Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

લોકસભાની ચૂંટણી પહેલા કેન્‍દ્ર સરકાર ધાર્મિક સ્‍થળો માટે યોજના બનાવશેઃ વૈષ્‍ણોદેવી માર્ગ પહોળો કરાશે અને નેપાળના જનકપુરથી અયોધ્યા સુધી બસ સેવા શરૂ કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાનીમાં કેન્‍દ્ર સરકાર આગામી દિવસોમાં ૨૦૧૯ની ચૂંટણી પહેલા શ્રી વૈષ્‍ણોદેવી મંદિરે જતા યાત્રિકો માટે વધુ સુવિધા આપશે અને નેપાળના જનકપુરથી અયોધ્યા સુધી બસ સેવા શરૂ કરશે.

ભાજપ માતા વૈષ્ણોદેવી મંદિર અને રામાયણ સર્કિટ ટૂરિસ્ટ યોજનાને લઈને પહેલ કરવાની છે. જાણકારોનું માનીએ તો આ બંને યોજનાઓ આગામી એક અઠવાડિયાની અંદર શરૂ થશે.

જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી જમ્મૂ-કશ્મીરના રિયાસી જિલ્લામાં વૈષ્ણોદેવી મંદિર માટે 7 કિલોમીટર લાંબા વૈકલ્પિક તારાકોટા માર્ગનું આવતા અઠવાડિયે ઔપચારિક રીતે ઉદ્ઘાટન કરશે. એક અધિકારીએ જણાવ્યું કે, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB)ના અધ્યક્ષ અને રાજ્યપાલ એન.એન.વોહરાની વિનંતી પર પ્રધાનમંત્રીએ 19મેએ તારાકોટ માર્ગનું ઔપચારિક ઉદ્ઘાટન કરવાની સંમતિ આપી છે.

આ રસ્તો યાત્રાળુઓ માટે 13મેની સવારથી ખુલ્લો મુકાશે. જે બાણગંગાથી અર્ધકુમારી સુધી 6 કિલોમીટરનો ટ્રેક હશે. આ સિવાય કટરાથી ભવન સુધી આ માર્ગ ટટ્ટુ મુક્ત છે, જે ખાસ કરીને યાત્રાળુઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે. 7 કિલોમીટરનો વૈકલ્પિક માર્ગ 6 મીટર પહોળો છે. તારકોટનો રસ્તો તીર્થયાત્રીઓને એક સુંદર અને સ્વચ્છ માર્ગ પૂરો પાડશે. જેમાં 2 ભોજનાલય, 4 વ્યૂ પોઈંટ અને 7 શૌચાલય બ્લોક છે. 24 કલાક યાત્રીઓ માટે ડોક્ટર્સ, પેરામેડિક્સ, દવાઓ અને ઉપકરણોથી સજ્જ એક દવાખાનાની સ્થાપના કરાઈ છે.

તો કર્ણાટકની ચૂંટણીના એક દિવસ પહેલાં એટલે કે 11મેના રોજ પ્રધાનમંત્રી મોદી નેપાળના જનકપુર શહેરથી અયોધ્યા સુધી એક બસ સેવાની શરૂઆત કરશે. આ યોજના રામાયણ સર્કિટ ટૂરિસ્ટ યોજનાને લઈને પહેલ છે. જનકપુર હિંદુઓની આરાધ્ય દેવી સીતાનું જન્મસ્થાન છે.

મહત્વનું છે કે રામાયણ સર્કિટ યોજનાના પ્રથમ તબક્કા માટે કેંદ્ર સરકારે 245 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આ સિવાય ચિત્રકૂટ અને શ્રૃંગવેરપુર વચ્ચે 11 સ્થળો માટે પણ અલગ બજેટનો પ્રસ્તાવ મૂક્યો છે. આ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાનોને પર્યટનની દ્રષ્ટિએ વિકસિત કરાશે, જ્યાંથી પ્રભુ રામ વનવાસ દરમિયાન શ્રીલંકા ગયા હતા.

(5:48 pm IST)