Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હું ''નામદાર'' નહીં ''ઈમાનદાર'': ભાજપ હિન્દુ શબ્દનો અર્થ નથી જાણતુ : રાહુલ

કર્ણાટકની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસઃ કોંગ્રેસ અધ્યક્ષનું ભાજપ તથા નરેન્દ્રભાઈ ઉપર જબરો હલ્લાબોલઃ વિવિધ મુદ્દે આકરા પ્રહારો : રાફેલ ડીલ વડાપ્રધાનના મિત્રો માટેઃ દલીતો અંગે વડાપ્રધાન એક શબ્દ પણ નથી બોલ્યાઃ ચીનનો પ્રવાસ કોઈ એજન્ડા અને ડોકલામની ચર્ચા વિના કેમ થયો?: જેલમાં જનાર ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર !!!: કોંગ્રેસ અધ્યક્ષના ચાબખા

બેંગલુરૂ,તા.૧૦: કર્ણાટકમાં આજે જાહેર પ્રચારના પડઘમ શાંત થઈ જાય તે પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

તેમણે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું. ભાજપમાં ગંભીરતાની કમી છે. અમે મુદ્દા પર આધારીત ચૂંટણી લડી રહયા છીએ, કોંગ્રેસનું ઘોષણાપત્ર કર્ણાટકના લોકોનો અવાજ છે. તેમણે કર્ણાટકમાં કોંગ્રેસ જીતશે તેવો દાવો પણ કર્યો હતો.

રાહુલ ગાંધીએ એ પણ જણાવેલ કે કોંગ્રેસ હંમેશા દલીતોનો મુદ્દો ઉઠાવે છે. જયારે ભાજપને કોઈ મુદ્દો ન મળે તો તેઓ વ્યકિતગત હુમલા કરવા મંડે છે. વડાપ્રધાન મોદીના મિત્રો માટે રાફેલ ડીલ સારી રહી હોવાનું જણાવી રાહુલે રેડ્ડી બંધુઓએ પૈસા લુટયાનું પણ જણાવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષે જણાવેલ કે અમે મૌલીક વિષયોને ઉઠાવી ઘોષણાપત્રમાં કર્ણાટકનું વિઝન રજુ કર્યુ. અમારા વિરોધીઓ વ્યકિતગત હુમલાઓ કરવા મંડયા પણ તેમની પાસે વિઝન નથી. આ ઉપરાંત ભાજપે અમારા ઘોષણાપત્રની નકલ કરી છે.

નરેન્દ્રભાઈ ઉપર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવેલ કે તેઓ મુદ્દાઓ ઉપરથી ધ્યાન ભટકાવવાના પ્રયાસો કરી રહયા છે. રાફેલ ડિલ તેનો પુરાવો છે. તેમણેએ પણ જણાવેલ કે મારા મંદિર જવાથી પણ ભાજપને તકલીફ પડે છે. મોદીજીએ કોઈપણ એજન્ડા વિના ચીન ગયા હતા. આ વિદેશ નીતિના નામે વન મેન શો હતો. તેમણે ચીન જઈ ડોકલામ અંગે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો.વધુ પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવેલ કે અમે દલીતોના મુદ્દા ઉઠાવ્યા છે, પણ રોહીત વેમુલા હત્યા અને ગુજરાતના ઉનામાં દલીતો ઉપર થયેલ બર્બરતા અંગે નરેન્દ્રભાઈ કશું જ બોલ્યા નથી. તેઓ દલીતોનો મુદ્દો કેમ નથી ઉપાડતા. અમે દલીતોનો મુદ્દો ઉઠાવતા રહીશું એ અમારૂ કામ છે.

ભાજપને હિન્દુ શબ્દનો અર્થ પણ ન સમજતી હોવાનું જણાવી રાહુલ કહ્યું હતુ કે આ ચૂંટણી કર્ણાટકની છે. મોદીજી કે રાહુલ ગાંધીની નહી. મહીલાઓ વિરૂધ્ધ અત્યાચાર નિશ્ચિતરૂપે એક રાજકીય અને રાષ્ટ્રીય મુદ્દો છે. નરેન્દ્રભાઈ બુલેટ ટ્રેન અને અન્ય મુદ્દાઓની વાતો કરે છે પણ બુનીયાદી મુદ્દાઓ ઉપર ચર્ચાઓ ન ઈચ્છતા હોવાનું તેમણે ઉમેરેલ.

રાહુલ ગાંધીએ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદુરપ્પા ઉપર પણ આકરા પ્રહારો કરતા જણાવેલ કે જેલ જનાર રાજયના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. આ ઉપરાંત તેમણે વિવિધ મુદ્દે ભાજપ તથા નરેન્દ્રભાઈને આડે હાથ લીધા હતા.

સોનીયા ગાંધી વિશે રાહુલે જણાવેલ કે મારી માતા ઈટાલીના છે, પણ દેશ માટે તેમણે બલીદાન આપ્યું છે. મહિલાઓ વિરૂધ્ધ અત્યાચાર નિશ્ચિતરૂપે રાજકીય મુદ્દો છે. શું દેશની મહિલાઓ સાથે બળાત્કાર થતા રહે અને તેઓ (મોદીજી) ઈચ્છે છે કે અન્ય રાજકીય પક્ષો ચુપ રહે. આ કેમ બની શકે? મોદીજી કર્ણાટકના લોકોના મુદ્દાઓ અંગે વાત નથી કરતા, પણ લોકોને ભટકાવી રહયાનું પણ કોંગ્રેસ અધ્યક્ષે ઉમેર્યુ હતુ.

તેમણે મોદીજીને વિકાસ નહીં પણ મારા વિશે વાત કરવાનું વધુ ગમતુ હોવાનું પણ જણાવેલ. રાહુલે જણાવેલ કે હું નામદાર નહીં ઈમાનદાર છુ. તેમ કોન્ફરન્સના અંતમાં કોંગ્રેસ અધ્યક્ષે જણાવેલ.

(4:13 pm IST)