Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

હવે પછીની ચૂંટણી સોશ્યલ મીડિયા ઉપર લડાય તો નવાઇ નહિ

લોકસભાની ચૂંટણીમાં બધા પક્ષોએ સૌથી વધુ ધ્યાન સોશ્યલ મીડિયા પર આપ્યુ છેઃ ૨૦૨૨ સુધીમાં સ્માર્ટફોન ધારકોની સંખ્યા ૮૫.૯ કરોડ થશે : ઇન્ટરનેટ પણ સસ્તુ થઇ ગયું છે

નવી દિલ્હી તા. ૧૦ : ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બધા પક્ષોએ સોશ્યલ મીડિયા પર પોતાના પ્રચારની રણનીતિ બનાવી છે. આના માટે ખાસ ટીમો બનાવીને પોતાના વિરોધીઓ પર હુમલાઓ કરવામાં આવે છે અને પોતાની સિધ્ધીઓ પ્રજા સુધી પહોંચાડાય રહી છે. રાજકીય પક્ષો સોશ્યલ મીડિયા પર ભાર મુકી રહ્યા હોવાનું એક મુખ્ય કારણ છે. સ્માર્ટફોન ધારકોની વધતી જતી સંખ્યા જો આજ રીતે આ આંકડો વધતો રહેશે તો આવનાર લોકસભાની ચૂંટણી સોશ્યલ મીડિયા પર જ લડાશે તેમ કહેવામાં કોઇ અતિશ્યોકિત નથી.

ભારતમાં ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓ બહુ ઓછી કિંમતે પોતાની સેવાઓ આપી રહી છે. મોબાઇલ ઇન્ટરનેટના ઓછા ભાવે ઇન્ટરનેટના વિસ્તારમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. આની સીધી અસર એ થઇ છે કે દેશમાં સ્માર્ટફોનના ગ્રાહકોની સંખ્યામાં બહુ ઝડપી વધારો થયો છે. એસોચૈમના રિપોર્ટમાં જાહેર થયું છે કે દેશમાં સ્માર્ટફોન ધારકોની સંખ્યા ૨૦૨૨ સુધીમાં ૮૫.૯ કરોડ થઇ જશે. ૨૦૧૭માં આ સંખ્યા ૪૬.૮ કરોડ હતી. સ્માર્ટફોન ધારકોની સંખ્યામાં ૧૨.૯ ટકાના દરે વૃધ્ધિ થશે. આ સાથે સાદાફોન વાપરનારાઓની સંખ્યામાં ૬.૪ ટકાના દરે નેગેટીવ વધારો થશે. ૨૦૧૭માં સામાન્ય ફોન ધારકો ૭૦.૧ કરોડની સરખામણીએ ૨૦૨૨માં તે ૫૦.૪ કરોડ રહી જશે.

એસોચૈમના રિપોર્ટમાં કહેવાયું છે કે, સ્માર્ટફોનના ગ્રાહકોની આ સંખ્યા ઇન્ટરનેટ સેવાઓના ઓછા ભાવના કારણે વધી રહી છે. સ્માર્ટફોન ગ્રાહકોની પસંદમાં વીડીયો જોવો તે મુખ્ય છે. જોકે ટેબ્લેટ વીડીયો જોવા માટે અત્યંત સારૂ સાધન માનવામાં આવે છે, પણ ભારતમાં તેના વિકાસમાં જોઇએ તેટલો વધારો હજી સુધી નથી થયો. ૨૦૧૭માં ટેબ્લેટની ભાગીદારી ૫.૩ ટકા હતી જે ૨૦૨૨ સુધીમાં વધીને ૧૦ ટકાએ પહોંચવાનું અનુમાન છે.

આખી દુનિયામાં ટીવી પર વીડીયો અથવા બીજા કાર્યક્રમ જોવાના ટ્રેન્ડમાં બહુ ઘટાડો થયો છે. આખા વિશ્વમાં હવે તે ફકત ૧.૪ ટકાના દરે વધે છે. જ્યારે ભારતમાં તેનો વૃધ્ધિ દર ૧૦.૬ ટકા જોવા મળે છે. ૨૦૧૭માં મનોરંજન માર્કેટ ૮૬,૬૧૮ કરોડ રૂપિયા હતું જે ૨૦૨૨ સુધીમાં વધીને ૧.૪૩ લાખ કરોડથી પણ વધવાનું અનુમાન છે. ટીવી મનોરંજન ઉદ્યોગમાં આવેલી આ તેજીથી આ ઉદ્યોગમાં નોકરીઓ વધવાની શકયતાઓ છે. એટલે કે આના કારણે મોટી સંખ્યામાં નોકરીઓ વધશે જેનો ફાયદો યુવાઓને મળશે.

(11:49 am IST)