Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભારતના સૌથી લાંબા રેલ-રસ્તા બ્રિજનું PM મોદી કરશે ઉદઘાટન, ચીનના પેટમાં રેડાશે તેલ!

ડિબ્રુગઢ તા.૧૦: અસમ ડિબ્રુગઢને અરૂણાચલ પ્રદેશના પાસીઘાટથી જોડનાર દેશનો સૌથી લાંબો રસ્તા અને રેલ પુલનું બાંધકામ આ વર્ષે પુરું થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષના અંતમાં પુલનું ઉદઘાટન થવાની સંભાવના છે. આ પુલને ચીનની સાથે લાગતી સરહદ પર રક્ષાનો સર સામાન પહોંચાડવા માટે ખુબ જ મહત્વપુર્ણ મનાઇ રહયો છે. બીજીબાજુ અરૂણાચલ પ્રદેશમાં વિકાસના કામકાજોથી ચીન અકળાઇ છે તેવી વારંવાર ચર્ચા થતીરહી છે. બોગીબલી પ્રોજેકટ ચીફ એન્જીનીયરીંગ (નિમાણ) મહેન્દ્રસિંહે કહયું કે આ વર્ષે જુલાઇ સુધીમાં ૪.૯૪ કિલોમીટર લાંબા આ પુલનું નિર્માણ કામ પુરું થઇ જશે પરંતુ તેના ઇલેકટ્રીક અને સિગ્નલનું કામ પુરું કરવામાં હજુ બીજા બે મહિના લાગશે. અધિકારીઓએ કહયું કે બોગીબલી પુલનું ઉદઘાટન વર્ષના અંત સુધીમાં વડાપ્રધાન મોદી દ્વારા થાય તેવી સંભાવના છે. એશિયાના આ બીજા સૌથી મોટા પુલમાં મુખ્યત્વે થ્રી લેન રસ્તા છે અને તેની નીચે બેવડી રેલ લાઇન છે. આ પુલ બ્રહ્મપુત્રની જળસપાટીથી ૩૨ મીટરની ઊંચાઇ પર છે. તેને સ્વીડન અને ડેનમાર્કને જોડનાર પુલના તર્જ પર બનાવાયો છે. અધિકારીઓના મતે સરકાર માટે આ પુલ પૂર્વોતરમાં વિકાસનું પ્રતિક છે અને ચીન સરહદ પર તૈનાત સશસ્ત્ર બળો માટે તેજપુરથી પુરવઠો મેળવવા સંબંધિત મુદાને હલ કરવાની દિશામાં એક રણનીતિક કદમ છે. મહેન્દ્રસિંહે કહયું કે ટ્રેનથી ડિબ્રુગઢ થી અરૂણાચલ પ્રદેશ જવા માટે લોકોને ગુવાહાટી જવું પડે છે અને તેમને ૫૦૦ કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. આ પુલથી આ મુસાફરી ૧૦૦ કિલોમીટર ઘટી જશે. આ પુલ માટે ૧૯૯૬ માંજ મંજુરી મળી ગઇ હતી. પરંતુ બાંધકામ ૨૦૦૨મા એનડીએ સરકારે શરૂ કર્યુ હતું. કોંગ્રેસ નીત યુપીએ સરકારે ૨૦૦૭માં તેને રાષ્ટ્રીય પ્રોજેકટ જાહેર કરી દીધો હતો.

(4:32 pm IST)