Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અસમના ડિબ્રુગઢ અને અરૂણાચલ પ્રદેશના પાસીઘાટને જોડતા સૌથી લાંબા પુલનું વર્ષના અંત સુધીમાં નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ ચીનની સાથે જોડાયેલ સરહદ પર સેનાને સામાન મોકલવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને અસમના ડિબ્રુગઢથી અરૂણાચલ પ્રદેશના પાસીઘાટ વચ્‍ચે સૌથી લાંબા પુલનું વર્ષના અંતમાં વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

બોગીબીલ પરિયોજનાના ચીફ એન્જિનિયર (નિર્માણ) મહેન્દ્રસિંહે જણાવ્યું કે આ વર્ષ સુધી 4.94 કિલોમીટર લાંબા પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ કરીને તેના ઈલેક્ટ્રિકલ અને સિગ્નલનું કામ પૂર્ણ કરવામાં બે મહિના લાગશે. અધિકારીઓએ જણાવ્યું કે બોગીબેલ પુલનું ઉદ્ઘાટન આ વર્ષના અંત સુધીમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવે તેવી સંભાવના છે.

એશિયાના આ બીજા સૌથી મોટી પુલ પર ત્રણ લેનનો રસ્તો છે અને તેની નીચે રેલવે લાઈન છે. આ પુલ બ્રહ્મપુત્રના જળસ્તરથી 32 મીટરની ઊંચાઈ પર છે. સ્વીડન અને ડેનમાર્કને જોડનારા પુલ પ્રમાણે આ પુલ ડિઝાઈન કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સરકાર માટે આ પુલ પૂર્વોત્તરમાં વિકાસનું પ્રતીક છે અને ચીન સરહદ પર તૈનાત સશસ્ત્ર બળો માટે સામગ્રી સરળતાથી મેળવવાનું સાધન બની જશે, જેથી આ પુલ સશસ્ત્ર બળ માટે પણ લાભદાયી સાબિત થશે.

મહેન્દ્રસિંહે કહ્યું, “ટ્રેનથી ડિબ્રુગઢથી અરુણાચલ પ્રદેશ જવા માટે લોકોને ગુવાહાટી જવું પડે છે, અને તેના કારણે 500 કિલોમીટરથી વધારે અંતર કાપવું પડે છે. આ પુલથી આ યાત્રા 100 કિલોમીટર કરતા ઓછી થઈ જશે.આ પુલ માટે 1996માં મંજૂરી મળી ગઈ હતી પણ નિર્માણ કાર્ય 2002માં એનડીએ સરકારે શરુ કર્યું હતું. કોંગ્રેસની યુપીએ સરકારે 2007માં તેને રાષ્ટ્રીય પરિયોજના જાહેર કરી હતી.

(5:53 pm IST)