Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ર૧મીએ વિપક્ષોની મહત્વની બેઠક

પરિણામ પહેલા એકતા કેળવવા પ્રયાસ થશે : ગઠબંધનનું એલાન થશે

નવી દિલ્હી, તા. ૧૦ : ૧૯ મેએ ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પુરૂ થયા પછી ચૂંટણીનો શોરબકોર તો પૂરો થઇ જશે, પણ પડદા પાછળની રાજકીય ગતિવિધીઓ બરાબર ગરમી પકડે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ર૧ મેના વિપક્ષ દળોની પ્રસ્તાવિત મીટીંગ પહેલા તેનો એજન્ડા નક્કી કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ટીડીપી સુપ્રિમો ચંદ્રાબાબુ નાયડુની પહેલથી ર૧ મેના રોજ દિલ્હીમાં વિપક્ષી દળો એક મંચ પર ભેગા થઇ શકે છે.

સુત્રો અનુસાર, આ મીટીંગમાં વિપક્ષી દળો આપસમાં ગઠબંધનની જાહેરાત કરી શકે છે. ચૂંટણી દરમ્યાન કેટલાય પક્ષો સામસામે લડી ચૂકયા છે. ટીડીપી પોતે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ સામે તો મમતા બેનર્જી બંગાળમાં કોંગ્રેસ સામે લડી ચૂકયા છે. જયારે યુપીમાં સપા-બસપા પણ કોંગ્રેસ સામે લડી ચૂકયા છે, પણ ચૂંટણી પછી સમાન વિચારધારાના નામે આ બધા એક મંચ પર આવીને સરકાર બનાવવાની કોશિષ કરશે. આ મીટીંગનો એજન્ડા નક્કી કરવામાં લાગેલા એક સીનીયર વિપક્ષી નેતાએ કહ્યું  કે જો મતગણત્રી પહેલા વિરોધપક્ષોનું એક મોટું ગઠબંધન બને તો સરકાર બનાવવાનો તેમનો દાવો પ્રભાવશાળી બની શકે, તેમનું રાજકીય ગણીત એવું છે કે જો એનડીએ અથવા યુપીએ બન્નેમાંથી કોઇને સ્પષ્ટ બહુમતિ ન મળે તો રાષ્ટ્રપતિ સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપશે. મોટા ભાગના વિપક્ષોનો અંદાજ છે કે ભાજપા જ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે. આ પરિસ્થિતિમાં તેમની પાસે એવી એક આશા રહેશે કે તેઓ બધા ભેગા મળીને પરિણામ પછી તરત જ ર૭રથી વધારે સાંસદોને એક સાથે રજૂ કરે.

(11:59 am IST)