્રાની લાડકી સુપુત્રીઓ ચિ. ધન્વી ગણાત્રા અને ચિ. માહી ગણાત્રાના હસ્તે પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું.

વિરલ રાચ્છનું અનેરૂ સંચાલન

સંચાલક વિરલ રાચ્છે આ ઐતિહાસિક કાર્યક્રમ જેમના વિચારબીજથી આયોજીત થયો તેવા 'અકિલા'ના વેબ એડિશનના એડિટરશ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે હળવી શૈલીમાં થોડી પ્રશ્નોત્તરી કરી હતી. વિરલે પુછ્યું હતું કે, '૪૨ વર્ષથી અકિલા પ્રસારીત થાય છે, એ વચ્ચે પ્રકાશનનો શોખ કઇ રીતે જાગ્યો?' તેના જવાબમાં શ્રી નિમિષભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું કે-પ્રકાશન એ તો અમારી ગળથુંથીમાં વણાયેલું છે. પરંતુ વડિલોનો એવો આગ્રહ હતો કે હું કંઇક નવું કરું. બસ ત્યારથી હું કંઇક નવું કરવા માટે વિચારી રહ્યો હતો. ત્યાં એક દિવસ મારા મિત્ર હિરેન સાથે કોફી પીતી વખતે હિરેને મને પબ્લીકેશનનું કાર્ય હાથ ધરવા અને ઉગતા-નવા કવિઓ, લેખકોને પ્લેટફોર્મ પુરૂ પાડવાની વાત કરી અને મેં ત્યારે જ 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ' એવું નામ નક્કી કરી લીધું અને મિલિન્દ ગઢવીના બે પુસ્તકોનું લોકાર્પણ કરવાનું પણ નક્કી કરી લીધું. આમ 'કોફી વિથ હિરેન' આ આખા કાર્યક્રમનો વિચારબીજ બની રહ્યું.

શ્રી નિમિષભાઇએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ થકી આજે મિલિન્દ ગઢવીના હિન્દી અને ગુજરાતી એમ બે પુસ્તકોનું પબ્લિકેશન્સ થયું છે અને તેને ઓનલાઇન વેબ સાઇટ પર વેંચાણ માટે મુકાયા છે. જો કે હજુ આગામી દિવસોમાં અંગ્રેજી ભાષાના પુસ્તકો પણ બહાર પાડવાની અમારી તૈયારી છે. અકિલા પબ્લિકેશન્સના માધ્યમથી તમામ જોનરના લેખકો, કવિઓ, વિવેચકોના સર્જનને તક આપીશું.

જુનાગઢની ગઝલોને નવા ગઢ સુધી લઇ જવા પ્રતિબધ્ધ થયેલો કવિ એટલે મિલિન્દ ગઢવી

કાર્યક્રમના બીજા દોરમાં સંચાલનને આગળ ધપાવતાં પ્રણવ પંડ્યાએ કહ્યું હતું...શબ્દ ગુંજે શુકન થવા લાગે, અડધી રાતે ભજન થવા લાગે, કંઇક તો છે જ છે તળેટીમાં પગ મુકો ને નમન થવા લાગ છેે...જુનાગઢની ધરતીને સદાય સાચા શબ્દોના શુકન થતાં રહ્યા છે. મિલિન્દ ગઢવી પણ જુનાગઢના છે. કયારેક સ્વજન થઇને, કયારેક પદ થઇને, કયારેક ગીત થઇ તો કયારેક ગઝલ થઇ ગુંજતો શબ્દ ફરી ફરીને નવો કદ, નવો તાલ અને અને નીતનવા કરતાલ મેળવતો રહ્યો છે. જુનાગઢનો નવો શબ્દ વર્તમાનમાં જેની કલમની આસપાસ રવેડી કાઢે છે, એ કવિ વિશે કહેવાનું મન થાય કે લાગણી શાહી સાથે  લઢવી છે, પ્રેમ પારાયણો જ પઢવી છે, કામ છે કંઇ નવું સર્જવાનું, નામ એનું મિલિન્દ ગઢવી છે...મિલિન્દ એટલે એવો કવિ જે જુનાગઢની ગઝલને નવા ગઢ સુધી લઇ જવા માટે પ્રતિબધ્ધ થયો છે. તે કવિ તો છે જ, સાથે ઉત્તમ સંચાલક પણ છે. આવા મિલિન્દ ગઢવીના બંને પુસ્તકો 'રાઇજાઇ' અને 'નન્હે આંસૂ'નું લોકાપર્ણ શ્રીમતિ દિશા ગઢવી અને ચિ. મહેર ગઢવીની ઉપસ્થિતિમાં થયું હતું.

આ તકે પ્રણવે 'રાઇજાઇ'નો અર્થ શું? તે સમજાવતાં કહ્યું હતું કે-રાઇજાઇ એટલે એકાંતમાં પ્રિયજન સાથે થતી નાની મોટી વાતોની આપલે. ગઝલનો અર્થ પણ પ્રિયતમા સાથેની વાતચીત એવો થાય છે. આમ રાઇજાઇ એટલે ગોષ્ઠી. કાર્યક્રમની વચ્ચે કવિ મિલિન્દ ગઢવીની રસપ્રદ રચનાઓની ઓડિયો વિઝયુઅલ પ્રસ્તુતી કરવામાં આવી હતી.

કવિ સંજુ વાળાએ ખોલ્યું 'પી.એસ. મિલિન્દ ગઢવી'નું રહસ્ય

મિલિન્દ ગઢવીના પુસ્તકની પ્રસ્તાવના લખનાર કવિ શ્રી સંજુ વાળાએ પોતાના વકતવ્યની શરૂઆત મોરારીબાપુની વંદનાથી કરી હતી. તેઓએ મિલિન્દ માટે વપરાતા 'પી.એસ.'નું રહસ્ય અહિ ખુલ્લુ કર્યુ હતું. પૂ. મોરારીબાપૂએ મિલિન્દના  પુસ્તકની પ્રસંશામાં 'હમારે પરમ સ્નેહી મિલિન્દ ભૈયા' એવું સંબોધન કર્યુ હતું. જે ખુબ લાંબુ લાગતાં અમોએ તેનું ટુંકુ પરમ સ્નેહીમાંથી પી.એસ. મિલિન્દ કરી નાંખ્યું હતું. મિલિન્દ બે ભાષામાં લખતો કવિ છે. જેટલો ગંભીર છે તેટલો હળવો પણ છે. મોૈનનો ઉત્સવ ઉજવતો કવિ છે. સુગંધ અને મધુમાલતી વચ્ચે અટવાયેલો કવિ છે. તેનું રાઇજાઇ પુસ્તક એટલે મારી દ્રષ્ટીએ ચર્ચા કે ગોષ્ઠી. ગુજરાતી ગઝલને આ 'રાઇજાઇ' જેવો નવો આયામ મળ્યો છે, એ માટે 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'ને હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું.

મિલિન્દની નન્હે આંસૂની રચનાઓનો અંત વિંછીના ડંખ જેવોઃ જય વસાવડા

ત્યારબાદ કટાર લેખક જય વસાવડાએ બીજા પુસ્તક 'નન્હે આંસૂ'નું વિશ્લેષણ કર્યુ હતું. તેણે હળવી શૈલીમાં શરૂઆત કરતાં કહ્યું હતું કે અહિ અડધુ જુનાગઢ અને અડધુ રાજકોટ ઉપસ્થિત છે. જય વસાવડાએ કહ્યું હતું કે નન્હે આંસૂની દરેક રચનાઓનો અંત ચોંટદાર છે. જેમ વિંછીના પુછડે ડંખ હોય છે તેમ મિલિન્દની આ રચનાઓની છેલ્લી પંકિત સ્કોર્પિયન પંચ જેવી છે. ત્યારે અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સએ આવું સરસ પુસ્તક પ્રકાશીત કરી પ્રકાશન રૂપી નભમાં નવો પ્રકાશ રેલાવ્યો છે.

કાર્યક્રમ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ ઉપસ્થિત સોૈ કવિતાઓના રંગે રંગાતા ગયા હતાં, તો અમુક વખતે ખડખડાટ હાસ્ય વેરાતું રહ્યું હતું.

મિલિન્દ સમાજને રાહ બતાવતો કવિ છેઃ ભીખુદાનભાઇ ગઢવી

ત્યારબાદ પદ્દમશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ કહ્યું હતું કે મિલિન્દના પિતા ભરતભાઇ ખુબ સારા ફિલોસોફર હતાં. એટલે મિલિન્દને પિતાનો વારસો મળ્યો છે. અમારે તો ભાણેજ થાય એટલે અનેકવાર મળવાનું થતું હતું. પુસ્તકનું અનાયાસે નામ રાઇજાઇ આવ્યું છે, પણ ભરતભાઇ સાથે રાઇજાઇ ખુબ થતી તેના સોૈ સાક્ષી છે. કવિ ગમે ત્યાંથી કંઇક ગોતી સમાજને રાહ બતાવે છે, મિલિન્દ એવો જ એક કવિ છે. ગામડાનો અભણ માણસ પણ સોૈને કંઇક સમજાવે છે. ભીખુદાનભાઇએ એક દાખલો આપતાં કહ્યું હતું કે ગામડાનો માણસ ખુબ અલિપ્ત રહી શકે છે. એક વૃધ્ધ તેના દિકરાઓને કહે છે કે મને હવે નિરાંતે મરવા દેજો, એક મને એમ ન કહેતા કે બાપા ઓળખો છો?...તમને આખી જિંદગી ઓળખ્યા, હવે જેને ઓળખવાના છે એને ઓળખવા દ્દયો.

'અકિલા'નો હું જુદી રીતે આભારી છું...કવિતા મારા માટે 'મોજ'નું કામઃ મિલિન્દ

બધી માયા સમેટીને કવિ ચૂપચાપ બેઠા છે, ઉખાણાને ઉકેલીને કવિ ચૂપચાપ બેઠા છે, હવે કયાં શબ્દ જેવું કંઇ બચ્યું છે કંઠને માટે, વિણાનો તાર છેડીને કવિ ચૂપચાપ બેઠા છે... સમગ્ર કાર્યક્રમનો હાર્દ જેના પર રહેલો હતો તેવા જુનાગઢના કવિ મિલિન્દ ગઢવીએ વકતવ્યનો દોર 'પાળ્યો તે ઘણા પ્રેમથી માડી, કોઇ નો પાળે કાગ...ભજુ તને સોનલમા ભેડીયાવાળી રે...' તેમ કહી માતાજીની સ્તુતી રજૂ કરી હતી. તેણે એ પછી કહ્યું હતું કે હું નવી કવિતા લખુ એટલે ઇચ્છા થાય કે બાપુને સંભળાવું, આજે તો તેઓ અહિ રૂબરૂ હાજર છે. પણ એ સામે ન હોય ત્યારે કલ્પના ચિત્રને કવિતા સંભળાવું છું. મારી કવિતાને તો લોકોએ પ્રેમ કર્યો છે, પણ મને એવું લાગે છે કે બાપુ મને પ્રેમ કરે છે એટલા માટે લોકો મને પ્રેમ કરે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિથી હું ગદ્દગદિત થયો છું. મારી કેફિયતમાં એટલુ જ કહેવાનું છે કે 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન'નો હું જુદી રીતે આભારી છું. મારી દિકરી મહેરનો ૩ ફેબ્રુઆરીના રોજ સવારે જન્મ થયો અને એ જ દિવસે બપોરે નિમિષભાઇનો અચાનક જ ફોન આવ્યો કે તમારા બે પુસ્તકો 'અકિલા' પ્રકાશીત કરશે. આમ મહેર અમારા માટે મહેર બનીને આવી.

'અકિલા પરિવાર'નો હું આભારી એ માટે પણ છું કે સોૈ કોઇ પોતાનો પ્રસંગ હોય એ રીતે હાજર રહ્યા છે. મિલિન્દે કહ્યું હતું કે કેટલાક કવિઓ માટે કવિતા ખોજનું, કેટલાક માટે રોજનું તો મારા માટે મોજનું કામ છે. કવિતા શબ્દોને ઢોળી નાંખી ત્યારે નહિ પણ ઢંઢોળી નાંખી ત્યારે બને છે. હું કોઇને ઇમ્પ્રેસ કરવા માટે નહિ, મારી જાતને એકસપ્રેસ કરવા કવિતાઓ લખુ છું. ઓશો કહેતાં કે- શબ્દની નિરર્થકતા સમજાય પછી વ્યકિત પાસે બે વિકલ્પ હોય છે, કાં તો એ મોૈન થઇ જાય...કાં તો એ કવિ થઇ જાય. મને લાગે છે કે મં બીજો વિકલ્પ પસંદ કર્યો છે.

નિમિષભાઇ નવું  કરવાની ખેવના ધરાવે છે, પ્રકાશનના આરંભથી અનેકને તક મળશેઃ વિજયભાઇ રૂપાણી

સમારોહ આગળ વધતાં અતિથિ વિશેષ પદે ખાસ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે 'અકિલા થકી અખબારી જગત ક્ષેત્રે ક્રાંતિ આવી છે એ સોૈ કોઇ જાણે છે. અકિલાએ જે રીતે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી તે બીજા કરતાં અલગ છે. અકિલાએ સાંજના દૈનિકની પહેલ કરી લોકોને સાંજનું છાપુ વાંચતા કરી દીધા હતાં. પોતાના સ્વાર્થ માટે નહિ, યલ્લો જર્નાલિઝમ નહિ...પણ અકિલાએ મુલ્યોની જાળવણી કરી બતાવી છે. શ્રી કિરીટભાઇ અને શ્રી અજીતભાઇએ આ ક્ષેત્રે જે કર્યુ એના કરતાં વિશેષ હવે નિમિષભાઇ કરી રહ્યા છે. એ નવું કરવાની સતત ખેવના ધરાવે છે. દેશના સિમાડા વટાવી છેક અમેરિકામાં અકિલાની રાહ જોવાતી હોય તેવી સરસ વેબસાઇટ નિમિષભાઇએ વિકસાવી છે. આજે ખુબ સારા દિવસે પુસ્તક પબ્લીકેશન થયું એ તો માત્ર નવો આરંભ છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે આ પ્રકાશન અવિતર થતું રહેશે અને તેના થકી અનેક લેખકો, કવિઓ, વિવેચકોને તક મળતી રહેશે. દરેકને પ્રોત્સાહન આપવું એ અકિલાની આગવી ઓળખ બની રહે છે. જેમ નાનામાં નાના સમાચાર અકિલામાં છપાય છે તેમ આ પ્રકાશનમાં પણ નવોદિતોને તક મળી રહેશે. આવનારા દિવસોમાં અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સથી સમગ્ર ગુજરાતના સાહિત્ય જગતને લાભ મળશે અને આ ક્ષેત્રે ગુજરાત સમૃધ્ધ થશે તેવો મને વિશ્વાસ છે.

બે પુસ્તકો સ્વયં આશીર્વાદ આપશે, એમાં શબ્દ બ્રહ્મ છેઃ પૂ.મોરારી બાપુ

સમારોહના અંતિમ ચરણમાં વિશ્વ વિખ્યાત કથાકાર વંદનીય સંત પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે આજના મંગળ ઉત્સવે મિલિન્દ ગઢવીના ગુજરાતી અને હિન્દી ભાષાના બે કાવ્યગ્રંથના લોકાર્પણ સાથે શબ્દ ભણી સફરનો શુભારંભ થયો છે. અખબાર શબ્દ વિશે કવિવર ટાગોરજીએ કરેલા વિશ્લેષણને અહિ રજૂ કરતાં બાપુએ જણાવ્યું હતું કે 'અ'-એટલે અભય બનીને લખે તે, 'ખ'-એટલે ખરૂ જ લખે તે, 'બા'-એટલે બાળક જેવી પારદર્શિતા રાખે તે અને 'ર'-એટલે રસ વધારતી સત્વશીલતા પીરસે તે.

બાપુએ કહ્યું હતું કે અખબારના ઉત્સવે મને કહેવાનું મન થાય છે કે અનુસંધાન ન પકડીએ ત્યાં સુધી ઓડકાર ન આવે તેનું નામ અખબાર. આજે અક્ષય તૃતિયાના દિવસે સતયુગનો પ્રારંભ થયો હતો. ત્યારે આવા પાવનકારી દિવસે 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન'એ જે આરંભ્યુ છે તે ચોક્કસ દીપી ઉઠશે. આ કાર્ય માટે હું અકિલા પરિવારના વડિલ શ્રી કિરીટભાઇ ગણાત્રા અને તેમના સમગ્ર પરિવારને શુભેચ્છા પાઠવું છું. રાઇજાઇ અને નન્હૈ આંસૂ...આ બે પુસ્કતો સ્વયં આશીર્વાદ આપશે, કારણ કે તેમાં શબ્દ બ્રહ્મ છલોછલ છે.

મોરારીબાપૂએ પોતાના બાળપણનો એક કિસ્સો વર્ણવતા કહ્યું હતું કે મારા પિતા પણ વાંચનના શોખીન હતાં. હું પણ તેમની જેમ લાયબ્રેરીએ વાંચવા જવાનો શોખીન હતો. મહુવાની સંઘેડીયા બજારની લાયબ્રેરીએ જતો ત્યારે એક સાથે બે કામ થતાં. લાયબ્રેરીમાં વાંચનનો મોકો મળતો અને બાજુમાં આવેલી અત્તરની દૂકાનેથી અત્તરની ખરીદી પણ કરતો હતો. અત્તરની સુગંધ અને શબ્દને ઘણો તાલમેલ છે. મહેક અને મુલ્યનો નાતો હોય છે. અત્તરની દૂકાને જઇએ ત્યારે અત્તરની મહેક આવે, પણ આપણને મુલ્યની ખબર ન હોય. મુલ્ય તો દૂકાનવાળો કહે ત્યારે જ ખબર પડે. એ જ રીતે જ્યારે દૂકાનવાળાને મુલ્યની ખબર હોય છે, પરંતુ તે મહેક માણી શકતો નથી. શબ્દનો સાધક મહેક અને મુલ્ય બંનેની કસોટીમાં પાર ઉતરતો હોય છે. શબ્દના સેવકોને અનોખી સુગંધ આવતી હોય છે. પૂ. બાપુએ અલગ-અલગ પ્રસંગો અને વાતો થકી ઉપસ્થિત સોૈને ખડખડાટ હસવા મજબૂર કરી દીધા હતાં.

પૂ. મોરારીબાપુ અને વિજયભાઇને પેઇન્ટીંગની ભેટઃ વિવેચકોને સ્મૃતિચિહ્ન

અંતમાં યુવા કલાકાર રાજન ત્રાંબડીયાએ બનાવેલા પૂ. મોરારીબાપુ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પેઇન્ટીંગ આ બંનેને અર્પણ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ લોકસાહિત્યકાર ભીખુદાનભાઇ ગઢવી, કવિ સંજુભાઇ વાળા અને કોલમિસ્ટ જય વસાવડાને 'અકિલા ઇન્ડિયા પબ્લીકેશન'ના સ્મૃતિચિહ્ન અપાયા હતાં.

આજની ઘટના ઐતિહાસિક ઘટનાઃ કવિ હિરેન સુબાની આભારવિધી

આજની ઘટના છેલ્લે હિરેન સુબાએ આભારવિધી કરતાં જણાવ્યું હતું કે એક વાત આજના પ્રસંગે સ્વીકારવી પડશે કે આજે જે ઘટના બની છે તે ઐતિહાસિક બની છે. રોજેરોજના સમાચાર આપતું અખબાર વાચકો માટે કેટલુ વિચારે છે તે આજે જોવા મળ્યું છે. વાચકો જ અકિલાનો પરિવાર છે. હેમુ ગઢવી હોલમાં આજે શબ્દોત્સવી ઉજવાયો છે. મિલિન્દે બે પુસ્તકો રૂપી મોહનથાળ પીરસ્યો છે તેનો સ્વાદ સોૈની જીભે કાયમ રહેશે.

મહેમાનોએ કર્યા મીઠા મોઢા

કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત સોૈ મહેમાનોના-આમંત્રિતોએ આઇસ્ક્રિમનો સ્વાદ માણી મીઠા મોઢા કર્યા હતાં.

'અકિલા'ના આ અનેરા કાર્યક્રમમાં ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. કમિ. બંછાનિધી પાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથિરીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સોૈરાષ્ટ્ર કચ્છ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, શેઠ બિલ્ડર્સના મુકેશભાઇ શેઠ, ધારાશાસ્ત્રી અનિલભાઇ દેશાઇ, કમલેશભાઇ શાહ, રાકેશભાઇ ગોસ્વામી, પૂર્વ મેયર જનકભાઇ કોટક, કશ્યપ શુકલ, દેવાંગ માંકડ, કિશોરભાઇ રાઠોડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, મનિષ રાડીયા, કાશ્મીરાબેન નથવાણી, દર્શિતાબેન શાહ,  રૂપાબેન શીલુ, ભાજપ અગ્રણી મનીષ ભટ્ટ, ડો. નવલ શીલુ, જશવંતસિંહ ભટ્ટી, જીતુ ભટ્ટ, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટર વિજયભાઇ વાંક, અનિલભાઇ પારેખ, મીનાબેન પારેખ, શૈલેષ ડાંગર, વોર્ડ નં. ૩ના અગ્રણી અશોકસિંહ વાઘેલા, અશોકભાઇ ડાંગર, જયંતિભાઇ કાલરીયા,  પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, બાન લેબવાળા મૌલેશભાઇ ઉકાણી,  મારૂતિ કુરીયરવાળા રામભાઇ મોકરીયા, ડો. વિરલ બલદાણીયા,   ડો. ભાવેશ સચદે,  જાણીતા આંખના સર્જન ડો. ચેતન હિન્ડોચા, ડો. દેવ્યાની હિન્ડોચા, ડી.વી. મહેતા, ડો. પિયુષ અનડકટ, કૃષ્ણકાંત ધોળકીયા, કલા ક્ષેત્રના ધુરંધરો ગાયક ઓસમાણ મીર, માયાભાઇ, સાઇરામ દવે સહિતના કલાકારો, પ્રો. ભદ્રાયુ વચ્છરાજાની,  પી એ ટુ મ્યુ. કમિશ્નર રવિભાઇ ચુડાસમા, સીટી ઇજનેર અલ્પનાબેન મિત્રા, ડો. મેહુલ મિત્રા, મ્યુ. કોર્પો.ના નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડ, મ્યુ. કોર્પો.ના લાયબ્રેરીયન શ્રી આરદેશણા, પૂર્વ કોર્પોરેટર અનિલ લીંબડ, પ્રફુલ્લભાઇ કાથરોટીયા, પ્રભાતભાઇ ડાંગર, સંજય અજુડીયા, વિરલ ભટ્ટ, ભાવેશ તળાવીયા, લોહાણા સમાજના અગ્રણી રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંત ચોટાઇ, નવીનભાઇ ઠક્કર, હીરાભાઇ માણેક, વીણાબેન પાંધી, નિતીનભાઇ રાયચુરા, ડો. મયંક ઠક્કર, પરાગ દેવાણી, નરેન્દ્રભાઇ નથવાણી, મુકુંદભાઇ બદીયાણી, જીતુભાઇ ચંદારાણા,   પ્રવિણભાઇ કાનાબાર સહિતના લોહાણા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી  એસ. આર. ટંડેલ, એ-ડિવીઝનના પી.આઇ. નવલસિંહ જાડેજા તેમજ તમામ ક્ષેત્રોના આગેવાનો તથા અકિલા પરિવાર સાથે સંકળાયેલા આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમને મનભરીને માણ્યો હતો.

-: અહેવાલ :-

ભાવેશ કુકડીયા, મિતેષ આહિર

-: તમામ તસ્વીરો :-

અશોક બગથરીયા, સંદિપ બગથરીયા

(12:37 pm IST)
  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • આમ્રપાલી પ્રોજેક્ટ મામલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી :નોઈડા અને ગ્રેનો ઓથોરિટીએ રકમનું વિવરણ આપવું પડશે :પાછલી સુનાવણીમાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે આમ્રપાલી ગ્રુપની તમામ 15 મુખ્ય આવાસ પ્રોજેક્ટનો માલિકી હકક નોઈડા અને ગ્રેટર નોઈડા ઓથોરિટીને સોંપવો જોઈએ :કારણ કે આમ્રપાલીએ 42 હજાર હોમ બાયર્સ પ્રત્યે જવાબદારી નિભાવી નથી access_time 1:17 am IST

  • સુપ્રિમકોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ટળી : મધ્યસ્થી પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો કોર્ટે આપ્યો સમય access_time 11:42 am IST