Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

આને કહેવાય સાચા વડાપ્રધાન

ભુટાનના વડાપ્રધાન તણાવમુકત રહેવા ડોકટરના રૂપમાં આપે છે સેવા : સર્જરી પણ કરે છે

થિમ્પૂ તા. ૧૦ : ભાગદોડથી ભરેલી આ જીંદગીમાં પોતાને તણાવમુકત રાખવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ વિશ્વભરમાં ખુશહાલી માટે જાણીતા ભૂટાનના વડાપ્રધાન પાસે પોતાને તણાવમુકત રાખવાની રીત કંઈક જૂદી જ છે. દેશના વડાપ્રધાન લોટે શેરિંગ તણાવમુકત રહેવા માટે ડોકટરના રૂપમાં સેવા આપે છે અને દર્દીઓની સર્જરી પણ કરે છે.

ગત વર્ષે દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા શેરિંગે કહ્યું કે, મારે માટે આ કામ તણાવ ઓછો કરવાનું એક માધ્યમ છે. ૫૦ વર્ષિય શેરિંગે કહ્યું કે, કેટલાક લોકો તણાવથી મુકત રહેવા માટે ગોલ્ફ રમતા હોય છે તો, કેટલાક તીરંદાજી કરતા હોય છે, મને દર્દીઓના ઓપરેશન કરવાનું કામ સારું લાગે છે. હું મારું વિકેન્ડ હોસ્પિટલમાં વિતાવું છું.

ભૂટાનના જિગમે દોરજી વાંગચુક નેશનલ રેફરલ હોસ્પિટલનો કોઈ કર્મચારી આ હોસ્પિટલમાં દેશના વડાપ્રધાનને જોઈને ચોંકી નથી જતો, અહીં વડાપ્રધાન શેરિંગનું ડોકટર તરીકે સેવા આપવી એક સામાન્ય વાત છે. ભૂટાન કેટલાક મામલે વિશ્વના અન્ય દેશોથી અલગ છે. ભૂટાનમાં આર્થિક વિકાસની બગલે સમૃદ્ઘિ પર વધુ ધ્યાન આપવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. ભૂટાનનું સફળ રાષ્ટ્રીય ખુશહાલીનું એક મોટું કારણ પર્યાવરણ જાળવણી છે. આ સમૃદ્ઘ દેશના વડાપ્રધાન દર્દીઓની સેવા કરીને ખુશી અનુભવે છે.

વડાપ્રધાન શેરિંગે સર્જરી કરેલા ૪૦ વર્ષીય દર્દી બમથાપે કહ્યું કે, વડાપ્રધાને મારું ઓપરેશન કર્યું છે. તેમને દેશના સૌથી સારા ડોકટરોમાંથી એક માનવામાં આવે છે. હું ઘણો આરામ અનુભવુ છું.

વડાપ્રધાને કહ્યું છે કે, હોસ્પિટલમાં હું દર્દીઓની તપાસ કરીને તેમની સારવાર કરું છું. સરકારમાં રહીને હું સ્વસ્થ્ય નીતિઓની તપાસ કરીને તેમને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરું છું. હું મારા અંતિમ શ્વાસ સુધી આ સેવા કરતો રહીશ.

(10:04 am IST)